Tue May 26 2026

Logo

ફાઈનાન્સના ફંડાઃ 3 x ઈમર્જન્સી રૂલ નાણાકીય સ્થિરતા માટે આ છે એક સરળ માર્ગદર્શન

2 months ago
Author: Mumbaisamachar Team
Article Image

 


મિતાલી મહેતા

આ શ્રેણીના અગાઉના લેખોમાં આપણે વ્યક્તિગત નાણાકીય આયોજનના કેટલાક સરળ ‘થંબ રૂલ્સ’ વિશે ચર્ચા કરી હતી. આ નિયમો આપણને પૈસાના વિકાસ, તેની યોગ્ય ફાળવણી અને નિવૃત્તિ દરમિયાન ભંડોળના આયોજનને સમજવામાં મદદરૂપ થયા છે. આ તમામ પાસા સંપત્તિ સર્જન, એસેટ એલોકેશન અને નાણાકીય સ્વતંત્રતા જેવા મહત્ત્વના વિષયોને આવરી લે છે.


જોકે, સંપત્તિમાં વધારો થાય કે પોર્ટફોલિયોનું ઑપ્ટિમાઇઝેશન થાય તે પહેલાં દરેક નાણાકીય આયોજન માટે એક મજબૂત આધાર હોવો જરૂરી છે અને તે છે અનપેક્ષિત પરિસ્થિતિઓ માટેની નાણાકીય તૈયારી. આ જ વિચાર આપણને વ્યક્તિગત નાણાકીય આયોજનના આઠમા નિયમ તરફ લઈ જાય છે ઈમર્જન્સી રૂલ, જેને સામાન્ય રીતે ‘3x ઈમર્જન્સી રૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. જો અગાઉના નિયમો સંપત્તિ વધારવા પર કેન્દ્રિત હતા તો આ નિયમ તેનું રક્ષણ કરવા પર ધ્યાન આપે છે.

શું છે 3x  ઈમર્જન્સી રૂલ?


3x ઈમર્જન્સી રૂલ મુજબ, દરેક વ્યક્તિ અથવા પરિવાર પાસે ઓછામાં ઓછું એટલું ઈમર્જન્સી ફંડ હોવું જોઈએ જે તેમના ત્રણ મહિનાના આવશ્યક ખર્ચ જેટલું હોય.

તેનું ગણિત અત્યંત સરળ છે:

ઈમર્જન્સી ફંડ = 3x માસિક આવશ્યક ખર્ચ

ઉદાહરણ તરીકે: જો તમારા પરિવારનો માસિક આવશ્યક ખર્ચ ₹50,000 હોય, તો અંદાજે ₹1.5 લાખનું ઈમર્જન્સી ભંડોળ તમારી પાસે તૈયાર હોવું જોઈએ. આ ભંડોળ એક પ્રાથમિક નાણાકીય સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

આવશ્યક ખર્ચમાં કોનો સમાવેશ થાય?

ગણતરી કરતી વખતે માત્ર અનિવાર્ય ખર્ચાઓને જ ધ્યાનમાં લેવા જોઈએ:

* રહેઠાણના ખર્ચ: ઘરનું ભાડું અથવા હોમ લોનના ઈએમઆઈ.
* રસોડું અને યુટિલિટી: કરિયાણું, દૂધ, વીજળી અને ગેસ બિલ.
* વીમા પ્રીમિયમ: હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સના હપ્તા.
* શિક્ષણ: બાળકોની સ્કૂલ ફી અથવા અન્ય ફરજિયાત શૈક્ષણિક ખર્ચ.
* પરિવહન: પેટ્રોલ, ડીઝલ અથવા મુસાફરીનો પાયાનો ખર્ચ.

નોંધ: વેકેશન, બહાર જમવું અથવા મોંઘી ચીજવસ્તુઓની ખરીદી જેવા વૈકલ્પિક ખર્ચનો આ ગણતરીમાં સમાવેશ થતો નથી.


આ નિયમ કેમ મહત્ત્વનો છે?


જીવન હંમેશાં પૂર્વનિર્ધારિત યોજના મુજબ ચાલતું નથી. નોકરીમાં અચાનક બદલાવ, તબીબી કટોકટી, કુટુંબ સંબંધિત જવાબદારીઓ કે ઘરના રિપેરિંગ-મરામત જેવા ખર્ચ ગમે ત્યારે આવી શકે છે. આવા સમયે, જે લોકો પાસે ઈમર્જન્સી ફંડ નથી હોતું, તેમને ઘણીવાર તેમના લાંબા ગાળાનાં રોકાણો અધવચ્ચેથી તોડવા પડે છે. આનાથી તાત્કાલિક મુશ્કેલી તો ઉકેલાઈ જાય છે, પરંતુ વર્ષોની મહેનતથી બનાવેલી નાણાકીય યોજના ખોરવાઈ જાય છે.

ઈમર્જન્સી ફંડનો મુખ્ય હેતુ વળતર કમાવવાનો નથી, પણ સ્થિરતા આપવાનો છે. આ ફંડ એક ‘શોક-એબ્ઝોર્બર’ (આંચકા સહન કરનાર) તરીકે કામ કરે છે, જે તમને તણાવપૂર્ણ સ્થિતિમાં પણ તમારા લક્ષ્યોને નુકસાન પહોંચાડ્યા વગર આગળ વધવામાં મદદ કરે છે.


ઈમર્જન્સી ફંડ ક્યાં રાખવું?

આ ફંડનો મુખ્ય હેતુ સહેલાઈથી ઉપાડી શકાય તેવી ઉપલબ્ધતા છે. તેથી તેને એવાં સાધનોમાં રાખવું જોઈએ જ્યાંથી તે જોખમ વિના તુરંત મળી શકે:

* સેવિંગ્સ એકાઉન્ટ: તત્કાલ ઉપલબ્ધતા માટે.
* લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ: સ્થિરતા અને સરળ નિકાસ માટે.
* સ્વીપ-ઇન ફિક્સ્ડ ડિપોઝિટ: બચત ખાતા કરતા થોડું વધુ વળતર અને સરળતા માટે.
* મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ: ટૂંકા ગાળાની સુરક્ષિત બચત માટે.

આ માત્ર શરૂઆત છે, અંતિમ મર્યાદા નહીં

3x રૂલ એ એક પ્રારંભિક માપદંડ છે. દરેક પરિવારની સ્થિતિ અલગ હોય છે. જો તમારી આવક અનિયમિત હોય, તમારા પર નિર્ભર સભ્યો વધુ હોય અથવા તમારી નાણાકીય જવાબદારીઓ મોટી હોય તો તમારે માટે 6 મહિના કે 1 વર્ષના ખર્ચ જેટલું ભંડોળ રાખવું વધુ હિતાવહ છે.

મહત્ત્વનું એ છે કે, ગમે તેટલી નાની રકમથી પણ આ ભંડોળ બનાવવાની શરૂઆત કરવી.

ટૂંકમાં...

નાણાકીય આયોજન માત્ર સંપત્તિમાં વૃદ્ધિ કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી પૂરતું નથી તેનો સાચો પાયો સ્થિરતા છે. ઈમર્જન્સી ફંડ કદાચ આકર્ષક વળતર ન આપે, પરંતુ તે તમને ‘માનસિક શાંતિ’ જરૂર આપે છે.

જ્યારે જીવન અણધાર્યો વળાંક લે ત્યારે તમારી નાણાકીય સ્થિતિ તે આંચકાને સહન કરવા તૈયાર હોય તો એ જ એ સૌથી શક્તિશાળી વ્યૂહરચના ગણાય...