સુભાષ ઠાકર
‘મને તો ખબર જ નઈ ચંબુ, હું તો ઓફિસમાં ચા પીતો હતો ને વાઈફનો ફોન આવ્યો કે તારી બા ગુજરી ગયાં.
તુર્તજ ચા બિલાડીને પીવડાવી દીધી. તારી બા જેવી બા ગુજરી જાય તો ગળેથી ચા કેમ ઊતરે? ચા તો બીજીવાર મળે, પણ એકવાર ઉપર ઊપડી ગયેલાં બા થોડાં ફરી મળે? સાલુ, મને તો હજી માન્યામાં જ નથી આવતું કે બા...’
‘માન્યામાં ન આવે તો નઈ માનવાનું, ઠાકર.. કારણ કે બા નઈ પણ બાપુજી ગુજરી ગયા છે.’
માર્યા ઠાર..પાકી ખાતરી વગર મોટો લોચો માર્યો.
બે સેકન્ડ શ્વાસ રોકી હું બોલ્યો :
‘ઓહ.. યુ મીન ફાધર? અરે પણ પરમ દિવસે તો તારા બાપુજીને મણીબા સાથે ‘આ ગલે લગ જા’ પિકચર જોતા જોયેલા, ગઈકાલે તારી ચાલીના મેદાનમાં હીરાબા સાથે લંગડી રમેલા, ને પછી ચંપાબા સાથે થપ્પો રમતા પણ જોયેલા. આ ઉંમરે ત્રણ ત્રણ ગોપીઓ સાથે મોજ કરનાર બાપુજીને અચાનક શું થઇ ગયું?’ મેં પૂછ્યું.
‘અરે, બાપુજી બીમાર તો ઘણીવાર પડેલા પણ મરી ગયા એવું પહેલી જ વાર બન્યું.’
‘પણ મરતા પહેલાં કોઈ બીમારી તો આવી હશે ને?’ મેં પૂછ્યું.
‘બીમારી શું? ભૂલકણો સ્વભાવ. અરે, ગયા અઠવાડિયે બહાર ગયેલા તો ત્રણ દિવસ સુધી પાછા ન આવ્યા. આખું ઘર ટેન્સનમાં. ત્રણ દિવસે પાછા આવ્યા ત્યારે મેં પૂછ્યું :
‘બાપુજી, ત્રણ દિવસ સુધી આપ ક્યાં અદૃશ્ય થઇ ગયેલા?’
તો બોલ્યા ; ‘બેટા, આ ઉંમરના કારણે મારી યાદશક્તિ ઘટતી જાય છે એટલે ત્રણ દિવસથી ભૂલથી આપણા ઘરને બદલે બાજુવાળા હીરાબાને ત્યાં જતો રહેલો...એ તો સારું છે કે હીરાબા ઉદાર અને હેલ્પફૂલ નેચરના એટલે મને સાચવ્યો, એમને પણ મારા સથવારાથી મજા પડી, હીરાબાને પણ થયું કે ચાલો, આટલા વર્ષે પણ નસીબ ચમક્યું.’
‘ઠાકર, આવા ભૂલકણા બાપુજીનો ભરોસો નઈ એટલે અમે તો બાના ગયા પછી ‘પુત્ર-નિવાસ’ નામના વૃદ્ધાશ્રમમાં બાપુજીને રાખેલા.’
‘સમજી ગયો, તારા બાપુજી ભૂલકણા છે એ પહેલાં શંકા હતી પણ હવે તો ખાતરી થઇ ગઈ.’
‘કમાલ છે. બાપુજી મારા, ને ખાતરી તને? ચલ, બીજું શું ભૂલી ગયા?’ ચંબુએ પૂછ્યું.
‘વર્ષો પહેલાં તારા જન્મ પછી તને અનાથાશ્રમમાં મૂકવાનુ ભૂલી ગયા નઈતર તું વૃદ્ધાશ્રમમાં...’ હું આગળ
ન બોલી શક્યો ‘તો શું કરું? બાપુજીએ બુદ્ધિથી દાદાજીની બધી મિલકત પોતાના નામે કરી દીધી ને ધીરે ધીરે બાપુજી દાદાજીની ઉંમરે પહોંચ્યા પછી ધોબીને ઈસ્ત્રી માટે આપવાના કપડાના પોટલાની જેમ એક બાજુ પડ્યા પડ્યા.
