રશ્મિ શુકલ
લિવર આપણાં શરીરનું ‘પાવર હાઉસ’ ગણાય છે. જે આપણાં શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને સાથે જ મેટાબોલિઝમને પણ તંદુરસ્ત રાખે છે. ડૉક્ટર મુજબ જો આપણી ખાણીપીણીમાં થોડો સુધાર કરીએ તો લિવરને તંદુરસ્ત રાખી શકાય છે.
લિવર આપણાં શરીરનો સૌથી અગત્યનો અંગ છે. લિવરને કારણે અનેક બીમારીઓ થાય છે. એને કારણે ફેટી લિવર, હેપેટાઇટિસ અથવા લિવર સોરાયસિસ જેવી સમસ્યા ઉદ્ભવે છે. એથી લિવરને સ્વસ્થ રાખવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાએટ્સમાં પોષણયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ.
બીટ: બીટમાં બીટાલેન અને એન્ટિઓક્સિડેન્ટ્સની માત્રા વધુ હોય છે. લિવરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ ઓક્સિડેટિવ સ્ટ્રેસને પણ એ ઘટાડે છે. પિત્તના પ્રવાહને સુધારે છે. જેનાથી શરીરની ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે. બીટનું જ્યૂસ અથવા સલાડ લિવર ડિટોક્સ કરવા માટે ઉત્તમ છે.
બ્રોકલી: બ્રોકલીમાં ગ્લૂકોસાઇનોલેટ નામનું તત્ત્વ મળી આવે છે. લિવરને કુદરતી સ્વચ્છ રાખવા માટે જરૂરી એન્ઝાઇમને વધારે છે. લિવરને ડેમેજ થતાં અટકાવે છે. સાથે જ ફેટી લિવર પણ નથી થવા દેતું. એમાં હાજર ફાઈબર પાચન તંત્રને દુરુસ્ત રાખે છે.
કારેલા: લિવરને સ્વસ્થ રાખવા માટે તો કારેલા ખૂબ જરૂરી છે. એ લોહીને સાફ કરે છે અને લિવરને મજબૂત બનાવે છે. સાથે જ સ્કિનને પણ ચમકદાર બનાવે છે. લિવરને ડિટોક્સ કરવાની સાથે એન્ઝાઇમના ઉત્પાદનને પણ વધારે છે અને કબજિયાત પણ મટાડે છે.
ખાટા ફળ: લીંબુ અને આંમળામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. જે ટોક્સિનની અસરને ઘટાડે છે.
ઓલિવ ઓઇલ: ઓલિવ ઓઇલ લિવરમાં ફેટ નથી જમા થવા દેતું.
ઓટ્સ: એમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોવાથી પાચનની પ્રક્રિયાને સુધારે છે.
પાણી: પેશાબ અને પરસેવાના માધ્યમથી ઝેરી પદાર્થ બહાર કાઢવામાં પાણી અગત્યની ભૂમિકા ભજવે છે. એથી દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. એનાથી ગંદકી બહાર નીકળી જાય છે.
પરેજી: પ્રોસેસ્ડ ફૂડ, સાકર, મેંદો અને દારૂનું સેવન ન કરવું.
સ્વસ્થ ખોરાક: ઘરે બનાવેલો તાજો ખોરાક ખાવાનો આગ્રહ રાખવો.
વ્યાયામ: શારીરિક પ્રવૃત્તિઓ રક્ત સંચારને વધારે છે. ચયાપચયને વધારે છે. ઝડપથી ચાલવું અને યોગ જેવી પ્રવૃત્તિઓ લિવરને સુચારુ ઢબે કાર્ય કરવામાં મદદ કરે છે.
પૂરતી નિંદર: આપણે જ્યારે ઊંઘતા હોઈએ ત્યારે લિવર સક્રિય થાય છે અને જરૂરી પ્રક્રિયા કરે છે. એથી 7-9 કલાકની નિંદર દરેકે લેવી જોઈએ.