Tue May 26 2026

Logo

મોજની ખોજઃ વર્લ્ડ-કપ જો રમાય તો વર્લ્ડ -થાળી કે વર્લ્ડ તપેલી કે ચમચી કેમ નઈ?

2 months ago
Author: Subhash Thaker
Article Image

 

સુભાષ ઠાકર

અલ્યા ભાઈ, હતો એક જમાનો કે પાંચ દિવસની ટેસ્ટ મેચ રમાતી, પણ પછી કઈ ટીમ, કેટલા રન, કેટલી વિકેટ... એ બધું યાદ રાખવું અઘરું પડવા લાગ્યું એટલે પચાસ ઓવરની શોધ કરી પછી કોઈએ કોમેન્ટ કરી કે અમારે મેચ જોવા સિવાય બીજા કોઈ કામધંધો હોય કે નઈ? એની ગંભીર અસરરૂપે પાણીકાપની જેમ ઓવરકાપ થઇ ને આવી ગયા ટ્વેંટી-ટ્વેંટી પર. 

પરિવર્તન સંસારનો ને ક્રિકેટનો નિયમ હોવાથી પ્રખર ભવિષ્યવક્તા સ્વામી સુભાષાનંદ એવી આગાહી કરે છે કે આમ જ જો ચાલ્યું તો નજીકના ભવિષ્યમાં ધીરે ધીરે એક-એક ઓવરની મેચ પછી માત્ર એક-એક બોલની ને છેવટે માત્ર ટોસ ઉછળીને જે ટીમ ટોસ જીતશે એને ટ્રોફી આપીને વાર્તા પૂરી કરવામાં આવશે. બોલો જય ક્રિકેટ.. જય હિંદ ! 

તાજેતરમાં ગયા અઠવાડિયે આખા વર્લ્ડને વર્લ્ડકપનો તાવ ચડેલો. લોકોના વિચારો વર્લ્ડકપમાં ડૂબેલા હતા. મોટરની બે હેડ લાઈટની જેમ બધાની આંખો ટીવી પર વર્લ્ડ કપ જોવા મંડાયેલી હતી. વિશ્વકપ જોતી વખતે ચંબુએ મને પૂછ્યું ‘અંકલ, આ ટ્વેંટી-ટ્વેંટી કેટલા ઓવરની હોય છે? કેટલા મહિના ચાલશે?’ મા-કસમ એના સવાલથી મને ટ્વેંટી-ટ્વેંટી જોવાને બદલે ટીક ટ્વેંટી પીવાનું મન થયું.

મારામાં ઈશુ પ્રવેશ્યો ‘હે ઈશ્વર, આ ચંબુને માફ ન કરતો ભલે એ જાણતો ન હોય કે પોતે શું પૂછી રહ્યો છે’ છતાં સ્વસ્થતા ગુમાવ્યા વગર હું બોલ્યો ‘ચંબુ, ટ્વેંટી -20 એ વીસ ઓવરની મેચ છે.’

‘એ તો ખબર છે પણ રમે છે કોણ? ’ચંબુએ પૂછ્યુ
‘હમણાં આ લાસ્ટ મેચ ન્યુઝીલેન્ડ સાથે.’
‘એ તો ખબર છે પણ સામે કોણ છે?’
‘સામે આપણે છીએ એટલે કે ભારત છે.’
ધીરે ધીરે મારા મગજની નસ ખેંચાવા લાગી.

‘અરે, એ તો ખબર છે. ન્યુઝીલેન્ડવાળા આવવાના હતા ખરા. બાય ધ વે, એ લોકોનો સ્કોર શું થયો?’
‘એ લોકો 159 રને ઓલ આઉટ’ મેં હજી ધીરજ ગુમાવી નહોતી.
‘એ તો ખબર છે ઓલ આઉટ... પણ વિકેટ કેટલી ગઈ?’ 
આ પ્રશ્નથી મને એના માથામાં બેટ ફટકારવાનું ઝનૂન ઊપડ્યું.

પણ મને બેટ આપે કોણ? એના વાહિયાત સવાલથી હું 60 ટકા બેભાન થઇ ગયો.
‘અરે અંકલ. ઓલ આઉટમાં ગતાગમ ન પડતી હોય તો ના પાડવાની એમાં બેભાન થોડું થઇ જવાય? મને તો ખબર છે કે...’

‘ચુપ એકદમ.. ચુપ થઈ જા હવે મગજની નસ ખેંચી તો તને આખો ખેંચી કાઢીશ, સમજ્યો?’ સાલુ ક્રિકેટમાં હાંધાનીયે ખબર નથી પડતી ને ક્યારનો મંડી પડ્યો છે ‘મને ખબર છે’ એવું બોલી મારું બચેલું લોહી પીવા બેઠો છે...’ હું ભડક્યો

‘એમ ભડકો નઈ, સાલુ લોહી તો તમે મારું પીવા બેઠા છો. કેટલી વારથી સવાલો કરું છું પણ તમે મોઢામાંથી બોલતા જ નથી કે આપણે ક્રિકેટ જોવા બેઠા છીએ, ઠેઠ હમણાં બોલ્યા કે આ ક્રિકેટ છે ને વિશ્વકપ રમાય છે અને મને તો ખબર છે કે..’
‘શું?’

