Tue May 26 2026

Logo

મોજની ખોજઃ શ્રદ્ધા હોય તો બધે અયોધ્યા ને શંકા હોય તો બધે લંકા...

1 month ago
Author: સુભાષ ઠાકર
Article Image

સુભાષ ઠાકર

આપણને એવું જરાય અભિમાન નઈ કે કોઈ ભગવાન આપણી બર્થડેમાં ન આવે તો આપણે નઈ જવાનું.. હું તો હમણાં રામના જન્મદિને રામમંદિરમાં ઉપડ્યો... કેમ જાણે કાલે પ્રભુ 14 વર્ષ વનવાસ જતાં રહેવાનાં હોય એટલી ભીડ. હવે ગૂંચ એ પડી કે એને હેપી બર્થડે કહી ગિફ્ટ કે શુભેચ્છા કેમ આપવી? એમ તો ન કહેવાય કે ‘શતાયુ ભવ:’ 

કારણકે ભગવાનોમાં જનમ મરણના ફેરાનો રિવાજ નથી. એમ પણ ન કહેવાય કે ‘તને સુખ સમૃદ્ધિ મળે...’ 

ત્યાં તો ચંબુએ પૂછ્યું  : ‘અરે વાહ અંકલ, આજે તમે પણ દર્શન કરવા આવ્યા છો?’

‘ના, અમે અહીં ડાન્સ કરવા આવ્યા છીએ, સિલેન્ડર લેવા આવ્યા છીએ, પ્રભુ સાથે છુપાછુપી રમવા આવ્યા છીએ, અમારી રૂમ ખૂબ નાની છે એટલે ગુલાટ મારવા આવ્યા છીએ ... અમે દર્શન આપવા કે દર્શન કરવા આવ્યા તારે શું કામ છે?’

‘અંકલ, ગરમ થયા વગર સાચું કહેજો પ્રભુના દર્શનમાં રસ છે કે એ શું આપે છે એમાં?’

‘અરે, તો એમાં ખોટુ શું છે એક તો છે જે વગર માગે પણ ઘણું બધું આપે છે અરે ઘણીવાર લાયકાત કરતાં પણ વધારે આપે છે.’

‘એગ્રી... પણ એ માટે તમારે અયોધ્યાના રામમંદિર જવું પડે.’ 

‘અરે શ્રદ્ધા હોય તો બધે અયોધ્યા ને શંકા હોય તો બધે લંકા’ એટલું બોલી હું બહાર નીકળ્યો પણ તુર્તજ મારો મોબાઈલ રણક્યો : 

‘હલ્લો કોણ?’
‘હવે અવાજ ઉપરથી ઓળખ કોણ હોઈશ?’
‘અરે રોજના કેટલા ફોનનો ઢગલો થાય છે એમ બધાના અવાજ ઓળખવા બેસું તો મારો જ અવાજ ન ઓળખી શકું.’

‘અલ્યા રિંગટોન રાખ્યો છે ‘હે રામ જગમાં સાચું તારું નામ’ ને હમણાં તો મારી પાસે આવીને નીકળ્યો.’
‘એટલે ખુદ પ્રભુ રામ પોતે જાતે?!’ હું ભાવવિભોર બની ગયો. મારી ખોપરીમાં મગજ ભોય ચકરડીની જેમ ફરવા લાગ્યું...

‘હા વત્સ, હું ખુદ રામપ્રસાદ દસરથલાલ અયોધ્યાવાળા, ઉર્ફે સીતાના પતિ ઉર્ફે લવ- કુશના પિતા... લક્ષ્મણ ભરતના મોટાભાઈ... હવે પહેલાં નંબર સેવ કર.’
‘અરે પ્રભુ, અમે ગુજરાતી ખાલી સેવ નઈ પણ સેવમમરા, સેવગાંઠિયા, સેવબુંદી, સેવપાપડી બધું સેવ કરી દઉં બસ? તમે પોતેજ મારા દિલમાં સેવ થઈને બેઠા છો.’

‘તો પછી બે મિનિટમાં દર્શન કર્યા ન કર્યા કરી ઉતાવળમાં નીકળી કેમ ગયો?’
‘અરે પ્રભુ, આજે તમારા જન્મદિને હું કઈ માગું ને તમે આપી ન શકો તો કારણ વગર આપણા સંબંધો ખરાબ થઇ જાય.’

‘હે અજ્ઞાની સુભાષ નામના જીવ, તું એ કેમ વિસરી જાય છે કે માગવા આવે છે એના કરતાં મળવા આવ તને માગવાની જરૂર નઈ પડવા દઉં. ચલ, હવે યુ ટર્ન મારી પાછો આવ આજે મારે તારી આગળ કેટલીક હૈયાવરાળ ઠાલવવી છે.’

-ને હું તુર્તજ પ્રભુ પાસે પહોંચ્યો : ‘બોલો પ્રભુ.’

