Tue May 26 2026

Logo

આજે ગુજરાત સામે ક્વૉલિફાયર-વનનો જંગ: આ ખેલાડી સારું નહીં રમે તો બેંગલૂરુનું આવી બન્યું

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

ધરમશાલા: હિમાચલ પ્રદેશમાં ધરમશાલાના ખુશનુમા વાતાવરણ વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે ટક્કર થશે, પણ એમાં એક સૌથી મોટી વાત એ છે કે જો આ એક ખેલાડી સારું રમશે તો જ બેંગલૂરુની જીતવાની તક ઝડપી શકશે. આ ખેલાડી વિરાટ કોહલી કે રજત પાટીદાર નહીં, પણ અવ્વલ દરજજાનો પેસ બોલર છે.

જો ભુવનેશ્વર કુમાર આજે ધાર્યા જેવું સારું પર્ફોર્મ નહીં કરે તો બેંગ્લૂરુ માટે જીતવું મુશ્કેલ થઈ જશે. ગુજરાત ટાઇટન્સ આજે પહેલી જ વખત ધરમશાલામાં રમશે. બીજું, બંને ટીમ પહેલી જ વખત પ્લે-ઑફમાં સામસામે આવી છે.

આજે જીતશે એ ફાઈનલમાં

આજે પ્લે-ઑફ રાઉન્ડની પ્રથમ મૅચ એટલે કે ક્વોલિફાયર-વન રમાશે અને એમાં ગુજરાત-બેંગ્લૂરુમાંથી જે ટીમ જીતશે એ સીધી રવિવારની ફાઇનલમાં પહોંચી જશે. આજે પરાજિત થનારી ટીમે શુક્રવારે ક્વોલિફાયર-ટૂમાં એલિમિનેટરની વિજેતા ટીમ સામે રમવું પડશે. બુધવારની એલિમિનેટરમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થવાનો છે.

ગુજરાત 2022ના ડેબ્યૂ યરમાં જ ચેમ્પિયન બન્યું હતું જ્યારે બેંગ્લૂરુને 2025માં (18 વર્ષમાં) પહેલી જ વખત ટાઈટલ જીતવા મળ્યું હતું. એ જોતાં, બંને ટીમને બીજી વખત ટ્રોફી જીતવાનો મોકો છે.

ભુવનેશ્વર અને રબાડા, બંનેની હાઈએસ્ટ 24-24 વિકેટ

આજે એવી બે ટીમ વચ્ચે ટક્કર છે જેના મુખ્ય પેસ બોલર આ વખતની ટૂર્નામેન્ટમાં 24-24 વિકેટ સાથે તમામ બોલર્સમાં મોખરે છે. ભુવીની જેમ ગુજરાતના પેસ બોલર કૅગિસો રબાડાની પણ 14 મૅચમાં 24 વિકેટ છે. આજે બંને હરીફ બોલર પોતાને ચડિયાતા પુરવાર કરવા માટે કમર કસશે.

ભુવનેશ્વર જ કેમ સૌથી મહત્વનો?

ભુવનેશ્વર (BHUVANESHWAR) છેલ્લા બે વર્ષથી બેંગલૂરુ વતી ખૂબ સારું રમી રહ્યો છે. હરીફ ટીમની ઇનિંગ્સ શરૂ થાય ત્યાં જ થોડી વારમાં એક કે એક કરતાં વધુ વિકેટ અપાવીને તે બેંગલૂરુ પરનો બોજ લગભગ અડધો કરી નાખે છે. આ વખતે ગુજરાત સામેની પ્રથમ મૅચમાં ભુવનેશ્વરે શરૂઆતમાં જ બટલરની વિકેટ અપાવી હતી. ગુજરાતે 205 રન બનાવ્યા હતા. પછીથી વિરાટ કોહલીના 81 રનની મદદથી બેંગ્લૂરુએ વિજય મેળવી લીધો હતો. એપ્રિલના બીજા મુકાબલામાં ભુવનેશ્વરે સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જૉસ બટલરની વિકેટ અપાવી હતી, પરંતુ બેંગલૂરુએ ખરાબ બૅટિંગ પર્ફોર્મન્સને લીધે પરાજય જોવો પડ્યો હતો. ભુવનેશ્વરની ત્રણ ઓવરમાં 11 ડોટ બૉલ હતા અને તેણે માત્ર 28 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

બેંગલૂરુ પાસે રસિખ સલામ, કૃણાલ પંડ્યા અને જેકબ ડફી તથા સૂયશ શર્મા જેવા વિકેટ ટેકિંગ બોલર્સ છે, પરંતુ ભુવી જેવો કોઈ નહીં.

બીજી તરફ, ગુજરાત પાસે પણ દમદાર બોલર્સ છે. કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, રાશીદ ખાન અર્શદ ખાન તેમ જ પ્રસિદ્ધ ક્રિષ્ના, સાઇ કિશોર, માનવ સુથાર બેંગ્લૂરુના બૅટ્સમેનને કાબૂમાં રાખી શકે છે. સ્પિનર રાશીદ ખાને 2024 અને 2025ની સીઝન, બન્નેમાં કુલ મળીને 19 વિકેટ લીધી હતી, જ્યારે આ વખતે 14 મૅચમાં તેણે 19 વિકેટ મેળવી છે.

ગુજરાતના ટોચના ત્રણ બૅટ્સમેન (સુદર્શન, ગિલ, બટલર) બહુ સારા ફૉર્મમાં છે. બેંગ્લૂરુના બોલર્સ તેમને અંકુશમાં રાખશે તો આજે જ ફાઇનલમાં જઈ શકશે.

બન્નેની સંભવિત ટીમઃ

ગુજરાતઃ ગિલ (કૅપ્ટન), સુદર્શન, બટલર (વિકેટકીપર), સુંદર, હોલ્ડર, તેવાટિયા, નિશાંત સિંધુ, રાશીદ, અર્શદ, રબાડા, સિરાજ અને (12મો પ્લેયર) ક્રિષ્ના/સાઇ કિશોર, માનવ સુથાર.

બેંગ્લૂરુઃ પાટીદાર (કૅપ્ટન), વિરાટ, સૉલ્ટ/વેન્કટેશ, પડિક્કલ, જિતેશ, શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ, ભુવનેશ્વર, ડફી/સુયશ, હૅઝલવૂડ અને (12મો પ્લેયર) રસિખ સલામ.