Thu Apr 23 2026

Logo

ચૂંટણી પહેલા BJP નું 'ઓપરેશન ક્લીન': ભાવનગર પાર્ટી સામે બગાવત કરનારા 26 કાર્યકરોને 6 વર્ષ માટે ઘરભેગા કરાયા!

1 hour ago
Author: Devayat Khatana
Article Image

Gemini Ai Generated


(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગરઃ  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના કેટલાક કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપે આ તમામ કાર્યકરોને સસ્પેન્ડ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. 

ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ સસ્પેન્ડ કર્યા તેમાં તાલુકા કારોબારી સભ્ય, સક્રિય સભ્ય, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, પૂર્વ પ્રમુખ યુવા મોરચો, સંયોજક શક્તિકેન્દ્ર, જિલ્લા કિસાન મોરચા સહિતના કાર્યકરોનો સમાવેશ થાય છે, તેમ માહિતી આપતા ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે જણાવેલ છે. 
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાંથી ઘણાં કાર્યકરોએ ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપી હોય અથવા ન મળવાની હોય તેવા ભાજપ કાર્યકરોએ ચૂંટણીમાં સામે મોરચો માંડયો છે. ભાજપ કાર્યકરો નારાજગી વ્યકત કરી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડતા ભાજપની ચિંતા વધી હતી અને કેટલાકને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ નહીં માનતા ભાજપે કડક કાર્યવાહી કરી હતી.

ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આગામી તા. ર૬ એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ભાજપના જ ર૬ કાર્યકર કોંગ્રેસ, આપ કે અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેથી ભાજપે તેઓને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં પ ભાજપ કાર્યકર જિલ્લા પંચાયતની પાટણા, ચમારડી, કળસાર, કતપર, ભાદ્રોડ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપના ૧૪ કાર્યકર ભાજપના ઉમેદવારો સામે તાલુકા પંચાયત લડી રહ્યા છે, જેમાં બે કાર્યકરો કોંગ્રેસમાંથી અને ૧ર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેથી તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે નગરપાલિકામાં ૭ ભાજપ કાર્યકરો ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં પ કોંગ્રેસમાંથી અને ર આપ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેથી તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહુવા નગરપાલિકામાં પ અને પાલિતાણા નગરપાલિકામાં ર કાર્યકર ચૂંટણી લડી રહ્યા છે, તેવી માહીતી મળી હતી.