Thu Apr 23 2026

Logo

નદી-નાળાની સફાઈનો અહેવાલ પ્રત્યેક સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થશે

7 hours ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીની ત્રણ તબક્કાના કામ માટે પાલિકા તરફથી બે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. જોકે બંને કૉન્ટ્રેક્ટર પાસે નાળાસફાઈ માટે આવશ્યક મશીનરીની સાથે જ નાળાસફાઈના કામનો અનુભવ પણ નથી. તેથી આવા કૉન્ટ્રેક્ટરને કામ આપવા સામે વિરોધપક્ષે સ્થાયી સમિતિમાં સવાલ ઉપસ્થિત કર્યો હતો. આ દરમ્યાન મીઠી અને નાળાઓની સફાઈના કામમાં પારદર્શકતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે પ્રત્યેક સ્થાયી સમિતિની બેઠકમાં નાળાની સફાઈકામને લગતો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ સ્થાયી સમિતિ  અધ્યક્ષે આપ્યો હતો.

રાજ્ય સરકારના નિર્દેશ મુજબ મીઠી નદીમાંથી ૨૦૦૫થી ૨૦૨૩ના સમયગાળામાં તેનો ગાળ કાઢવાના કામની તપાસ કરવા માટે ઈકોનોમિક ઓફેન્સ વિંગના ડેપ્યુટી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ટીમની સ્થાપના કરવામાં આવી છે. મીઠીની સફાઈના કામ બાબતે ૬ મે, ૨૦૨૫ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હાલ આ પ્રકરણની તપાસ ચાલી રહી છે.  તપાસ શરૂ હોવાથી કૉન્ટ્રેક્ટરો પાસેથી મીઠી નદીનો ગાળ કાઢવાનું કામ કરાવી લેવું અશક્ય થઈ ગયું છે. 

પાલિકાએ મીઠી નદીની ચોમાસા પહેલાની સફાઈ માટે ટેન્ડર બહાર પાડયા ત્યારે કોઈ કૉન્ટ્રેક્ટર આગળ આવ્યું નહોતું. છેવટે ટેન્ડરની શરતો હળવી કરવામાં આવતા ત્રણ તબક્કામાં મીઠીની સફાઈ માટે ૨૯ કરોડના કૉન્ટ્રેક્ટ બે કૉન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો હતો. તેમાથી એક કંપનીને ૧૦-૧૦ કરોડના બે કામ અને એક કંપનીને નવ કરોડનું કામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બે કંપનીમાંથી એક કંપનીને તો માત્ર મુંબઈમાં સુશોભીકરણ પ્રોજેક્ટનો જ અનુભવ છે, ત્યારે આ સુશોભીકરણનું કામ પણ કેટલું પૂર્ણ થયું અને કામની ગુણવત્તા કેવી? શું એ બધાની તપાસ કરીને આ કૉન્ટ્રેક્ટરને ૨૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે એવા સવાલ કૉંગ્રેસ તરફથી કરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન સ્થાયી સમિતિના સભ્ય અને કૉંગ્રેસના નગરસેવિકાએ એવો દાવો કર્યો તો કે હાલ નાળાસફાઈનું કામ સમયસર પૂરું થવું આવશ્યક છે પણ પ્રશાસન તરફથી કાગળ પર એક અને પ્રત્યક્ષમાં બીજું જ કંઈ ચાલી રહ્યું છે. પાલિકા અધિકારી તરફથી આપવામાં આવતા આંકડા અને પ્રત્યક્ષમાં થઈ રહેલી નાળાસફાઈમાં ફરક દેખાઈ રહ્યો છે. અધિકારીઓ તરફથી કૉન્ટ્રેક્ટરના કામમાં ધ્યાન આપવામાં આવી નથી રહ્યું એવી ફરિયાદ પણ નગરસેવકો દ્વારા કરવામાં આવી હતી.