રાજેશ યાજ્ઞિક
હોળીના તહેવારોમાં બધાને કુદરતી રંગો અચૂક યાદ આવે. બધા ફૂલોમાં કુદરતી રંગો માટે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે છે પલાશનાં ફૂલ.
લાલચટક રંગના પલાશનાં ફૂલોને અંગ્રેજીમાં ‘ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ’ અર્થાત્ એને ‘જંગલની જ્વાળા’ તરીકે ઓળખવામાં આવે છે... જોકે પલાશનાં ફૂલોની કે પલાશનાં વૃક્ષની માત્ર આટલી જ ઓળખાણ પૂરતી નથી. પલાશ ઔષધીય ગુણોનો ભંડાર છે. અનેક સમસ્યાઓની આયુર્વેદિક સારવારમાં તેનો ઉપયોગ થઇ શકે છે. પલાશની છાલ, પાંદડાં, ફૂલો, બીજ, ગુંદર અને મૂળનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.
પલાશનાં એટલા ઔષધીય ઉપયોગો છે કે જાણીને આશ્ચર્ય થાય. પલાશના સ્વાસ્થ્યવર્ધક ગુણધર્મોના આધારે, આયુર્વેદમાં તેનો ઉપયોગ કયા રોગો માટે થાય છે, ચાલો તેના વિશે વિગતવાર જોઈએ.
મોતિયામાં ફાયદાકારક
પલાશના મૂળનો તાજો અર્ક કાઢીને એક એક ટીપું આંખોમાં નાખવાથી મોતિયા, રતાંધળાપણું વગેરે જેવા આંખના તમામ પ્રકારના રોગોમાં રાહત મળે છે.
નાકમાંથી લોહી નીકળવામાં રાહત
100 મિલી ઠંડા પાણીમાં 5-7 પલાશનાં ફૂલો પલાળીને, તેને ગાળીને સવારે થોડી ખડી સાકર ઉમેરીને પીવાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થાય છે.
ગોઇટર માટે ફાયદાકારક છે
પલાશનાં મૂળને ઘસીને કાન નીચે લગાવવાથી ગોઇટર માટે ફાયદાકારક સાબિત થાય છે.
ભૂખ વધારવામાં મદદરૂપ
પલાશનાં ઝાડનાં તાજા મૂળમાંથી રસ કાઢીને તેના અર્કના 4-5 ટીપાં નાગરવેલનાં પાન પર નાખીને ખાવાથી ભૂખ વધે છે.
પેટના દુખાવામાં રાહત
પલાશનાં ઝાડની છાલ અને સૂંઠનો ઉકાળો અથવા પલાશનાં ઝાડનાં પાંદડાંનો ઉકાળો બનાવો. આ ઉકાળો દિવસમાં બે વાર 30-40 મિલી પીવાથી પેટ ફૂલવું અને પેટદર્દમાં રાહત મળે છે.
પેટના કૃમિ દૂર કરે છે
* દિવસમાં બે વાર એક ચમચી પલાશના બીજનો પાવડર ખાવાથી પેટના બધા જ કૃમિ મરી જાય છે અને તે બહાર નીકળી જાય છે.
* પલાશનાં બીજ, નિસોથ, કિરમાણી અજમો, કબીલા અને વાવડીંગને સમાન માત્રામાં ભેળવીને 3 ગ્રામ ગોળ સાથે આપવાથી તમામ પ્રકારના કૃમિ નાશ પામે છે.
ઝાડામાં ફાયદાકારક
એક ચમચી પલાશનાં બીજનો ઉકાળો એક ચમચી બકરીના દૂધમાં ભેળવીને ભોજન પછી દિવસમાં ત્રણ વખત પીવાથી ઝાડામાં ફાયદો થાય છે. આ સમય દરમિયાન, તમારે ફક્ત બકરીનું ઉકાળીને ઠંડુ કરેલું દૂધ અને ભાત જ ખાવા જોઈએ.
