સંકલન: સ્મૃતિ શાહ મહેતા
ગળું પકડાઇ જવું, શરદી, કફ, ઉધરસ વગેરે શ્વાસનળી સંબંધી બીમારીઓ આપણને અનેકવાર થતી હોય છે એટલે લોકો એને મોસમી બીમારી ગણી હળવાશથી લેતા હોય છે અને તે બીમારી કયા કારણથી થતી હોય છે તેનાથી આપણે સાવ અજાણ હોઇએ છીએ. આપણને પ્રાય : એ ખ્યાલ જ નથી આવતો કે, બીમારી થવાનું કારણ શું છે.
આ બીમારીઓનો અભ્યાસ કરી, તેનાં કારણો શોધી, તે પ્રમાણે સાવધાની રાખીને ઉપચાર કરીશું તેનાથી જરૂર બચી શકીશું.
આ બીમારીઓ અનેક કારણોથી થતી હોય છે, માટે તેના ઉપચારો કારણ પ્રમાણે કરાય, પરંતુ તેમાં મોટા ભાગના ભૂલ કરતા હોય છે. જેમ કે, કોઇને પિત્ત કે વાયુને લઇને શરદી થઇ હોય અને ઉપચાર કફની શરદીનો કરે.
શ્વસનતંત્ર સંબંધી રોગ મોટા ભાગે વાઇરલ ઇન્ફેકશનના કારણે થતાં હોય છે. ખરેખર તો વાઇરલ ઇન્ફેકશનમાં એન્ટિબાયોટિક દવાઓ કાંઇ જ અસર કરતી નથી, છતાં પણ ભારતમાં આ રોગની સારવાર માટે એન્ટિબાયોટિક દવાઓ સહુથી વધારે વપરાય છે. તેનાં અમુક કારણો એવાં છે કે, કોઇવાર ચિકિત્સક ધન કમાવા માટે, તો કોઇકવાર તેની અજ્ઞાનતાના કારણે તે બિનજરૂરી દવાઓ આપતા હોય છે. અરે...! અમુકવાર તો એવું પણ બનતું હોય છે કે, દર્દી સાજા થવા માટે ચિકિત્સક પાસે દવાઓની અપેક્ષાઓ રાખતા હોય છે. તેથી ચિકિત્સકને બધો જ ખ્યાલ હોવા છતાં દર્દીની માનસિકતા સંતોષવા માટે બિનજરૂરી દવાઓ આપવા માટે લાચાર થવું પડે છે.
વિશ્વમાં આપણો દેશ વાઇરલ ઇન્ફેકશનથી થતી બીમારીઓમાં હંમેશાં બિનઅસરકારક એવી એન્ટિબાયોટિક દવાઓ લેવામાં મોખરે છે. માટે હરખતા હૈયે આવી દવાઓ ખાતા એવા આપણે, શું જરા ચેતવું ન જોઇએ.
શરદી- કફના ઉપચાર:
પિત્તના કારણે થયેલી શરદી-કફ :
1) 1 ચમચી જેઠીમધ, 1 ચમચી મધ અને અડધી ચમચી ઘી ભેગું કરી સવાર-સાંજ લેવું.
2) કાળી દ્રાક્ષ અને સાકર મોઢામાં ચાવવી અને ચૂસવી.
3) 2 ચમચી ઘી અને 1-2 ચમચી સાકર સાથે 2 કેળાં લેવાં.
4) વધુ પિત્તના કારણે શરદી થઇ હોય તો ઠંડાં પ્રવાહી લઇ શકાય.
(ખસ, ગુલાબનું શરબત વગેરે...)
વાત - કફના કારણે થયેલી શરદી-કફ :
સૂંઠ, મરી અને પીપર સરખા ભાગે ભેગા કરી સવાર-સાંજ 1 ચમચી ચૂર્ણ ફાકીને પાણી પીવું. અમુક દિવસમાં જ જમા થયેલ કફ નીકળવા લાગશે અને નવો કફ બનતો અટકશે.
સવાર-સાંજ બે જામફળ ખાવાથી વર્ષો જૂની શરદી પણ મટે છે.
ઉકાળેલું સૂંઠવાળું પાણી પીવું.
* 1-1 ચમચી આદુંનો રસ અને મધ સવાર-સાંજ લેવું.
* આદુંનો અને ફુદીનાનો 1 કપ ઉકાળો લેવો.
* કાળાં મરી અને શેકેલી હળદરનું 4 ગ્રામ જેટલું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવું.
* ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સળેખમ મટે છે.
* 3-3 ગ્રામ તુલસી અને આદુંનો રસ, 1 ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
આદુંનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
1 મુઠ્ઠી શેકેલા હળદરવાળા ચણા ખાવા લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવું.
લક્ષણ :
માથું અને શરીર ભારે રહે.
ગળું બળે અને બેસી શકે.
શરીર ગરમ રહે અને તાવ આવવાની સંભાવના રહે.
છીંક ઓછી આવે
જો કફ હોય તો પીળો/લીલાશવાળો આવે.
ગળું પકડાઇ જવું
બેકટેરિયલ
તાવ આવે અને લાંબા સમય સુધી રહે. જીભ સૂકી અને સફેદ રહે. સોજી ગયેલા કાકડા. લીલાશવાળો કફ
વાઇરલ
મોટા ભાગે તાવ ન આવે અને ટૂંકા સમય પૂરતું જ રહે (5થી 6 દિવસ)
આહાર
વધુ ગળ્યું, ઠંડું કે ગરમ અને આથેલી વાનગીઓ જમવી
વાતાવરણ
ઋતુ ફરે ત્યારે એલર્જી (ધૂળ, ધુમાડો, અમુક વૃક્ષોની પરાગરજ, અમુક પ્રદેશ વગેરેની)
પિત્તની શરદી
મોટા ભાગે પિત્ત અને વાયુ-પિત્ત પ્રકૃતિવાળાને થાય. ખાસ શરદઋતુમાં
અન્ય કારણો
ચેપ લાગવો, ઉજાગરા, અર્જીણ, કબજિયાત વગેરે