Fri Apr 24 2026

Logo

સૅમસનની ફટકાબાજી અને હોસૈનનો તરખાટઃ મુંબઈ લડત આપ્યા વગર હાર્યું

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

PTI


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (20 ઓવરમાં 6/207)એ વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ (19 ઓવરમાં 10/104)ને 103 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈને ઓળંગીને ઉપરના સ્થાન તરફ પ્રગતિ કરી હતી. મુંબઈની ટીમ ચેન્નઈને લડત આપ્યા વગર હારી ગઈ. મુંબઈ (MI)એ ફીલ્ડિંગ લીધા પછી એના બોલર્સનો ચેન્નઈ (CSK)ના ઓપનર સંજુ સૅમસન (101 અણનમ, 54 બૉલ, છ સિક્સર, દસ ફોર) સામે કોઈ જ જવાબ નહોતો અને પછી બૅટિંગમાં ખાસ કરીને કૅરિબિયન લેફ્ટ-આર્મ સ્પિનર અકીલ હોસૈન (4-1-17-4)ને મુંબઈના બૅટ્સમેનો એક પછી એક વિકેટ આપી બેઠા હતા. સૂર્યકુમાર યાદવ (પાંચ ચોગ્ગાની મદદથી 35 રન) અને પાછલી મૅચના હીરો તિલક વર્મા (પાંચ ચોગ્ગાની મદદથી 37 રન) વચ્ચે 73 રનની ભાગીદારી થઈ હતી, પણ તેઓ બન્ને પ્લેયર હોસૈનના સ્પિનનો શિકાર થયા હતા. નૂર અહમદે બે તેમ જ મુકેશ ચૌધરી, કમ્બોજ, ઓવર્ટન અને ગુર્જપનીત સિંહે એક-એક વિકેટ લીધી હતી.

મુંબઈના ફ્લૉપ બૅટ્મસેનો, ચેન્નઈના પ્લેયર્સનું અનોખું સેલિબ્રેશન

મુંબઈના સદંતર ફ્લૉપ રહેલા બૅટ્સમેનોમાં ક્વિન્ટન ડિકૉક (સાત રન), દાનિશ માલેવર (0), નમન ધીર (0), હાર્દિક પંડ્યા (એક રન), શેરફેન રુધરફર્ડ (0), શાર્દુલ ઠાકુર (છ રન)નો સમાવેશ હતો. ચેન્નઈના ફીલ્ડર્સ અને બોલર્સે મુંબઈના ખેલાડીઓની વિકેટ લીધા પછી હાથની ઍક્શનથી અનોખી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું.

PTI

મમ્મીના દેહાંત છતાં મુકેશ રમ્યો

ચેન્નઈના પેસ બોલર મુકેશ ચૌધરીના મમ્મીનું 21મી એપ્રિલે અવસાન થયું હતું. જોકે મુકેશ ગુરુવારે વાનખેડેમાં રમ્યો હતો. તેણે ઓપનર ક્વિન્ટન ડિકૉક (સાત રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. ચેન્નઈના ખેલાડીઓ મુકેશનાં મમ્મીને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.

સેન્ચુરિયન સૅમસનની સાત ભાગીદારી

સૅમસનની આ વખતની આ બીજી સેન્ચુરી હતી. તેણે 11મી એપ્રિલે દિલ્હી સામે અણનમ 115 રન કર્યા હતા. તેની સાત પાર્ટનરશિપની વિગત આ મુજબ છેઃ ગાયકવાડ સાથે 32 રન, સરફરાઝ ખાન સાથે 40 રન, શિવમ દુબે સાથે 19 રન, ડેવાલ્ડ બે્રવિસ સાથે 31 રન, કાર્તિક શર્મા સાથે 43 રન, જૅમી ઓવર્ટન સાથે 16 રન અને અકીલ હોસૈન સાથે અણનમ 26 રનની ભાગીદારી.

