નિશા સંઘવી
નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે નાણાકીય આરોગ્ય માટે તમે અમુક પગલાં લીધાં હશે, હવે આરોગ્ય વીમાની સમીક્ષા કરીને એમાં આવશ્યક ફેરફારો કરાવી લેજો. આના માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા આ પ્રમાણે છે:
1) રિન્યુઅલ કરાવી લેવું
ડ્યૂ ડેટની પહેલાં જ પ્રીમિયમ ચૂકવાઈ જાય એ જરૂરી હોય છે, અન્યથા પોલિસી લેપ્સ થઈ જવાનું જોખમ રહે છે. સમયસર રિન્યુ કરાવાયેલી પોલિસીમાં વેઇટિંગ પિરિયડની ક્રેડિટ, નો-ક્લેમ બોનસ અને પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝીસને લગતી શરતો યથાવત્ રહે છે. તમારી વીમા કંપની પ્રીમિયમ ભરવામાં ગ્રેસ પિરિયડ આપે છે કે નહીં એ તપાસી લો. અહીં ખાસ જણાવવાનું કે ગ્રેસ પિરિયડ દરમિયાન જો કોઈ ક્લેમ આવે તો કંપની એની ચુકવણી કરતી નથી. વળી, રિન્યુઅલ કરાવાય નહીં તો અમુક લાભ કાયમ માટે જતા રહે છે.
2) પ્રવર્તમાન મેડિકલ ખર્ચને ધ્યાનમાં રાખીને વીમાની રકમમાં આવશ્યક ફેરફારો કરવા, જેમકે... તમારા શહેરમાં કે આસપાસ હોસ્પિટલોમાં સારવારનો, ખાસ કરીને ગંભીર બીમારીઓના ઈલાજનો અને મોટી શસ્ત્રક્રિયાનો ખર્ચ કેટલો આવે છે એનો અભ્યાસ કરીને તપાસી લેવું કે તમારી નો-ક્લેમ બોનસ સહિતની વીમાની રકમ એ ખર્ચને પહોંચી વળવા પૂરતી છે કે નહીં.
તમારા મિત્રો કે પરિવારમાં કોઈનો મેડિકલ ખર્ચ વધારે થયો હોય તો તમારું કવરેજ વધારવા માટે જૂની પોલિસીમાં ટોપ અપ કે સુપર ટોપ અપ કરાવી લેવા વિશે વિચાર કરી લેવો.
3) પરિવારના સભ્યોના આધારે વીમાનું કવરેજ
પરિવારમાં બાળકના જન્મ સાથે નવું સભ્ય ઉમેરાય અથવા કોઈનાં લગ્ન થવાથી સભ્ય ઘટે એવા બધા સંજોગોમાં પોલિસીમાં આવશ્યક ફેરફારો કરાવી લેવા અને એના આધારે વીમાનું કવરેજ પણ બદલવું.
તમે અત્યારે ઉંમરના જે તબક્કામાં છો એમાં ફેમિલી ફ્લોટર કે વ્યક્તિગત પોલિસીમાંથી કઈ પોલિસી વધારે સારી કહેવાય એની ચકાસણી કરી લેવી અને આવશ્યક ફેરફાર કરાવી લેવા.
4) કવરેજ, એક્સક્લુઝન અને બીજી શરતોની સમીક્ષા કરવી
તમારી પોલિસીના કવરેજમાં, એક્સક્લુઝનમાં, રૂમ રેન્ટની લિમિટમાં, બીમારી પ્રમાણેની સબ-લિમિટમાં, કો-પેમાં કે ડિડક્ટિબલમાં કોઈ પણ ફેરફાર થયો છે કે કેમ એની પણ સમીક્ષા કરી લેવી.
વીમા કંપનીઓ રિન્યુઅલ વખતે નિયમો અને શરતોમાં ફેરફાર કરી શકે છે, પરંતુ એમણે પહેલેથી જ એની જાણ કરવી જરૂરી હોય છે. જો કોઈ ફેરફાર તમને પ્રતિકૂળ લાગતો હોય તો તમે બીજી કંપનીનો આરોગ્ય વીમો લઈ શકો છો.
