Sun Apr 19 2026

Logo

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘનું થશે કાયમી પુનરાગમન: વનકર્મીઓને હાઈટેક ટ્રેનિંગ, વાઘણ લાવવાની પણ વિચારણા

1 hour ago
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સમાચાર છે. રાજ્યમાં અંદાજે 33 વર્ષના લાંબા ગાળા બાદ વાઘના કાયમી પુનરાગમન માટે વન વિભાગે કમર કસી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલા ધનપુરી ઇકો-ટૂરિઝમ સેન્ટર ખાતે ત્રણ દિવસીય વિશેષ તાલીમ કાર્યશાળા શરૂ કરવામાં આવી છે. આ વર્કશોપનો મુખ્ય હેતુ ફિલ્ડ સ્ટાફને વાઘની દેખરેખ, તેના સંરક્ષણ અને મોનિટરિંગની આધુનિક પદ્ધતિઓથી સજ્જ કરવાનો છે.

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના બારીયા રેન્જમાં આવેલા રતનમહાલના જંગલોમાં છેલ્લા એક વર્ષથી વાઘની હાજરી જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વાઘ હવે ગુજરાતના પર્યાવરણ અને આબોહવા સાથે સંપૂર્ણપણે અનુકૂળ થઈ ગયો છે. ગુજરાતની જમીન પર વાઘની સતત હાજરીને જોતા હવે એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે આવનારા સમયમાં રતનમહાલ અને આસપાસના જંગલ વિસ્તારો વાઘ માટે કાયમી રહેઠાણ બની શકે છે.

આ તાલીમ કાર્યક્રમમાં ભારતીય વન્યજીવ સંસ્થાન (WII) અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના તજજ્ઞોની ટીમ દ્વારા ગુજરાતના વનકર્મીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલીમ દરમિયાન કર્મચારીઓને વાઘના પદચિહ્નોની ઓળખ, તેના વ્યવહારની સમજ અને જંગલમાં તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની આધુનિક ટ્રેકિંગ ટેકનિક શીખવવામાં આવી રહી છે. જો આ વિસ્તાર વાઘ માટે સુરક્ષિત સાબિત થશે, તો ભવિષ્યમાં અહીં માદા વાઘ લાવીને વાઘના વંશવેલાને આગળ વધારવાનું પણ આયોજન છે.

પંચમહાલ ઉપરાંત દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના વન અધિકારીઓ પણ આ તાલીમમાં જોડાયા છે, જ્યાં તેમને જંગલમાં કામ કરવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી રહી છે. વન સંરક્ષક નિશા રાજે આ પહેલને ગુજરાતના વન્યજીવ ઇતિહાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. વન વિભાગનું માનવું છે કે જો આ પ્રયાસો સફળ થશે, તો ગુજરાત ફરી એકવાર એવા રાજ્યોની યાદીમાં સામેલ થઈ જશે જ્યાં સિંહની સાથે હવે વાઘ પણ કાયમી ધોરણે વસવાટ કરતા જોવા મળશે.