મેટ્રો, રેલવે સ્ટેશન સહિત મુંબઈના ડુંગરાળ વિસ્તારમાં સેવા ઉપલબ્ધ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા અનેક મહિનાઓથી મુંબઈના રસ્તા પરથી નાની મિડી બસ ગાયબ થઈ જતા બેસ્ટની બસમાં પ્રવાસ કરનારા હજારો મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, પણ હવે બહુ જલદી ફરી એક વખત મુંબઈના રસ્તા પર મિડી બસ દોડતી જોવા મળવાની છે. બેસ્ટ ઉપક્રમે ૫૦૦ મિડી નોન એસી સીએનજી બસ ભાડા પર લેવાની છે.
નાની મિડી બસ મુંબઈના મેટ્રો, રેલવે સ્ટેશન પરિસર સહિત મુંબઈના ડુંગરાળ વિસ્તારમાં આવેલા નાનકડા રસ્તાઓ પર ઝડપથી દોડી શકશે. બેસ્ટ ઉપક્રમની મંગળવારે યોજાયેલી બેઠકમાં ૫૦૦ મિડી નોન એસી સીએનજી પર ચાલતી બેસ્ટ ભાડા પર લેવાને મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમ્યાન બેસ્ટ ઉપક્રમના સત્તાધારી સહિત વિરોધ પક્ષના સભ્યોએ બહુમતીએ આ બસ ભાડા પર લેવા કરતા પોતાની માલિકીની ખરીદી લેવા પર ભાર મૂક્યો હતો. બહુ જલદી આ પ્રસ્તાવ પર નિર્ણય લેવાશે અને ત્યાર બાદ બસ લેવા સંદર્ભના પ્રસ્તાવને મુંબઈ મહાનગરપાલિકા તથા રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
મંગળવારે બેસ્ટ સમિતિની બેઠકમાં મિડી બસ લેવા બાબતે ચર્ચા થઈ હતી, એ સમયે પ્રવાસીઓની માગણી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ૫૦૦ મિડી બસ ખરીદવામાં આવવાની હોવાની માહિતી બેસ્ટ ઉપક્રમે સમિતિના સભ્યોને આપી હતી. આ બસ સીએનજી નોન એસી હશે. ભાડા પર લેવામાં આવનારી આ બસ સાથે કૉન્ટ્રેક્ટર પાસેથી ડ્રાઈવરની સાથે કંડકટરની સેવા પણ લેવામાં આવશે.
નવી ૫૦૦ મિડી બસનો સમાવેશ પોતાના કાફલામાં કરવા પહેલા બેસ્ટ ઉપક્રમના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી મેટ્રો, રેલવે સ્ટેશન પરિસર સહિત મુંબઈના ડુંગરાળ વિસ્તાર પરિસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પ્રસ્તાવ મંગળવારે સમિતિમાં રાખવામાં આવ્યો હતો. અગાઉ મિડી બસ વિક્રોલી, ભાંડુપ અને પવઈના ડુંગરાળ વિસ્તારમાં દોડાવવામાં આવતી હતી. જોકે, બાદ આ સેવા બંધ કરવામાં આવી હતી.
બેસ્ટના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અભ્યાસ મુજબ આ વિસ્તારમાં મિડી બસ દોડાવવાની આવશ્યકતા છે. તો મુંબઈના ચારથી પાંચ મેટ્રો લાઈન શરૂ થઈ છે, તેથી તેને ક્નેક્ટિવિટી પણ આપવાની આવશ્યકતા છે. હાલ મિડી બસ નહીં હોવાથી મેટ્રો, રેલવે સ્ટેશન પરિસરને જરૂરિયાત મુજબની સેવા આપી શકાતી નથી. તેમના અભ્યાસ મુજબ ૩૧૫ મિડી બસની આવશ્યકતા છે. અગાઉ મિડી બસની ૨૦૦ ગાડીનો પ્રસ્તાવ હતો પણ તે પ્રસ્તાવ આગળ વધી શક્યો નહોતો. એટલે એ પ્રસ્તાવમાં સુધારો કરીને હવે ૫૦૦ મિડી બસ લેવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
હાલ બેસ્ટ ઉપક્રમ પાસે ૨૪૯ બસ પોતાની માલિકીની હોઈ તેમાં ૩૭ બસ મહિલા માટે તેજસ્વિની મિડી બસ છે. એ સિવાય બેસ્ટ પાસે હવે પોતાની માલિકીની બસ બચી નથી. તો ભાડા પર (લીઝ) લીધેલી ૬૨૫ મિડી બસ છે.