Thu Apr 23 2026

Logo

માલેગાંવ વિસ્ફોટ કેસ: હાઈ કોર્ટે ચાર આરોપીને કર્યા નિર્દોષ, NIAની કાઢી ઝાટકણી

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

૩૧ લોકોના મોત માટે જવાબદાર કોણ? તપાસ એજન્સીના પુરાવાઓ પર ઉઠાવ્યા સવાલ

મુંબઈ: ૨૦૦૬ના માલેગાંવ વિસ્ફોટ કેસ હવે સમાપ્ત થયો હોય તેવું લાગે છે એમ ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ  બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું  અને અગાઉની તપાસ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓને સંપૂર્ણપણે અવગણવા બદલ એનઆઈએની ઝાટકણી કાઢી હતી. જોકે, 31 લોકોના મૃત્યુ થયા એ વિસ્ફોટો માટે કોણ જવાબદાર હતું તે પ્રશ્નનો જવાબ  બુધવારે હાઈ કોર્ટએ આપેલા આદેશથી મળ્યો નથી.

હાઈ કોર્ટે ચાર આરોપીઓ રાજેન્દ્ર ચૌધરી, ધન સિંહ, મનોહર રામ સિંહ નરવરિયા અને લોકેશ શર્માને નિર્દોષ જાહેર કર્યા, કારણ કે આ કેસમાં ટ્રાયલનો સામનો કરવા માટે પૂરતા પુરાવા નથી. તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરું અને ગેરકાયદેસર (પ્રવૃત્તિઓ) નિવારણ અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

હાઇ કોર્ટે, સપ્ટેમ્બર 2025 ના ચાર આરોપીઓ સામે આરોપો ઘડવાના વિશેષ અદાલતના આદેશને રદ કરતા જણાવ્યું હતું કે ન્યાયાધીશે બુદ્ધિ વાપરીને આદેશ નહોતો આપ્યો. ૮ સપ્ટેમ્બર, ૨૦૦૬ના મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં ૩૧ લોકો માર્યા ગયા હતા અને ૩૧૨ લોકો ઘાયલ થયા હતા. 
(પીટીઆઈ)