રોહિત-ધોની વિનાની પ્રથમ મુંબઈ-ચેન્નઈ મૅચ

આઇપીએલના 19 વર્ષના ઇતિહાસમાં આ વખતે પહેલી વખત એવું બન્યું જેમાં મુંબઈ-ચેન્નઈ વચ્ચેની મૅચમાં રોહિત શર્મા કે એમએસ ધોનીમાંથી કોઈ પણ નહોતું રમ્યું. બન્ને દિગ્ગજ હજી અનફિટ હોવાને કારણે આ મૅચમાં નહોતા રમ્યા. પાંચ-પાંચ ટાઇટલ જીતી ચૂકેલા આ બન્ને અથવા બેમાંથી એક મહારથી વાનખેડેની આ મૅચમાં રમશે એવી અપેક્ષાએ અસંખ્ય પ્રેક્ષકો ખાસ આ મૅચ જોવા આવ્યા હતા, પણ તેમણે નિરાશ થવું પડ્યું હતું.

ધોનીની ગેરહાજરીમાં ચેન્નઈની માત્ર ત્રીજી જીત

33,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈએ બૅટિંગ મળ્યા બાદ સૅમસનની અણનમ સેન્ચુરીની મદદથી ચેન્નઈએ 20 ઓવરમાં છ વિકેટે 207 રન કર્યાં હતા. બન્ને ટીમને ચાર-ચાર હાર બાદ વિજયની ખાસ જરૂર હતી. ચેન્નઈએ આ વખતે ઈજાગ્રસ્ત ધોનીની ગેરહાજરીમાં કુલ ફક્ત ત્રણ મૅચ જીતી છે. મુંબઈના દરેક બોલરને ચેન્નઈએ (ખાસ કરીને ઓપનર સૅમસને) વળતો જવાબ આપ્યો હતો, પણ આ ટીમ સમયાંતરે વિકેટ ગુમાવી રહી હતી. પાવરપ્લેની છ ઓવરમાં આ ટીમે મુંબઈના સ્પિનર્સને 83 રનમાં બે વિકેટ આપી દીધી હતી. ગઝનફરે કેપ્ટન ગાયકવાડ (બાવીસ રન)ને તિલકના હાથમાં કૅચઆઉટ કરાવ્યા બાદ સેન્ટનરે પણ પોતાની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી હતી. તેણે સરફરાઝ ખાન (14 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. 122 રનના સ્કોર સુધીમાં શિવમ દુબે (પાંચ રન) અને ડેવાલ્ડ બે્રવિસ (21 રન) સહિત કુલ ચાર વિકેટ પડી ચૂકી હતી. કાર્તિક શર્મા (18 રન) અને જૅમી ઓવર્ટને (15  રન) સેમસનને થોડો સાથ આપ્યા બાદ વિકેટ ગુમાવી હતી.

હાર્દિકે બે જ ઓવર બોલિંગ કરી

સૅમસને 26 બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોર સાથે હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 100 રન 54 બૉલમાં પૂરા કર્યા હતા જેમાં છ છગ્ગા અને 10 ચોગ્ગા સામેલ હતા. ગઝનફર તથા અશ્વની કુમારે બે-બે વિકેટ અને બુમરાહ તેમ જ સેન્ટનરે એક એક વિકેટ લીધી. હાર્દિકને 38 રનમાં અને ક્રિશ ભગતને 31 રનમાં વિકેટ નહોતી મળી. નવાઈની વાત એ છે કે ખુદ હાર્દિકે બે જ ઓવર બોલિંગ કરી હતી અને ડેથ ઓવર્સમાં ક્રિશ પર ભરોસો મૂકીને તેને બોલિંગ આપવાનું પસંદ કર્યું હતું.

બે્રવિસ જીવતદાન મળ્યા પછી તરત આઉટ

ડેવાલ્ડ બે્રવિસ (21 રન, 11 બૉલ, બે સિક્સર, એક ફોર) જીવતદાનનો લાભ નહોતો લઈ શક્યો. અશ્વની કુમારની જે ઓવરમાં નમન ધીરે તેનો મિસ જજમેન્ટ બાદ કૅચ છોડ્યો એ જ ઓવરમાં બે્રવિસ ડીપ થર્ડ મૅન પર બુમરાહને કૅચ આપી બેઠો હતો. જોકે ઓપનર સંજુ સૅમસન અડીખમ હતો અને છેક સુધી નોટઆઉટ રહ્યો હતો.