ઇસ્લામાબાદ: ઈરાન-અમેરિકાના યુદ્ધમાં UAE સહિતના ખાડી દેશોએ પણ નુકસાન વેઠ્યું હતું, જો કે હવે UAE માંથી મોટી સંખ્યામાં પાકિસ્તાની શિયા મુસ્લિમોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે જે લોકો વર્ષોથી ત્યાં કામ કરી રહ્યા છે તેમને નોકરી વિના, સામાન વિના અને તેમના જીવનની બચત વિના પાકિસ્તાન તગેડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. ઈરાન યુદ્ધ દરમિયાન UAE માંથી હાંકી કાઢવામાં આવેલા આ હજારો શિયાઓની હાલત જોઈને પાકિસ્તાનના શિયા સમુદાયમાં હોબાળો મચાવ્યો છે.
અહેવાલો અનુસાર, જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કર્યા અને તેનો બદલો લેવા માટે ઈરાને યુએઈ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, ત્યારબાદ UAEના આ વલણમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગલ્ફ ક્ષેત્રમાં તણાવ નોંધપાત્ર રીતે વધ્યો હતો. પાકિસ્તાની શિયા નેતાઓનો આક્ષેપ છે કે આ સંઘર્ષ દરમિયાન દેશનિકાલ પ્રક્રિયામાં ખૂબ જ વધારો થયો છે.
પાકિસ્તાની શિયા રાજકીય સંગઠન મજલિસ વહદત-એ-મુસ્લિમીનના આકંડાઓની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીથી યુએઈમાંથી 7,500 પાકિસ્તાની શિયાઓને હાંકી કાઢવામાં આવ્યા છે. સંગઠનના પ્રવક્તા મોહસીન આબિદીએ દાવો કર્યો હતો કે આનો વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. પાકિસ્તાનના શિયા બહુમતી ધરાવતો વિસ્તાર ધરાવતા કુર્રમ જિલ્લાના એક આગેવાને જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી તેમના વિસ્તારમાંથી 1,500 લોકોને યુએઈમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
એવા પણ અહેવાલો છે કે મીડિયાએ અમુક પાકિસ્તાનીઓના ઇમિગ્રેશન દસ્તાવેજો અને ફ્લાઇટ વિગતોની તપાસ કરી હતી. જો કે તેમાંથી મોટાભાગના લોકોએ એવું કહ્યું હતું કે તેમને તેમનો સામાન લેવાની કે બેંકમાંથી તેમની બચત ઉપાડવાની તક પણ આપવામાં આવી ન હતી. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અધિકારીઓએ તેની સેલરી અને પાકિસ્તાન જતાં પૈસા અંગે સવાલો કર્યા હતાં. આ દરમિયાન સીધો સવાલ કર્યો હતો કે શું તમે ઈરાનને ફંડ મોકલો છો?
જો કે આ મામલે યુએઇએ કોઈ સત્તાવાર માહિતી આપી નથી, તો બીજી તરફ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે પણ માત્ર કોઈ સંપ્રદાયના આધારે દેશનિકાલ કરવાની વાતનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ નિયમોનો ભંગ કર્યો હતો તેઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે.