Wed Apr 22 2026

Logo

ઓપરેશન સિંદૂરમાં શહીદ અગ્નિવીરની માતાની અરજીનો જવાબ આપવામાં વિલંબ બદલ હાઇ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી

3 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે આજે ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ આપવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.

ગયા વર્ષે મે મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પારથી થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા અગ્નિવીર મુરલી નાઈકની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને હિતેન વેણેગાંવકરની બેન્ચે કેન્દ્રને 6 મે સુધીનો સમય આપ્યો હતો. 

કોર્ટે નોંધ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અને પછી જાન્યુઆરીમાં કેન્દ્રને નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી, જવાબ દાખલ કરવામાં આવ્યો નથી.  કોર્ટે વધુ સમય આપવાનો નનૈયો ભણી મહારાષ્ટ્ર સરકારને તેનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને કેસની વધુ સુનાવણી 18 જૂને મુલતવી રાખી હતી.

મુરલી નાઈકની માતા જ્યોતિબાઈ નાઈકે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કેન્દ્રની અગ્નિવીર યોજના અગ્નિવીરો અને નિયમિત સૈનિકો વચ્ચે "મનસ્વી" રીતે  ભેદભાવ કરે છે, અને પરિવારને સંપૂર્ણ મૃત્યુ લાભો આપતી નથી.

એડવોકેટ સંદેશ મોરે, હેમંત ઘડીગાંવકર અને હિતેન્દ્ર ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે અગ્નિવીરો નિયમિત સૈનિકો જેવી જ ફરજો બજાવે છે અને સમાન જોખમોનો સામનો કરે છે, છતાં ટૂંકા ગાળાના ઇન્ડક્શન પ્રોગ્રામ હેઠળ ભરતી થયેલા લોકોના પરિવારોને લાંબા ગાળાના પેન્શન અને અન્ય કલ્યાણકારી લાભો મળતા નથી.

અરજી મુજબ, નાઈક પરિવારને લગભગ 1 કરોડ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ મળી હતી, પરંતુ નિયમિત કૌટુંબિક પેન્શન કે અન્ય કોઈ લાભો મળ્યા નહોતા.  અરજીમાં સરકારને સેવા દરમિયાન મૃત્યુ પામેલા અગ્નિવીરોના પરિવારો માટે પેન્શન, સંસ્થાકીય માન્યતા અને કલ્યાણકારી પગલાં સહિત સમાન મરણોત્તર લાભો સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.  

અરજીમાં જણાવ્યા મુજબ નાઈકને જૂન 2023 માં અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. તેમના મૃત્યુ પછી, તેમની માતાએ અનેક અધિકારીઓને પત્રો મોકલીને વિનંતી કરી હતી કે તેમના પરિવારને ફરજ દરમિયાન મૃત્યુ પામેલા નિયમિત સૈનિકોના પરિવારોને મળતા લાભો જેવા જ લાભો આપવામાં આવે. જોકે, અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.