‘કે મને ખબર નથી પડતી’ હવે મેં મારા થોડા બચેલા હોંશ પણ ગુમાવી દીધા. પછી તો આખી રાત બેભાન રહ્યો
સવારે દસ વાગે મોબાઈલ રણક્યો.

‘હલ્લો અંકલ. આવી ગયા હોશમાં? જુઓ, આવી નાની નાની બાબતોમાં હોંશ ગુમાવ્યા કરશો તો અડધી જિંદગી બેભાન અવસ્થામાં જ પૂરી થઇ જશે. જુઓ હું તો એટલું સમજુ કે જે કપમાં ફ્રેશ થવા માટે ચા-કોફી ન પી શકાતા હોય, જે કપમાં જીવવા માટે દવા કે મરવા માટે ઝેરનું ટીપું પણ ન પી શકાતું હોય, ગમને ભૂલવા શરાબનો પણ એક પેગ ન મારી શકાતો હોય. અરે, જેને ધોયા પછી પાણી પણ પી ન શકાતું હોય એવા વર્લ્ડકપને શું ધોઈ પીવો છે? 

પાંચ પાંડવો વચ્ચે એક દ્રૌપદી હોય એમ આખી ટીમ વચ્ચે એક જ કપ ને એ રકાબી વગરનો, ધિક્કાર છે આવા વર્લ્ડકપને. આ તો મારી કોઈ રાય લેતું નથી નઈતર બધાને એક-એક કપ આપી દઉં ને ચોખ્ખું કઈ દઉં કે વર્લ્ડ કપને બદલે વર્લ્ડ- થાળી, વર્લ્ડ-તપેલી કે વાટકી- ગ્લાસ કે વર્લ્ડ -ચમચી કેમ નઈ? સરખે ભાગે આપી તો શકાય બાકી તો કોઈ એકના ઘરે ઘરના ખૂણામાં ઘરના ઘરડા બા પડ્યાં હોય એમ પડ્યો રહે. 

જુઓ અંકલ, ટેસ્ટ હોય, વન ડે હોય કે ટ્વેંટી-ટ્વેંટી...આપણા જીવનમાં રોજ ટેસ્ટ જ છે. રમવા આવનાર બેટ્સમેનને ખબર નથી કે છેલ્લો બોલ કયો હશે એમ આપણને ખબર નથી કે આપણો છેલ્લો શ્વાસ કયો હશે, રમવા આવનાર બેટ્સમેન એકલો છે ને આઉટ કરવાવાળા અગિયાર છે. એમ પીચ પર રમવાવાળા એકલા ને આપણા જ માણસો આપણી આઉટ થવાની રાહ જોઇને બેઠા છે. 

જીવનમાં પણ કોઈ ગુગલી કોઈ ફૂલટોસ કોઈ ફાસ્ટ કોઈ સ્પીનર બનીને આવવાના. બોલ જોઇને આપણને રમતા આવડવું જોઈએ ખબર જ છે કે આઉટ તો થવાના છતાં નોટાઉટ થવાના પ્રયત્ન તો કરવો જ પડે. અને મૂળ વાત તો એ છે કે બોલર, વિકેટીકીપર કે ફિલ્ડર આઉટ-આઉટની ગમે તેટલી બૂમાબૂમ કરે પણ અમ્પાયર જ્યાં સુધી આઉટ ન બોલે ત્યાં સુધી આઉટ ન થવાય એમ ઈશ્વર આપણો અમ્પાયર છે એ જ્યાં સુધી આઉટ ન કરે ત્યાં સુધી જગતની કોઈ તાકાત આપણને આઉટ ન કરી શકે.’

 ‘વાહ વાહ ચંબુડા, આવું બ્રહ્મજ્ઞાન આવ્યું ક્યાંથી?’

‘અરે, મને તો ખબર છે. તમારે જાણીને શું કામ છે. એની વે, અંકલ.... હું હમણાં હોકીની મેચ જોવા બેઠો છું કોઈ પ્લેયરે સિકસર મારી 87 રન પૂરા કર્યા.’

માર્યા ઠાર...
‘ચંબુ, હોકીની મેચમાં રન ન હોય.’
‘મને તો ખબર છે કે..’
મગજ ગુમાવ્યા વગર ફોન કટ કરી રીંગટોન બદલ્યો
‘ઇતની શક્તિ હમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હોના’ બીજું કરું શું ? 
શું કહો છો?