એન. કે. અરોરા
બાળપણમાં આપણે સૌએ અલ્લાદીનના ચિરાગની વાર્તા સાંભળી હશે, જે આપણને વિશ્ર્વાસ અપાવે છે કે કોઈ ચમત્કારિક શક્તિ આપણું જીવન બદલી શકે છે. જોકે આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આવો કોઈ ચિરાગ બહારની દુનિયામાં નહીં, પરંતુ આપણી અંદર જ હાજર છે અને એ છે આપણું મગજ. આ રહસ્યને સમજવા માટે છેલ્લા બે દાયકાથી જે વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ રિસર્ચ કરી રહ્યાં છે એમાં સૌથી ચર્ચાતું નામ છે ડૉ. જો ડિસ્પેંજા.
ન્યૂરો સાયન્સ, એપિજેનેટિક્સ અને ક્વોન્ટમ સિદ્ધાંતોની સાથે આ ડૉ. એવો તર્ક માંડે છે કે માનવીનું બ્રેન માત્ર વિચારવાનું ઉપકરણ નથી, પરંતુ આપણાં શરીર, લાગણીઓ અને વિશ્ર્વાસોને બદલવાની પણ ક્ષમતા ધરાવે છે. જો આ વસ્તુ આપણું દિમાગ શીખી લે તો આપણે શરીરને નવી દિશા આપી શકીએ છીએ.
આ જ કારણ છે કે ડૉ. ડિસ્પેંજાની શોધ દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. તેમનું કહેવું છે કે માનવીનું દિમાગ કોઈ જાદુઈ ચિરાગ કરતાં ઓછું નથી. ફરક માત્ર એટલો જ છે કે લોકો એને યોગ્ય દિશામાં વાળી નથી શકતાં.
કોઈપણ વ્યક્તિ પોતાના દિમાગની શક્તિથી બીમારીને પણ ઠીક કરી શકે છે. ડૉ. ડિસ્પેંજા મુજબ એનાં ચાર સ્ટેપ્સ છે. એનું અનુકરણ કરવાથી કોઈપણ રોગને ઠીક કરી શકાય છે. ડૉ.નું માનવું છે કે આપણાં દિમાગમાં હંમેશાં ચિંતાનો ભાવ રહે છે. ‘ફાઇટ કે ફ્લાઇટ’ એટલે કે પરિસ્થિતિનો સામનો કરો કાં તો એનાથી ભાગી જાવ. એને કારણે આપણું મગજ હંમેશાં એલર્ટ કંડિશનમાં રહે છે. આ જ કારણ છે કે આપણાં દિમાગમાં સૌ પ્રથમ નકારાત્મક વિચાર આવે છે. એને કારણે આપણે પૈનિક અટૅક કાં તો કેન્સર થાય છે. જોકે એવા સમયે આપણે દિમાગમાં સકારાત્મક અને આશાવાદ વિચાર રાખીએ તો ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થઈ શકીએ છીએ.
ન્યૂરો સાયન્સ, એપિજેનેટિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ પર ઘણી રિસર્ચ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે. આવી રીતે તેમણે અનેક લોકોની ક્રોનિક કન્ડિશન અને ટર્મિનલ્સ કંડિશનને ઠીક કરીને લોકોને નવજીવન આપ્યું છે.
ડૉ. ડિસ્પેંજા સમજાવે છે કે તમે માત્ર પોતાનાં વિચારોની મદદથી કોઈપણ પ્રકારની દવા અને સર્જરી વગર ગંભીર બીમારીમાંથી સાજા થઈ શકો છો. 1986માં સાઇકલિંગ દરમિયાન ડૉ.નું ખૂબ ગંભીર એક્સિડન્ટ થયું હતું. એમાં તેમની કરોડરજ્જુના હાડકાં ભાંગી ગયા હતાં. ડૉક્ટરોએ તો કહી દીધું હતું કે તેઓ જીવનભર ચાલી નહીં શકે.
