Thu Apr 23 2026

Logo

રોહિત પવારને મોટી રાહત: MSC બેંક કૌભાંડ કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

23 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકના કથિત કૌભાંડ કેસમાં કોર્ટે ધારાસભ્ય રોહિત પવારને નિર્દોષ જાહેર કર્યા છે. રોહિત પવારે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. 

અંતે કોર્ટે તેમને કૌભાંડના આરોપોમાંથી બાકાત રાખીને ઇડીના રાઉન્ડમાંથી મુક્ત કર્યા, તે બદલ ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર, એવી પોસ્ટ રોહિત પવારે કરી હતી. રોહિત પવારે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે, "સત્ય પરેશાન કરી શકે છે, પણ પરાજિત નહીં."

કથિત કૌભાંડ ૩૧ જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકો સાથે સંબંધિત હતો. આરોપ હતો કે, અનેક પ્રભાવશાળી રાજકીય નેતાઓના નેતૃત્વ હેઠળની આ બેંકોએ સહકારી ખાંડના કારખાનાઓને નિયમોનું ઉલ્લંઘન કરીને લોન આપી હતી. 

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા આ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં રજૂ કરવામાં આવેલ ક્લોઝર રિપોર્ટનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. અંતે આ મામલે હવે રોહિત પવારને મોટી રાહત મળી છે અને કોર્ટે તેમને દોષમુક્ત કર્યા છે.

રોહિત પવારે સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા ચેતવણીભર્યા અંદાજમાં એમ પણ કહ્યું કે, "હું ઘાયલ છું, એટલે ઘાતક છું". મુંબઈ પોલીસના રૂ. ૨૫,૦૦૦ કરોડના કૌભાંડના 'ક્લોઝર રિપોર્ટ'ને કોર્ટે મંજૂરી આપી છે અને ઇડીની વિરોધ અરજી ફગાવી દીધી છે. ઇડીએ આ વ્યવહારોમાં અજિત પવાર, રોહિત પવાર અને અન્ય નેતાઓની કંપનીઓની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કોર્ટે હવે આ કેસમાં રાહત આપી છે.