Wed Apr 22 2026

Logo

ઉદ્ધવ ઠાકરેએ પશ્ચિમ બંગાળ ચૂંટણી મુદ્દે ભાજપ પર સાધ્યું નિશાનઃ મમતા બેનર્જીને હરાવવા માટે 2 લાખ જવાન તહેનાત કર્યાં

3 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે આરોપ લગાવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની હાર સુનિશ્ચિત કરવા માટે ભાજપ શાસિત કેન્દ્ર સરકારે ત્યાં બે લાખથી વધુ સીઆરપીએફ જવાનોને તૈનાત કર્યા છે.

પશ્ચિમ બંગાળની ૨૯૪ સભ્યોની વિધાનસભા માટે ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ એમ બે તબક્કામાં મતદાન થવાનું છે, જ્યારે મતોની ગણતરી ૪ મેના રોજ થશે. ભારતીય કામગાર સેનાની સામાન્ય સભાને સંબોધતા ઠાકરેએ જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મમતા બેનર્જીના નજીકના લોકો પર દરોડા પાડી રહ્યું છે.

તેઓ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સહિતના રાજકીય સંગઠનોને રાજકીય સલાહ આપતી સંસ્થા આય-પેક વિરુદ્ધ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી તપાસનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું હતું કે, જ્યારે તેમના પોતાના રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે તેઓ પ્રચાર માટ પશ્ચિમ બંગાળ જઈ રહ્યા છે. 

"મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં વાઘણની જેમ લડી રહ્યા છે... તેમને હરાવવા માટે, પશ્ચિમ બંગાળમાં બે લાખથી વધુ સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જો રાજ્યના દરેક ખૂણામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે તો લોકો નિર્ભયતાથી કેવી રીતે મતદાન કરશે?" ઠાકરેએ પ્રશ્ન કર્યો હતો.