ભુજઃ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર ભુજની કોલેજ ગર્લ સાક્ષી જેઠાલાલ ખાનીયાની હત્યાના કેસમાં ભુજ સેશન્સ નામદાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હત્યાના માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રિન્સિપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ મુખ્ય સૂત્રધાર મોહિત સિદ્ધપુરા અને તેના મદદગાર મિત્ર જયેશ ઠાકોરને તકસીરવાન ઠેરવી સખ્ત આજીવન કેદની સજા ફટકારી હતી. બનાવની વિગતો મુજબ, ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભુજની સંસ્કાર કોલેજ બહાર આ ઘટના બની હતી. મૂળ ગાંધીધામની અને ભુજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સાક્ષીના એકતરફી પ્રેમમાં પાડોશી મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા અંધ બન્યો હતો.
સાક્ષી ભણતર છોડી ગાંધીધામ પરત ફરે તે માટે મોહિત સતત દબાણ કરતો હતો. સાક્ષીએ તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દેતા ઉશ્કેરાયેલા મોહિતે મિત્ર જયેશ ઠાકોર સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઘટનાના દિવસે આરોપીઓ અંજારથી છરી ખરીદી મોટરસાઇકલ પર ભુજ આવ્યા હતા. કોલેજ બહાર સાક્ષીને વાત કરવાના બહાને બોલાવી મોહિતે પહેલા તેના પેટમાં છરી મારી દીધી હતી. ઘાયલ સાક્ષીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે મોહિત મોટરસાઇકલ પર તેની પાછળ બેસી ગયો હતો અને ચાલુ મોટરસાઇકલ પર તેનું ગળું કાપી નાખ્યું હતું અને સારવાર દરમિયાન સાક્ષીનું મૃત્યુ નીપજ્યું હતું.
પી.આઈ એ.એમ.પટેલની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન નેત્રમ સીસીટીવી ફૂટેજ, લોહીવાળા કપડાં બદલ્યા તે દુકાનના ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને ૩૧ સાક્ષીઓની જુબાની મહત્વની સાબિત થઈ હતી. સરકારી વકીલ એચ.બી. જાડેજાએ રજૂ કરેલા ૭૫ દસ્તાવેજી પુરાવાઓને આધારે કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદ અને ૨૫-૨૫ હજાર રૂપિયાનો દંડ તથા ભોગ બનનાર સાક્ષીના માતા-પિતાને ૫ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આદેશ આપ્યો છે.
દરમિયાન, ચુકાદાના દિવસે કોર્ટ સંકુલમાં ભાનુશાલી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.