અન્ય ડૉક્ટર્સે તેમને ચાર અલગ-અલગ મુશ્કેલ સર્જરી કરવાની સલાહ આપી હતી. આમ છતાં તેમને દર્દમાં રાહત મળશે, પરંતુ તેઓ ચાલી નહીં શકે. એ વખતે ડૉ. ડિસ્પેંજાને વિચાર આવ્યો કે આપણા શરીરમાં ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિમતા છે જે આપણને જીવન આપે છે. એ બુદ્ધિમતા સારી રીતે જાણે છે કે મારી આ બીમારી કેવી રીતે ઠીક થઈ શકે છે. એથી તેમણે એ બુદ્ધિમતા સાથે જોડાવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું.
ડૉ. ડિસ્પેંજાએ નિશ્ચય કર્યો કે તેઓ સર્જરી નહીં કરે અને તેઓ કલ્પના કરવા લાગ્યા કે તેઓ હવે સ્વસ્થ થઈ ગયા છે. ચમત્કાર તો ત્યારે થયો જ્યારે માત્ર સાડા દસ અઠવાડિયામાં તેઓ પોતાના પગ પર ઊભા રહેવા લાગ્યા અને બાર અઠવાડિયા બાદ પોતાની ક્લિનિકમાં પ્રેક્ટિસ કરવા પહોંચી ગયા.
તેમણે બ્રેનનની શક્તિ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું તો તેમનું શરીર પણ ઠીક થવા લાગ્યું. તેમણે સેંકડો એક્સપર્ટસના ઇન્ટરવ્યૂ લીધા. તેમના અનુભવોથી જાણ થઈ કે એ બધામાં એક સમાનતા છે.
એ સમાનતા એટલે કે એ લોકો એમ માને છે કે બધાની અંદર બુદ્ધિમતા છે, જે તેમને જીવન પ્રદાન કરે છે. જે એક દિવ્યશક્તિની જેમ કામ કરે છે. આપણે જ્યારે એનાથી એક મિનિટ માટે પણ અલગ થઈએ તો આપણે બીમાર પડવા લાગીએ છીએ. આપણાં શરીરની અલાઇનમેન્ટ બગડી જાય છે અને આપણે બીમાર પડવા લાગીએ છીએ.
બીજી વાત તેમનાં ધ્યાનમાં એ આવી કે લોકોએ અનુભવ્યું કે તેમની લાગણી અને સ્ટ્રેસ હોર્મોન્સના મિસ મેનેજમેન્ટને કારણે તેઓ બીમાર પડે છે.
સદીઓ પહેલાં માનવજાતિ માત્ર જીવવા ખાતર જીવતી હતી અને તેનાં માથે હંમેશાં નરભક્ષીનું જોખમ તોળાતું રહેતું હતું. આ જ કારણ છે કે આપણને જ્યારે પણ જોખમનો અંદાજ આવી જાય છે. તો આપણે તરત એ જોખમને ખતમ કરવા પ્રતિક્રિયા આપીએ છીએ. એ પ્રતિક્રિયા જ આપણા તણાવનું કારણ બને છે.
હવે આજે એકવીસમી સદીમાં આપણે ડરવાની કે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. આપણને કોઈ નરભક્ષી જાનવરથી ડરવાની જરૂર નથી કેમ કે એ હવે આપણને ખાવા નહીં આવે. હવે તો આપણે પહેલાની સરખામણીએ વધુ વર્ષો સુધી તંદુરસ્ત જીવન જીવીએ છીએ.
આ જ વાતને ધ્યાનમાં રાખીને ડૉ. ડિસ્પેંજાએ નોંધ્યું કે આપણાં વિચારો અને આપણી લાગણીઓને મિસ મેનેજમેન્ટ થતાં અટકાવવી જોઈએ. નકારાત્મક વિચારો દિમાગમાં ન લાવવા જોઈએ. માનસિક રૂપે પોતાને સ્વસ્થ સમજવાથી આપણે ખરેખર સ્વસ્થ થવા માંડશું.