દિવ્યજ્યોતિ ‘નંદન’
ઉનાળો શરૂ થતાં જ લોકો અકળાવા લાગે છે. થાક પણ જલદી લાગે છે. શરીરમાં પાણી ઓછું થવાથી આળસ અને બેચેની થવા લાગે છે. એવામાં આપણાં યોગમાં અમુક આસનો દર્શાવવામાં આવ્યા છે જેનાથી શરીર ન ફક્ત તરોતાજા અને સ્ફૂર્તિદાયક બનશે, પરંતુ આપણી કાર્યક્ષમતા પણ વધારી દે છે.
આ વખતે તો મે મહિના જેવી ગરમી માર્ચમાં જ પડવા લાગી છે. એથી યોગાસન દ્વારા આપણા શરીરને આપણે તાજગી આપી શકીએ છીએ. આવો જાણીએ એવા કેટલાંક આસનો વિશે...
પદ્માસન
આ એક ધ્યાનનું આસન છે. એનાથી તન અને મનને શીતળતા મળે છે. ગરમીમાં પદ્માસન કરવાથી આપણો તણાવ પણ મહદઅંશે ઘટી શકે છે. શરીરની ઊર્જાને સંતુલિત કરી શકાય છે. પ્રાણાયામ અને ધ્યાન માટે આ ખાસ આસન છે. સાથે જ જેમને ચિડિયાપણું હોય તેમને તો પદ્માસન વિશેષરૂપે કરવું જોઈએ. પદ્માસન કરવા માટે જમીન પર બેસીને પગને સાથળની વિરુદ્ધ દિશામાં રાખવા, કરોડરજ્જુ સીધી રાખવી અને આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાં.
શવાસન
શરીરના તાપમાનને સંતુલિત રાખવા માટે શવાસન લાભદાયી છે. માનસિક થાક દૂર થાય છે અને પૂરા યોગાભ્યાસ બાદ એને કરવામાં આવે તો માનસિક તણાવ ઓછો થાય છે, નવી ઊર્જા મળે છે. ગરમીમાં શરીરને આરામ આપતું આસન એટલે શવાસન. એના માટે સીધા જમીન પર સૂઈ જાવ, હાથ-પગ ઢીલા છોડી દો અને શ્વાસ પર પૂરું ધ્યાન આપો. આને શવાસન કહેવાય છે.
શશાંકાસન
આ આસનની વિશેષતા એ છે કે આ આસન શરીર અને મગજને તરત શાંત કરે છે. એથી ગરમીમાં તો થાકને દૂર કરવા માટે આ આસન ખૂબ જ લાભદાયી છે. આ આસન નિયમિત કરવાથી મગજને ઠંડક પ્રદાન થાય છે. બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. માનસિક તણાવ અને બેચેની ઘટે છે. શશાંકાસન માટે સૌથી પહેલા વજ્રાસનમાં બેસવું. શ્વાસ છોડતાં આગળની તરફ નમવું. ધીરે ધીરે એવી રીતે નમવું કે માથું જમીનને સ્પર્શ કરે. બાદમાં હાથને આગળની તરફ ફેલાવી દો. આવી રીતે શશાંકાસન કરવામાં આવે છે.
તાડાસન
તાડાસનને માઉન્ટ પોઝ કહેવાય છે. તાડાસન કરવાથી શરીરનું સંતુલન સૂધરે છે અને ગરમીમાં તો એ આળસને પણ ખંખેરી નાખે છે. આ આસનમાં શરીરને પૂરી રીતે ઉપરની તરફ ખેંચવામાં આવે છે. એનાથી માંસપેશીઓ સક્રિય થાય છે. થાક અને સુસ્તી ઓછી થાય છે. તાડાસન માટે સૌથી પહેલાં તો સીધા ઊભા રહી જાઓ, હાથને ઉપરની તરફ ઉઠાવો અને ઊંડા શ્વાસ લો. આવી રીતે તાડાસન આખા શરીરને નવી ઊર્જા આપે છે.
ભુજંગાસન
ભુજંગાસનને કોબરા આસન પણ કહેવામાં આવે છે. કોઈ સતર્ક કાળો નાગ જે મુદ્રામાં હોય એને જ ભુજંગાસન કહેવાય છે. એના માટે પેટ પર નીચે સૂઈ જાવ, હથેળીઓને ખભાની નજીક રાખો. ધીરે ધીરે છાતીને ઉપરની તરફ ઉઠાવો. એનાથી જે મુદ્રા બને છે એને જ ભુજંગાસન કહેવાય છે. એનાથી કરોડરજ્જુ મજબૂત બને છે. ફેફસાની કાર્યક્ષમતા વધે છે, શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. ઉનાળામાં ભુજંગાસન એટલા માટે ફાયદાકારક છે, કેમ કે એનાથી શરીરની અકડન દૂર થાય છે અને સુસ્તી પણ ઓછી થાય છે.
આસન કરતી વખતે ખાસ સાવધાની
*યોગાસન હંમેશાં સવારે અથવા સાંજે કરવા.
*સખત તડકામાં કદી પણ આસન ન કરવા.
*યોગાસન કરતાં પહેલાં અને બાદમાં પૂરતી માત્રામાં પાણી પીવું.
*હલકા અને કોટનના કપડાં પહેરવાં.
*ઊનાળામાં વધારે પ્રેશર આપતાં આસનો ન કરવાં.
*યોગની સાથે જ પ્રાણાયામ ખાસ કરવાં. એનાથી શરીરને ઠંડક મળે છે.