‘ચંબુ, મારા ચોકઠાનું શું થયું? મારા ચશ્માંનો કાચ નંખાવ્યો? મારા ઝભ્ભાનું કાણું સંધાયુ? આવા સવાલોથી મગજની નસ ખેંચે એવા બાપુજીને ચરણસ્પર્શ તો શું ઢીચણસ્પર્શ પણ ન કરાય... ’
‘પછી?’
‘પછી મેં સમજાવ્યા: જુઓ બાપુ અમે કઈ તમારા ચશ્મા-ચોકઠા શોધવા જન્મ નથી લીધો ને હવે પંચ્યાસી થયા, આટલાં વર્ષો બહારની દુનિયા જોઈ છે ને?, તો ચશ્માં વગર હવે અંદર જુઓ. અને ચોકઠું હશે તો સ્વાદવાળું ખાવા જોઇશે એના કરતાં ચોકઠા વગર ખવાય એવી રાબ ને ખીચડી ખાઓ તો તબિયત પણ સારી રહે ને બચત પણ થાય ને કાનના મશીનનું કીધુ ત્યારે જ કીધેલું બહારનું બહુ સાંભળ્યું, થોડો અંતરાત્માનો અવાજ સાંભળો એ સાંભળવા મશીન તો શું કાનની પણ જરૂર નથી ને પૈસા તો રાખતા નથી તો ઝભ્ભામાં કાણું ભલે ને હોય શું ફર્ક પડે છે? ડોન્ટ ફિલ બેડ બાપુ, તમે ઉંમરલાયક થયા, પણ તમારા વિચારો ઉંમરને લાયક ન થયા,,, જોકે ઠાકર, આટઆટલાં વર્ષો સુધી સેવા કરી-કાળજી રાખી ને સંપત્તિમાંથી મને જ બાકાત કરી નાખ્યો! બોલ, આપણી ખચકી ન જાય?’
‘અરે બકા, મા-બાપની કોઈ સંપત્તિ ન હોય માં-બાપ ખુદ સંપત્તિ હોય છે.’
‘અરે, સંપત્તિ સમજી આટલાં વર્ષો રાખ્યા પણ મોંઘવારી તો આપણને નડે કે નઈ? ઘર કઈ એમનેમ નથી ચાલતું. એ તો ઠીક છે કે ચંપામાં વર્ષોથી આવડત હતી એટલે વસઈવાળો ફ્લેટ, સિદ્ધપુરનો બંગલો, ને મૃત્યુંજય મંદિરની જમીન, આ બધુ સમજાવી પટાવી અમારા નામે કરાવી લીધી નઈતર જીવવાના વાંધા પડી જાત. બાપુજીને તો વૃદ્ધાશ્રમમાં રાખ્યા પણ અમને કોણ રાખે? હજી યુવાશ્રમ ખુલ્યા નથી.’
‘અરે હા ચંબુ, બાપુજીનું નામ શું હતું?’ મેં પૂછ્યું.
‘ઠાકર, ખોટુ શું કામ બોલું ?. એક્ચ્યુઅલી અમે કેટલાંય વર્ષોથી એમને ‘બાપુજી’ કહેતા અને છેલ્લાં પંદર વર્ષથી વદ્ધાશ્રમમાં રહેતા એટલે બાપુજીનું એકઝેટ નામ યાદ નથી આવતું, પણ એક મિનિટ...અરે ચંપા.. સાંભળે છે? બાપુજીનું નામ શું હતું?’
‘શંકરલાલ’
‘અરે ડોબી, તારા નઈ-મારા બાપુ, આ ગુજરી ગયા એનું..’
‘હં...યાદ નથી આવતું.’
‘યાદ નથી આવતું ? સાલુ, એક સસરાનું નામ નથી યાદ રાખી શકતી તો મને પરણી શું કામ? જવા દે ઠાકર, હવે એ ગયા પછી તારે કે મારે નામનું શું કામ છે?’
સાહેબ, બિચારા બાપુજીનો ખભો છોલાઈ ગયો ત્યાં સુધી સંસારનો ભાર પોતાના ખભે લઇ ફર્યા પણ સ્મશાને જવા બીજા ચાર ખભાનો સહારો લેવો પડ્યો, પણ દીકરાને એ ‘મને તારી કાંધ ન જોઈએ’ એવું કહેવા પણ ન રોકાયા...
જિંદગીની સફરમાં ઘણું બધું સફર કરવું પડે છે, નામરજીથી પણ કેટલાને સહારે જીવન જીવવું પડે છે.