Thu Apr 23 2026

Logo

હાર્દિકે થોડા આક્રમક થઈને ટિપ્સ આપી ત્યાર પછી તિલકે 23 બૉલમાં 82 રન ખડકી દીધા!

1 day ago
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સનો તિલક વર્મા (101 અણનમ, 45 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સોમવારે અહીં ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં આ વખતની ટૂર્નામેન્ટમાં સંજુ સૅમસન અને ક્વિન્ટન ડિકૉક પછીનો ત્રીજો સેન્ચુરિયન બન્યો એ સફળતા પાછળ મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાની પણ મહત્ત્વની ભૂમિકા છે. ખૂબીની વાત એ છે કે હાર્દિકે (Hardik) ક્રીઝમાં આવ્યા પછી તિલક વર્મા સાથે થોડા આક્રમક મૂડમાં જે સલાહ આપી ત્યાર બાદ તિલકનો બૅટિંગમાં અભિગમ બદલાઈ ગયો હતો અને તેણે અસલ મિજાજમાં ફટકાબાજી શરૂ કરી દીધી હતી. તિલકની અણનમ સેન્ચુરી મુંબઈ માટે વિજયી પુરવાર થઈ હતી. મુંબઈ પહેલી વખત અમદાવાદમાં જીતવામાં સફળ થયું હતું. મુંબઈ (Mumbai)ના 5/199ના જવાબમાં ગુજરાત 100 રનમાં ઑલઆઉટ થઈ જતાં મુંબઈનો 99 રનથી શાનદાર વિજય થયો હતો.

13મી ઓવરમાં નમન ધીર (45 રન, 32 બૉલ, એક સિક્સર, છ ફોર) પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં કૅગિસો રબાડાના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે તિલક સાથે હાર્દિક જોડાયો હતો. તિલક ત્યારે 16 રન પર હતો. મુંબઈનો સ્કોર 96/4 હતો અને અમદાવાદમાં મુંબઈએ પહેલી જ વખત જીત મેળવવાનું મહેણું ભાંગવાનું હતું. તિલક એ તબક્કે પોતાના સ્કોરમાં એક-એક રન જોડી રહ્યો હતો.

જોકે મુંબઈની ઇનિંગ્સમાં 14મી ઓવર પછી સિનારિયો બદલાઈ ગયો હતો. તિલકે (Tilak) ક્રિષ્નાની 15મી ઓવરના પ્રથમ ત્રણ બૉલમાં એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકારીને ગુજરાતની ટીમને સંકેત આપી દીધો હતો કે હવે તેને કોઈ જ નહીં અટકાવી શકે. તિલકે ત્યારથી માંડીને ઇનિંગ્સના અંત સુધીમાં માત્ર 23 બૉલમાં 82 રન ખડકી દીધા હતા અને 101 રને અણનમ રહ્યો હતો. તેણે અશોક શર્માની 18મી ઓવરમાં (6, 4, 4, 6, 6) કુલ 26 રન ખડકી દીધા હતા. તિલકે ઇનિંગ્સ પછી કહ્યું, `બધા હાર્દિકભાઈના ઊર્જાત્મક અભિગમથી સૌ કોઈ પરિચિત છે. તેમણે મને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તું મોટી ઇનિંગ્સ રમી શકે છે અને મને ખાતરી છે કે તું રમીશ જ. મેં હાર્દિકભાઈને શાંત પડવા કહ્યું, કારણકે મારે મારી ગેમ પર એકાગ્રતા બનાવી રાખવાની હતી. મેં તેમને ખાતરી આપી કે તમે ઇચ્છો છો એવું હું રમી બતાડીશ.'

તિલક પાછલી પાંચ મૅચમાં ફક્ત 40 જેટલા રન કર્યા હતા અને એક મૅચમાં તેણે બાવીસ બૉલમાં ફક્ત 20 રન કર્યા હતા, પણ સોમવારે અમદાવાદમાં તેણે 23 બૉમાં 82 રન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેણે 224.44ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા.

હાર્દિક તિલકને પિચ પર શું કહેલું?

કૅપ્ટન હાર્દિક પંડ્યાએ સોમવારે અમદાવાદમાં મૅચ પછી તિલક વર્મા વિશે કહ્યું, `તિલક એટલો બધો ટૅલન્ટ છે કે તેણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. મેં તેને એટલું જ કહ્યું કે બૉલ બરાબર જોઈ લે અને લગાવી દે ફટકો. તેને તેમ જ મુંબઈ ઇન્ડિયન્સને આવી ઇનિંગ્સની ખાસ જરૂર હતી. હું ક્યારેક ડગઆઉટમાંથી પણ બરાડા પાડતો હોઉં છું. કૅપ્ટન તરીકે મારામાં એ પ્રકારની ઊર્જા હોવી જરૂરી છે.'