નવી દિલ્હીઃ આઇપીએલ-2026ની શરૂઆત પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)માંથી રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમમાં આવી ગયેલા સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આ વખતે વિવિધ કારણસર દરેક મૅચમાં પૂરી ચાર ઓવર બોલિંગ નથી કરવા મળી, પણ એ બાબતમાં તેની કોઈ જ ફરિયાદ નથી એવા ભાવાર્થમાં તેણે બુધવારે જાણીતી ઍપને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે `હું બધો અહમ (EGO) હૉટેલમાં મૂકીને મેદાન પર આવતો હોઉં છું.'
બુધવારે બાપુ જાડેજા (Jadeja)એ લખનઊ સામે રાજસ્થાનને જિતાડવામાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાજસ્થાને જાડેજાના અણનમ 43 રનની મદદથી છ વિકેટે 159 રન કર્યા હતા અને લખનઊની ટીમને 160 રનનો લક્ષ્યાંક પણ મોટો લાગ્યો હતો. લખનઊની ટીમ માત્ર 119 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બુધવારે જાડેજાને પૂરી ચાર ઓવર અપાઈ હતી જેમાં તેણે 29 રનમાં એક વિકેટ લીધી હતી.
Back to winning ways before we head home to Jaipur tomorrow! 💗💪 pic.twitter.com/CZ9JWDcGND
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2026
રિષભ પંત સહિત ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટ્સમેન શૂન્યમાં આઉટ થઈ ગયા હતા. પછીથી જાડેજાએ લખનઊના નિકોલસ પૂરન (બાવીસ રન)ની વિકેટ પણ લીધી હતી. રાજસ્થાનના જોફ્રા આર્ચરે ત્રણ તેમ જ બ્રિજેશ શર્મા અને નેન્ડ્રે બર્ગરે બે-બે વિકેટ લીધી હતી. જાડેજાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો જે તેણે પત્ની અને ભાજપનાં વિધાનસભ્ય રિવાબાને સમર્પિત કર્યો હતો.
`જડ્ડુ' તરીકે જાણીતા જાડેજાને બુધવારની મૅચ પછી પૂછવામાં આવ્યું હતું કે `તમને આ વખતે કેટલીક મૅચમાં પૂરી ચાર ઓવર બોલિંગ નથી કરવા મળી. એ વિશે શું કહેશો?' તેણે જવાબમાં કહ્યું, `હું બધો અહમ હૉટેલની રૂમમાં મૂકીને રમવા આવતો હોઉં છું. ટીમને કેવી રીતે ઉપયોગી થઈ શકું એવા જ વિચાર સાથે રમતો હોઉં છું. બૅટિંગમાં મેં ઇનિંગ્સના અંત સુધી રમવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં હું સફળ રહ્યો.
મેં વિચાર્યું કે જો હું ખરાબ શૉટ બદલ 17મી કે 18મી ઓવરમાં આઉટ થઈ ગયો હોત તો અમે 159 રનના સાધારણ ટોટલ સુધી પણ ન પહોંચી શક્યા હોત અને ફક્ત વીસેક રનના તફાવતથી હારી ગયા હોત. મારી ટીમનું એવું માનવું છે કે હું અમુક તબક્કે અમુક પ્રકારના બૅટ્સમૅન સામે બોલિંગ કરવા માટે યોગ્ય નથી હોતો. હું ટીમના એ અભિગમને સમજી શકું છું. આ તો રમત છે, આવું તો થયા કરે.'