મિડલ ઈસ્ટની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને સાવચેતી રાખવા અને સત્તાવાર નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે કડક આદેશો જારી કર્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે (23 એપ્રિલ, 2026) એક નવી અને કડક ગાઈડલાઈન્સ જાહેર કરી. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી સામે ચેતવણી આપી છે અને હાલમાં ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત રીતે દેશ છોડી દેવાની સૂચના આપી છે.
કોઈપણ રીતે ઈરાનની મુસાફરી ન કરવી
તેહરાનમાં ભારતીય દૂતાવાસે તેની સલાહમાં જણાવ્યું હતું કે, "ભારતીય નાગરિકોએ કોઈપણ માર્ગે ઈરાનની મુસાફરી ન કરવી જોઈએ. ભલે તે હવાઈ માર્ગે હોય કે જમીન માર્ગે. ઈરાનની મુસાફરી સુરક્ષાના દૃષ્ટિકોણથી જોખમી હોઈ શકે છે. પ્રાદેશિક તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલન અંગે અનેક પડકારો ચાલું છે. હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોએ તાત્કાલિક દેશ છોડી દેવો જોઈએ. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ દૂતાવાસના સતત સંપર્કમાં રહે.
મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સત્તાવાર નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. આ માટે, દૂતાવાસે સંપર્ક નંબરો પણ જાહેર કર્યા છે: +989128109115, +989128109109, +989128109102, અને +989932179359. આ ગાઈડલાઈન્સ એવા સમયે આવી છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કડક આદેશ આપ્યા છે. અમેરિકી સેનાને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃતિ બદલ યુદ્ધના ધોરણે એક્શન લેવા આદેશ કર્યા છે. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટમાં સુરંગ નાખતા કોઈ પણ જહાજને નષ્ટ કરી દેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
મિડલ ઈસ્ટમાં માહોલ બગડ્યો
અમેરિકાએ હોર્મુઝની આસપાસના કેટલાક જળમાર્ગ પર અમેરિકાનું નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને એ સમજવામાં મુશ્કેલીઓ પડી રહી છે કે, એમનો અસલી નેતા કોણ છે. ઈરાનમાં અંદરોઅંદર પણ ખેંચતાણ ચાલી રહી છે. મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે ફરી એકવાર ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં ગાબડા પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. હાલમાં સ્થિતિ કાબુમાં હોવાના દાવા કરતો અમેરિકા પણ એક્શન લેવાના કોઈ મૂડમાં ન હોય એવું જણાય રહ્યું છે. સતત બગડી રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે આ પ્રકારની ગાઈડલાઈન્સ જાહેર કરી છે.