નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતને મળતા પેટ્રોલીયમ પુરવઠાને માઠી અસર પહોંચી છે, ભારત સરકાર દેશની ઇંધણ જરૂરીયાતો પૂરી કરવા પ્રયાસ કરી રહી છે. એવામાં ભારતને એક ઝટકો લાગ્યો છે. ઈરાનથી ક્રૂડ ઓઈલ ભરીને ભારત આવી રહેલું ટેન્કર મધ દરિયેથી ચીન તરફ વળ્યું છે, યુએસએ આ ટેન્કર પર પ્રતિબંધ લગાવેલો છે.
એક શિપ-ટ્રેકિંગ ફર્મના જણાવ્યા મુજબ, આફ્રામેક્સ ટેન્કર પિંગ શુન પ્રથમ વાર વર્ષ 2002 માં દરિયામાં ઉતર્યું હતું, વર્ષ 2025 માં યુએસએ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ જહાજ ઈરાનથી પેટ્રોલિયમ ભરીને ગુજરાતના વાડીનાર આવવા નીકળ્યું હતું, હવે તે રસ્તો બદલીને ચીનના ડોંગયિંગ માટે રવાના થયું છે.
ગુજરાતના વાડીનારમાં રશિયન ઓઈલ કંપની રોઝનેફ્ટની નારાયા એનર્જીની રિફાઇનરી આવેલી છે, જેની ક્ષમતા વાર્ષિક 20 મિલિયન ટન ક્રુડ ઓઈલ પ્રોસેસ કરવાની છે.
શું છે કારણ?
અહેવાલ મુજબ પિન શુનના ગંતવ્ય સ્થાન બદલાવા પાછળનું કારણ પેમેન્ટ-સંબંધિત હોઈ શકે છે. ચીનથી ક્રુડ ખરીદનાર કોણ છે તે સ્પષ્ટ થયું નથી.
અહેવાલ મુજબ જો પિંગ શુન ભારત પહોંચ્યું હોત તો, 2019 પછી ઈરાન પાસેથી ભારતની પહેલી ક્રુડ ઓઈલ ખરીદી હોત. અહેવાલ મુજબ યુએસ દ્વારા તાજેતરના પ્રતિબંધોમાં થોડી છૂટછાટ મળ્યા બાદ ભારતીય રિફાઇનર્સ હાલ દરિયામાં રહેલા ઈરાની પેટ્રોલિયમના થોડા કાર્ગો ખરીદવાની તકો શોધી રહ્યા છે..
એક સમયે ભારત ઈરાનના ક્રૂડનો મુખ્ય ખરીદદાર દેશ હતો. 2018 માં યુએસએ કળા પ્રતિબંધો કડક લાદ્યા બાદ મે 2019 થી આયાત બંધ કરવામાં આવી હતી.