Tue May 26 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ શરીરના પોષણ માટે યોગ્ય સંયોજન જરૂરી...

1 month ago
Author: ડૉ. હર્ષા છાડવા
Article Image

ડૉ. હર્ષા છાડવા

છેલ્લાં પચાસ વર્ષમાં આપણા ખાદ્યપદાર્થો અને ખાવાની રીતોમાં ઘણાં પરિવર્તન આવ્યા છે. ભૌતિક અને માનસિક ખુશહાલી માટે ભોજન જરૂરી છે. ખાન-પાન આપણાં સ્વાસ્થ્યને સશક્ત અને મજબૂત બનાવી શકે  છે. 

ખાદ્યપદાર્થના સંયોજન યોગ્ય અને મેળ ખાતાં હોવા જરૂરી છે તેમજ એકબીજાના પૂરક અને સ્વાદમાં મેળ ખાતાં હોવા જરૂરી છે જેથી શરીરમાં રસાયણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે સંપૂર્ણ પ્રક્રિયાથી વિટામિન, મિનરલ્સ, હોર્મોન અને એન્ઝાઈમ તેમાંથી બની શકે. અમાયનો એસિડની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ શરીરમાં પ્રોટીન બની શકે છે. જે ખાદ્યપદાર્થ રસાયણ અને હોર્મોન માટેનો ખોરાક અજાણતાના સ્તર પર લઈએ છીએ જે યોગ્ય ખોરાક ન હોય તો તે બીમારીનું મોટું કારણ બની શકે છે.

જેમ વિચાર મેળ ન ખાય તો વિવાદનું કારણ બને છે તેમ યોગ્ય સંયોજન વાળો ખોરાક શરીરને પોષણ આપે છે. યોગ્ય સંયોજન વગરનો ખોરાક શરીરને પોષણ આપતો નથી જેથી શરીરમાં ઘણી ખામી સર્જાય છે. ખરાબ ખાનપાન આરોગીને સંતુલન બગડે પછી એન્ટાસીડ કે એન્ટિબાયોટિક લઈ સંતુલન તો થતું નથી વધુ બગડે છે, જે મૂર્ખતા માનવ કરી રહ્યો છે. પ્રાણીઓમાં જે શાણપણ છે તે માનવમાં કેમ નથી એ પ્રશ્ર્ન જરા વિકટ છે. પ્રાણીઓ જે પદાર્થને સુંઘી લે છે પછી તે ખાવા યોગ્ય ન હોય તો તે ખાતા જ નથી. માનવ એવો ખોરાક ખાય છે જે પશુ અડતાં નથી. 

પશ્ચિમીકરણના પ્રભાવથી આજે લોકો મહિનાઓ પહેલાં બનેલો ખોરાક ખાય છે જેમાં કોઈ ફૂડ વેલ્યૂ નથી. ફક્ત કેમિકલ અને સ્વાદ છે અને તે અયોગ્ય સંયોજનથી બનેલો છે. તામસિક અને પોષણ વગરનો ખોરાક હોવાને કારણે શરીરની ઊર્જાનો નાશ થાય છે. શરીરમાં એક પ્રકારની જડતા આવે છે. આ જડતાના કારણે શરીરની પ્રક્રિયા ધીમી પડે છે અને શરીર વ્યવસ્થા બગડી જાય છે. પુનર્નિર્માણ કરવા માટે ખૂબ મોટો સમય લે છે એટલે બીમારી આવે છે હાથીની જેમ અને જાય છે કીડીની જેમ. એટલે બીમારી મોટા સ્વરૂપે આવે છે અને તે ધીમી ગતિએ સાજી થાય છે. યોગ્ય ચિકિત્સા હોય તો થોડું સારું થાય છે નહીં તો તે બીમારી સાથે જ જીવવું પડે છે.

સંપત્તિથી સમૃદ્ધ દેશ કે દેશના લોકો પાસે ઘણાંય વિકલ્પો ખાન-પાન માટે હોય છે. છતાં પણ તેઓ કમર્શિયલ રીતે બનાવેલું ભોજન લે છે. આ એક મોટી મૂર્ખતા છે. આ કમર્શિયલ રીતે બનાવેલો ખોરાકથી સ્વાસ્થ્યનું સંતુલન બગાડીને પછી તેઓ રાસાયણિક દવાઓ જેવી એન્ટાસીડ કે એન્ટિબાયોટિકનું સેવન કરે છે. ભારતીય શૈલી થોડી પશ્ચિમી અનુકરણને કારણે બગડી છે. ભારતીય સંસ્કૃતિમાં ભોજન બની ગયા પછી દોઢ કલાકના સમયગાળામાં વપરાઈ જતા તાજા બનાવેલા ખોરાકની પરંપરા હતી. આ ભોજન ઊર્જાના સ્તર વધારી દે છે.

કામકાજી જીવનના કારણે કે ભોજન બનાવાની પારંપરિક પદ્ધતિ ભૂલવાના કારણે આજે યોગ્ય સંયોજનવાળો ખોરાક લોકો નથી લઈ શકતા, જેના કારણે ઊર્જાનું સ્તર નીચે જઈ રહ્યું છે. જલદી થકાવટ, વાળ સફેદ થવા, શરીરમાં દુખાવા વગેરે નાની વયમાં દેખાઈ રહ્યું છે. ખાવાના યોગ્ય સંયોજન વિશે થોડી માહિતી આપણે જાણીએ.

સિંગ-ચણા સાથે ખાવાનું કારણ જાણવું જરૂરી છે. શેકેલા ચણા અને સિંગમાં ઘણુંય પ્રોટીન છે. આ પ્રોટીનનો લાભ લેવા માટે બન્ને સાથે ખાવા જરૂરી છે સરખી માત્રામાં. કારણ કે ચણામાં લાઈસીન અમાયનો એસેન્સ છે પણ મિથ્યોનીન નથી. સિંગમાં મિથ્યોનીન છે પણ લાઈસીન નથી. એક પ્રોટીન બનાવવા આ બન્ને અમાયનો એસેન્સની જરૂર છે. પ્રોટીન બનાવવા આ એકબીજાના પૂરક છે. લીવર સારી રીતે પ્રોટીન બનાવી શકે માટે આ બન્ને સરખી માત્રામાં લેવા જરૂરી છે. એકલા ખાવાથી બીજા તત્ત્વ મળશે પણ સારું પ્રોટીન અને પૂરેપૂરો લાભ બન્ને સાથે ખાવાથી જ મળે છે. બન્ને એકબીજા વગર અધૂરા છે.

દાળમાં મિથ્યોનીન અને ભાતમાં લાઈસીન છે. બન્નેને ભેગા લેવાથી જ આનો લાભ મળે છે. એકપણ અમાયનો એસેન્સ ઓછું હોય તો પૂર્ણ પ્રોટીન બનાવું મુશ્કેલ છે. એક કમ્પલિટ ફૂડ છે કે સંપૂર્ણ પ્રોટીનનો સ્ત્રોત છે.

ડ્રાયફ્રૂટ અને સીડ સાથે લેવા જોઈએ. બન્ને સાથે લેવા. હળદરમાં કરકયુમીન છે. મરીમાં ગ્લાઈસિન લ્યૂસીન જેવા એસેન્સ છે. બન્ને એટલે હળદર મરીને સાથે લેવા જેમ કે તાજી હળદર અને મરીનું અથાણું અથવા તાજી હળદરની ચટણીમાં મરી નાખી ખાવું. ત્યારે જ તેમાંથી એક યોગિક સંયોજનનો ફાયદો થાય છે. હળદર અને મરી એન્ટિબાયોટિક છે જે વાયરસને શરીરમાં પ્રવેશવા દેતો નથી.

પાલકમાં આયરન છે. લીંબુમાં વિટામિન સી છે. આયરન ખટાશથી જ પચે છે. તો પાલક સાથે કે શાક બનાવતી વખતે તેમાં ખટાશ નાખવી જરૂરી છે. હળદરવાળું દૂધ લ્યો ત્યારે તેમાં ચપટી મરી નાખવા. ટમેટા એ એન્ટિ ઓક્સિડેન્ટ છે. તેમાં ફેટ નાખીને ખાવાથી તે પચે છે. 
ટમેટાના સુપમાં તાજું માખણ નાખીને ખાવું કે ઘી નાખીને ખાવું. દહીંમાં જીરું નાખીને ખાવું.

સંયોજન એ યોગ્ય હોય તો ખાવાનું પાચન થાય અને તેમાંથી યોગ્ય પ્રોટીન, કાર્બ અને ફેટ બને છે. તો આવાં ઘણાંય સંયોજન વિશે આપણા વડીલો જ્ઞાની હતાં. તેમના આ જ્ઞાનને આપણા માટે ઉપયોગી બનાવીએ.