‘હૈયાવરાળ નંબર એક : આ બુદ્ધ જયંતી, મહાવીર જયંતી, હનુમાન જયંતી, નાનક જયંતી, ગાંધી જયંતી કેટલી જનમ જયંતી ઉજવે છે? તો મારા જન્મદિને રામનવમી શું કામ રામ જયંતી કેમ નઈ? હું બધાથી અલગ?’

‘અરે હા પ્રભુ ... પોઈન્ટ ટુ બી નોટેડ.’

‘આવાં નોટેડ જેવાં તો ઘણા બફાટ કર્યા છે, બોલ ગંગા નીકળે ક્યાંથી?
‘શંકરની જટામાંથી.’
‘તો શંકરની જટામાંથી નીકળતી ગંગાને પાપ ધોઈ મેલી તમે કરો ને તોય પેલો તમારો રાજ કપૂર લઈ આવે રામ તેરી ગંગા મેલી?’

‘સોરી પ્રભુ, કેટલાક સવાલોના જવાબ આપવા નથી મારી પાસે મગજ કે નથી શબ્દો.’

‘તો શોધ ... અરે જેને જિંદગીમાં મારું નામ લીધું નથી ને જે કાયમ માટે સાંભળતો બંધ થઈ ગયો છે તેની અંતિમયાત્રામાં એના કાનની દુકાન બંધ હોવા છતાં બોલો છો ‘રામ નામ સત્ય હૈ’ અરે, તમે જે લાશને સ્મશાનમાં લઇ જાઓ છો એ શંકરનું નિવાસ સ્થાન છે તો શંકર ‘બોલો ભાઈ શંકર’ કે ‘શંકર નામ સત્ય હૈ’ બોલો. તમે માણસો ક્યારેય શાંતિથી રહ્યાં નથી પણ અમારા ભગવાનોમાં ઝઘડા કરાવવા લાગ્યા છો.’

‘પ્રભુ પ્રભુ પ્રભુ...’
‘એમ પ્રભુ પ્રભુ ન કર મને ખબર છે કે હું રામ નામનો પ્રભુ છું. અરે હમણાં મારા મંદિરમાં રાખેલી ભજન સંધ્યામાં જીગીશાએ જેવું ગાયું ‘રાખના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને ભાખ્યા રે.’ ત્યારે દેવલોકમાં ભલભલા ભગવાન ટેન્સનમાં આવી ગયા ત્યારે રહીમ જ ભડકયા ‘અલ્યા રામ, આ રમકડાં વળી તું ક્યારથી બનાવવા લાગ્યો આ તો બ્રહ્માજીનો પોર્ટફોલિયો.’

‘મને ખબર છે રહીમ કે માનવ સર્જનની ડ્યૂટી આમ તો બ્રહ્માજીની જ છે પણ થોડા વર્ષો પહેલા બ્રહ્માજી બીમાર પડેલા ને સિકલીવ પર ગયેલા ત્યારે આ સર્જનનો હવાલો મને સોંપેલો. મને થયું ચાલો, આપણે પણ માટીમાંથી થોડા માણસ નામના રમકડા બનાવીએ જે ક્રેડિટ મળે એને હું ફટાફટ સર્જન કરી પૃથ્વી પર ઠાલવતો ગયો...  ભાઈ રહીમ,  નવાઈ તો એ છે કે આ રમકડું પોતે રાખનું હોવા છતાં પોતે આખેઆખો રાખ બની જાય ત્યાં સુધી પોતે જ કેટલા રમકડાં રાખ રાખ કરે છે.. ધન-સાધનનું રમકડું પદપ્રતિષ્ઠાનું રમકડું, નામનાનું રમકડું પણ...’

આટલું હું બોલ્યો ત્યાં તો બ્રહ્માજી પોતાની ડ્યૂટી પર આવ્યા... ‘પણ આ શું?’ તેમના ચહેરા પર 9999 ક્રોધિત ભાવનો ઊભરો આવ્યો તેમની આંખો શેરવાણીના મોટા બટન જેવી થઇ ગઈ ને ભડક્યા : 

‘અલ્યા રામ માર્યોને લોચો. તે આ માટીમાંથી માણસો બનાવ્યા? આ માટી જાનવરો માટે હતી એ બિચારાઓએ મને વિનંતી કરેલી કે પ્રભુ અમને બીજીવાર જન્મ આપવો હોય ત્યારે કંઈપણ બનાવજો પણ માણસ ન બનાવતા પ્લીઝ.... ને તે મોટો લોચો માર્યો હું કંઈપણ વિચારું એ પહેલાં નીચે ઠાલવી દીધા હવે ભોગવજો બધા ભગવાનો. હવે હું હેલ્પલેસ.’
રામજીને કેવો પસ્તાવો થયો હશે...
શું કહો છો?