Tue Apr 21 2026

Logo

શરદ પવાર નાદુરસ્ત તબિયતને કારણે બારામતી પેટાચૂંટણીમાં મતદાન નહીં કરે

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું હતું કે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ૨૩ એપ્રિલના રોજ યોજાનારી બારામતી વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં, અને મતદારોને નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવારને સમર્થન આપવા અપીલ કરી હતી.

એક નિવેદનમાં પવારે જણાવ્યું હતું કે, તેઓ "ભારે હૈયે" આ વખતે બારામતીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લઈ રહ્યા છે, કારણ કે તેમની તબિયત બગડતા ડોક્ટરોએ તેમને મુંબઈની બહાર પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. 'આ અનિવાર્ય પરિસ્થિતિને કારણે, હું મારો મતદાન કરી શકીશ નહીં. હું ખૂબ જ દુઃખી અને ભારે હૃદયથી આ વ્યક્ત કરવા માંગુ છું,' તેમણે ઉમેર્યુ હતું. 

પવારે વધુમાં જણાવ્યું હતું કે, તેમના પક્ષે પેટાચૂંટણીમાં સુનેત્રા પવારને ટેકો જાહેર કર્યો છે. "આ એક રીતે અમારા પક્ષ તરફથી સ્વર્ગસ્થ અજિત પવારને શ્રદ્ધાંજલિ છે. હું બારામતીના તમામ મતદારોને સુનેત્રા અજિત પવારને મત આપવા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરું છું. 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદચંદ્ર પવાર જૂથ) પક્ષના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારની તબિયત ફરી એકવાર બગડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળેએ માહિતી આપી હતી.

શરદ પવાર બે દિવસ પહેલા દિલ્હીથી આવ્યા હતા અને ત્યારબાદ તબિયત બગડતાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે તેમને રજા આપવાના હતા. જોકે, ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હોવાથી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા છે.

સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે શરદ પવારને રૂટિન ચેક-અપ અને કેટલાક મહત્વપૂર્ણ મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં વિવિધ ટેસ્ટ ચાલી રહ્યા છે અને રિપોર્ટ આવ્યા પછી જ તેમની સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારની હાલત હાલમાં સ્થિર છે. જોકે, તેમની ઉંમર અને તાજેતરની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે