Thu Apr 23 2026

Logo

રસ્તા પર ગદંકી ફેલાવનારા કૉન્ટ્રેક્ટરોને નોટિસ ફટકારો: પાલિકા કમિશનર

7 hours ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:મુંબઈમાં હાલ જુદી જુદી સરકારી ઓથોરિટી દ્વારા વિવિધ માળખાગત પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે. જોકે એવું જોવા મળ્યું છે કે કૉન્ટ્રેક્ટરો વર્કસાઈટ પર સ્વચ્છતાના ધોરણ જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. ક્ધસ્ટ્રકશન મટિરિટલ અનેક વખત લાંબા સમય સુધી સાઈટ પર  જ પડ્યું હોય છે. આ ખામીઓની ગંભીર નોંધ લઈને પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ અધિકારીઓને સ્વચ્છતા અને સાઈટ મેનેજમેન્ટ નોર્મસ( વ્યવસ્થાપન ધોરણ)નું કડક પાલન સુનિશ્ર્ચિત કરવા માટે આવા કૉન્ટ્રેક્ટરોને તાત્કાલિક નોટિસ ફટકારવાનો નિર્દેશ આપ્યો છે.

પાલિકા કમિશનરે બુધવારે વહેલી સવારે મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરના ઓચિંતુ ઈન્સ્પેકશન કર્યું હતું. એ સમયે તેમણે અનેક વોર્ડ અને મુખ્ય જાહેર સ્થળોએ સ્વચ્છતા સહિતના અનેક મુદ્દાઓ પર અધિકારીઓને ખખડાવ્યા હોવાનું કહેવાય છે. આ દરમ્યાન તેમણે બાન્દ્રા પશ્ર્ચિમમાં ઘર્મશાળા ચોકી નજીક ખેરવાડી ખાતે ચાલી રહેલા રસ્તાની સફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ચર્ચ રોડ, મરોલ પટ્ટો, અંધેરી પૂર્વમાં ગુરુ ગોવિંદ સિંહ માર્ગ પરની પાર્કિંગ સુવિધા, જેબી રોડ મેટ્રો સ્ટેશન ચોકી અને મરોલ વિસ્તારમાં પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

કમિશનરે આ તમામ વોર્ડમાં વહેલી સવારના સફાઈ અભિયાનને મજબૂત બનાવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો હતો કે રોડ ડિવાઈડર, જંકશન, રસ્તાની બાજુના વિસ્તારો અને ખુલ્લી જગ્યાઓ પરનો કાટમાળ અને કચરો તાત્કાલિક સાફ કરવામાં આવે અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. તેમણે ઝોનલ ડેપ્યુટી કમિશનરો અને વોર્ડ સ્તરે આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ વહેલી સવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ચોકીઓની મુલાકાત લેવા અને સ્વચ્છતા કામની વ્યક્તિગત રીતે ચકાસણી કરવા તેમ જ  રસ્તાઓ પર દેખાતા કચરાને તાત્કાલિક દૂર કરવામાં આવે તેની ખાતરી કરવાની સૂચના આપી હતી.

જુદી જુદી સરકારી એજેન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અનેખ માળખાગત પ્રોજેક્ટને લીધે શહેરમાં સ્વચ્છતા જાળવી રાખવામાં અનેક પડકારો ઊભા થયા હોવાની નોંધ લેતા કમિશનર અશ્ર્વિની ભીડેએ વોર્ડ અધિકારીઓને સમગ્ર મુંબઈમાં સ્વચ્છતાની  દૃશ્યતા (વિઝિબિલિટી) સુધારવા માટે એકબીજા સાથે અને અન્ય અધિકારીઓ સાથે સંકલન મજબૂત બનાવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ દરેક રસ્તાને અઠવાડિયામાં એક વખત ધોવા બાબતે પણ તેમણે નિર્દેશ આપ્યો હતો અને વેર્સ્ટન એકસપ્રેસ પર ચાલી રહેલા સ્વચ્છતાના કામ પર નજર રાખવા માટે સ્વતંત્ર અધિકારી નીમવાની પણ તેમણે આ વખતે સૂચના આપી હતી.