Tue Apr 21 2026

Logo

ફેસબુકની પેરન્ટ કંપની META ફરીથી કરશે છટણી, જાણો શું છે કારણ?

3 hours ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હીઃ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની મેટા (META)એ ફરી એક વાર ચોંકાવનારી વાત કરી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાએ પોતાના કર્મચારીઓને ઝટકો આપવાનું નક્કી કર્યું છે, જે અન્વયે આગામી મહિના દરમિયાન હજારો કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે સેંકડો આઈટી કંપની સહિત અન્ય કંપનીઓએ પોતાના માનવબળની સંખ્યા ઘટાડવાની શરુઆત કરી હતી. અગાઉ એમેઝોન સહિતની અન્ય કંપનીએ છટણી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા જાયન્ટ કંપની પણ જાહેરાત કરી છે.

કર્મચારીઓના માનવબળ પર સ્ટ્રાઈક
મળતી માહિતી અનુસાર કંપની આ વર્ષે આગામી મહિના દરમિયાન લગભગ 8,000 કર્મચારીઓની ઘરભેગા કરશે. માર્ક ઝુકરબર્ગના નેતૃત્વ હેઠળની કંપની પોતાની કાર્યક્ષમતા વધારવા અને ખર્ચમાં કાપ મૂકવાના ભાગરુપે ફરી એક વખત કંપનીના કર્મચારીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી છે.

દુનિયાભરના કર્મચારી પર થશે અસર
મેટા આ યોજના તબક્કાવાર હાથ ધરવાનો નિર્ણય લીધો છે. કંપનીના અહેવાલ અનુસાર 20મી મેના છટણીના પહેલા તબક્કાની શરુઆત થશે. પહેલા તબક્કામાં કંપનીના કુલ માનવબળના લગભગ 10 ટકા હિસ્સાને અસર થશે. કંપનીના આ નિર્ણયથી ફક્ત અમેરિકા જ નહીં, પરંતુ દુનિયાભરના દેશો કામ કરતા કર્મચારી પર અસર થશે. કર્મચારીઓમાં પણ ડરનો માહોલ છે કે કોનો નંબર લાગશે.

એઆઈમાં અબજો ડોલરનું કરશે રોકાણ
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મોટા ભાગની કંપની પર આર્થિક સંકટનું નિર્માણ થયું છે. મોટા ભાગની કંપનીઓનું ફોક્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર શિફ્ટ થઈ રહ્યું છે. ઝુકરબર્ગ પણ પોતાની કંપનીમાં 10 ટકા જેટલા કર્મચારીની છટણી કરીને એનું રોકાણ એઆઈ સેક્ટરમાં કરશે. એઆઈમાં અબજો ડોલરનું વિશેષ રોકાણ કરવા ઈચ્છે છે.

કયા વિભાગો પર થશે સૌથી વધુ અસર
છટણીની સૌથી વધુ અસર રિક્રૂટમેન્ટ, સેલ્સ, ગ્લોબલ ઓપરેશન્સ અને રિયાલિટી લેબ્સ વગેરે પર થવાની સંભાવના છે. મેનેજમેન્ટ સેક્ટર પર પણ અસર થઈ શકે છે. કંપનીએ એના અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ 20 મેના હજારો કર્મચારીના પરિવારો પર અસર થઈ શકે છે. કંપનીના સૂત્રોના દાવા અનુસાર આગામી વર્ષોમાં 20 ટકા સુધી વર્કફોર્સમાં ઘટાડો કરી શકે છે. આ અગાઉ કંપનીએ 2022-23માં યર ઓફ એફિશિયન્સીના નામે લગભગ 21,000 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.