નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે અને આક્ષેપ કર્યો છે કે ગૃહમાં મહિલા અનામત સાથે જોડાયેલ બંધારણીય સંશોધન પસાર નહિ થયા બાદ રાષ્ટ્રના નામે સંબોધન કરીને વિરોધી પાર્ટીઓ પર આક્ષેપો કર્યા હતા, જે સંસદના વિશેષાધિકારનો ભંગ અને અવમાનનાનો ગંભીર મામલો છે.
કોંગ્રેસના પાર્ટી સચિવ કે. સી. વેણુગોપાલે લોકસભા અધ્યક્ષને આપેલી નોટિસમાં સંસદના નિયમ 222 અન્વયે સંસદની ગરિમા અને સભ્યોને આપવામાં આવેલ બંધારણીય સુરક્ષાને જાળવી રાખવા તત્કાળ અને નિર્ણાયક કદમ લેવાની માંગ કરવામાં આવી છે.
કે. સી. વેણુગોપાલે નોટિસમાં દાવો કર્યો હતો કે 17 એપ્રિલે બિલ પસાર ન થયા બાદ, 18 એપ્રિલે વડા પ્રધાન મોદીએ ટેલિવિઝન પર 29 મિનિટનું સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે વિપક્ષી દળોની આકરી ટીકા કરી અને સાંસદોના મતદાનના અધિકાર અને તેમના હેતુઓ પર આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસ નેતાના મતે, સંસદની સ્થાપિત પરંપરા મુજબ, સભ્યો દ્વારા ગૃહમાં આપવામાં આવેલા ભાષણો કે મતદાન અંગે ગૃહની બહાર આક્ષેપો કરવા અથવા તેમના હેતુઓ પર દોષારોપણ કરવો એ વિશેષાધિકારનો ભંગ ગણાય છે.
કોંગ્રેસે આ સંબોધનને સત્તાનો ખુલ્લો દુરુપયોગ અને અનૈતિક ગણાવ્યું હતું. વેણુગોપાલે જણાવ્યું કે સરકાર જ્યારે સંસદમાં બહુમતી ન મેળવી શકી ત્યારે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને વિપક્ષને નિશાન બનાવ્યું તે લોકશાહી વિરોધી છે.
તેમણે સ્પીકરને આગ્રહ કર્યો હતો કે આ મામલો વિગતવાર તપાસ માટે લોકસભાની વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવે અને વડા પ્રધાન મોદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે જેથી સંસદની ગરિમા જળવાઈ રહે.
બીજી તરફ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ આ મુદ્દે વડા પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં 59 વખત કોંગ્રેસનું નામ લઈને પક્ષપાતી હુમલા કર્યા છે, જે રાષ્ટ્રીય સંબોધનની ગરિમાને કલંકિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાને શનિવારે પોતાના સંબોધનમાં વિપક્ષ દ્વારા બિલના વિરોધને 'ભ્રૂણ હત્યાના પાપ' સાથે સરખાવ્યો હતો અને કહ્યું હતું કે દેશની મહિલાઓ આ માટે વિપક્ષને સજા આપશે. 2029ની ચૂંટણીથી મહિલાઓને 33 ટકા અનામત આપતું આ બિલ જરૂરી બહુમતીના અભાવે શુક્રવારે લોકસભામાં નિષ્ફળ ગયું હતું.