પજવતા પાઈલ્સથી રાહત
- 1-2 ગ્રામ પલાશ પંચાંગની ભસ્મને હૂંફાળાં ઘીમાં ભેળવીને પીવડાવવાથી લોહીવાળા હરસ માટે ખૂબ જ ફાયદાકારક છે. થોડા દિવસો સુધી તેનું નિયમિત સેવન કરવાથી મસા સુકાઈ જાય છે.
- પલાશનાં પાનને ઘી સાથે પકાવીને દહીં સાથે ભેળવીને ખાવાથી હરસ માટે ફાયદો થાય છે.
પેશાબની સમસ્યાઓ દૂર કરે છે
પલાશનાં ફૂલોને ઉકાળીને, પીસીને, સૂકવીને પેડુ પર બાંધવાથી પેશાબની તકલીફ અને સોજામાં ફાયદો થાય છે.
ડાયાબિટીસ અથવા ગોનોરિયાને નિયંત્રિત કરે
પલાશની કળીઓને છાયામાં સૂકવીને, પીસીને ગાળીને, તેમાં ગોળ ભેળવીને સવારે 9 ગ્રામ જેટલું સેવન કરવાથી ગોનોરિયાની સારવારમાં ફાયદો થાય છે.
પલાશ કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. તે શરીરમાંથી હાનિકારક ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે, લીવરના કાર્યને ટેકો આપે છે અને લોહીને શુદ્ધ કરે છે. આ પાચન, ત્વચાના સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારીમાં કુદરતી રીતે સુધારો કરે છે.
તે ઉપરાંત, સાંધાના દુખાવા, હાથીપગો, સોજો ઓછો કરવામાં, ઘા ભરવામાં, વીંછી ડંખે તેમાં અને કામશક્તિ વધારવામાં પણ પલાશ ઉપયોગી છે. પલાશ સ્ત્રી હોર્મોન્સને સંતુલિત કરીને માસિક ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે પેટના ખેંચાણને શાંત કરે છે, સ્વસ્થ રક્તસ્રાવમાં મદદ કરે છે. અનિયમિત માસિક સ્રાવની સમસ્યાઓનો સામનો કરતી સ્ત્રીઓમાં સરળ અને સમયસર માસિક સ્રાવને પ્રોત્સાહન આપે છે અને રક્તપિત્તમાં પલાશના બીજમાંથી બનાવેલ તેલ લગાવવાથી ફાયદો થાય છે.
પલાશ એક કુદરતી મૂત્રવર્ધક પદાર્થ અને એન્ટીબેક્ટેરિયલ ઔષધિ તરીકે કામ કરે છે. તે પેશાબની નળીઓમાંથી ચેપ પેદા કરતા બેક્ટેરિયાને બહાર કાઢે છે, બળતરા ઘટાડે છે અને યુરીનરી ટ્રેક ઇન્ફેકશન દરમિયાન સરળ અને સ્વસ્થ પેશાબમાં સહાયક બને છે.
પલાશ થાઇરોઇડ હોર્મોન્સને સંતુલિત કરે છે અને ગ્રંથીઓને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. તે થાક, વજનની સમસ્યાઓ અને મૂડ સ્વિંગ જેવાં લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેની ડિટોક્સિફાઇંગ ક્રિયા ચયાપચય અને અંત:સ્ત્રાવી કાર્યને સુધારે છે.
-અને છેલ્લે, આટલું પણ ધ્યાનમાં રાખો...
પલાશનો ઉપયોગ કરતા પહેલા આયુર્વેદાચાર્યની સલાહ અવશ્ય લેવી, ગર્ભવતી મહિલાઓએ તબીબની સલાહ વિના પલાશનો ઉપયોગ ટાળવો જોઈએ.
બાળકો માટે પલાશનો ઉપયોગ ઓછી માત્રામાં અને તબીબની દેખરેખ હેઠળ કરવો જોઈએ. વિરામ લીધા વિના લાંબો સમય તેનો ઉપયોગ ટાળવો જોઈએ. કોઈ બળતરા કે એલર્જી હોય તો પણ ઉપયોગ હિતકારક નથી.