5) ક્લેમ સેટલમેન્ટ સંબંધિત અનુભવનું મૂલ્યાંકન કરી જુઓ
પાછલા વર્ષ દરમિયાન પોલિસીમાં ક્લેમ આવ્યો હોય તો એને લગતો તમારો અનુભવ કેવો છે એનો વિચાર કરી લેવો અને જો સર્વિસ નબળી લાગી હોય તો બીજી કંપનીઓના રિવ્યૂ, ક્લેમ સેટલમેન્ટ રેશિયો અને બીજી બાબતોનો અભ્યાસ કરીને જરૂર પડ્યે પોલિસીનું પોર્ટિંગ કરાવી લેવું.
6) નેટવર્ક હોસ્પિટલની યાદી અને કેશલેસ સુવિધાની તપાસ કરી લેવી
તમે સામાન્ય સંજોગોમાં જ્યાં સારવાર કરાવવા જઈ શકો છો એ હોસ્પિટલ અને ડોક્ટર આરોગ્ય વીમા કંપનીના નેટવર્કમાં છે કે કેમ અને ત્યાં કેશલેસ સુવિધા છે કે કેમ એની તપાસ કરી લેવી અને જો તમે શહેર બદલો કે પછી હોસ્પિટલ જ નેટવર્કની બહાર નીકળી ગઈ હોય તો કંપની બદલવા વિશે વિચાર કરી શકાય.
7) આરોગ્ય સંબંધે આપેલી માહિતી- દસ્તાવેજો ફરીથી તપાસી લેવા..
તમારી કોઈ નવી બીમારીનું નિદાન થયું હોય, કોઈ સર્જરી કરાવી હોય કે પછી લાંબા સમયથી તમે કોઈ દવા લઈ રહ્યા હો તો પોલિસી રિન્યુ કરાવતી વખતે આવશ્યકતા મુજબ એ દરેક બાબતની જાણ આરોગ્ય વીમા કંપનીને કરી દેવી.
તમારા મેડિકલ રિપોર્ટ, અગાઉની ડિસ્ચાર્જ સમરી અને પોલિસીના દસ્તાવેજો સંભાળીને રાખી મૂકવા, કારણ કે તમે પોલિસીનું પોર્ટિંગ કરાવો કે પછી કવરેજ વધારો ત્યારે એનો ઉપયોગ થઈ શકે છે.
8) ઍડ-ઓન, રાઇડર્સ અને સારવારના ખર્ચ બાબતે મહત્તમ લાભ લેવાનું ચૂકશો નહીં ...
તમારી હાલની પોલિસી સાથેનાં ઍડ-ઓન (ઓપીડી, મેટરનિટી, ક્રિટિકલ ઇલનેસ, પર્સન ઍક્સિડન્ટ, રિસ્ટોરેશન બેનિફિટ, વગેરે) હજી પણ લાગુ છે કે કેમ અને એના માટે ચૂકવાતું પ્રીમિયમ સાર્થક છે કે કેમ એના વિશે વિચાર કરી લેવો.
પોલિસી રિન્યુ કરાવતી વખતે રાઇડર્સ (દા.ત. ક્રિટિકલ ઇલનેસ અથવા કંપનીએ આપેલું રિસ્ટોરેશન) કામનાં રહ્યાં ન હોય તો રાઇડર્સ કઢાવી નાખવાં, જેથી કુલ પ્રીમિયમમાં ઘટાડો થઈ શકે.
9) અન્ય કંપનીના પ્લાન સાથે તુલના અને આવશ્યક પોર્ટિંગ
પોલિસીનું પોર્ટિંગ કરાવવાનો વિચાર હોય તો હાલની પોલિસી રિન્યુ કરાવવાની તારીખ આવે એની પહેલાં જ ઓછામાં ઓછા 30થી 45 દિવસ અગાઉ પોર્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ કરાવી દેવી, જેથી હાલની પોલિસી સાથેના વેઇટિંગ પિરિયડ સહિતના લાભ નવી પોલિસી સાથે પણ મળતા રહે.