Thu Apr 23 2026

Logo
IPL 2026:

વાનખેડેમાં સૅમસનની સુનામી: બીજી સેન્ચુરી ફટકારી

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: 33,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા વાનખેડે સ્ટેડિયમમાં સંજુ સૅમસન (101 અણનમ, 54 બૉલ, છ સિક્સર, દસ ફોર)ની આ વખતની બીજી સેન્ચુરીની મદદથી ચેન્નઈએ 20 ઓવરમાં છ વિકેટે 207 રન કર્યાં છે. મુંબઈને 208 રનનો ટાર્ગેટ મળ્યો છે. બન્ને ટીમને ચાર-ચાર હાર બાદ વિજયની ખાસ જરૂર છે.

મુંબઈના દરેક બોલરને ચેન્નઈએ (ખાસ કરીને ઓપનર સૅમસને) વળતો જવાબ આપ્યો હતો, પણ આ ટીમ સમયાંતરે વિકેટ ગુમાવી રહી હતી. 32મા રને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (બાવીસ રન)ની પ્રથમ વિકેટ પડી હતી અને 122 રનના સ્કોર સુધીમાં સરફરાઝ (14 રન), શિવમ દુબે (પાંચ રન) અને ડેવાલ્ડ બ્રેવિસ  (21 રન) સહિત કુલ ચાર વિકેટ પડી ચૂકી હતી.

 

કાર્તિક શર્મા (18 રન) અને જૅમી ઓવર્ટને (15  રન) સેમસનને થોડો સાથ આપ્યા બાદ વિકેટ ગુમાવી હતી.

સૅમસને 26 બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોર સાથે હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 100 રન 54 બૉલમાં પૂરા કર્યા હતા જેમાં છ છગ્ગા અને 10 ચોગ્ગા સામેલ હતા. ગઝનફર તથા અશ્વની કુમારે બે-બે વિકેટ અને બુમરાહ તેમ જ સેન્ટનરે એક એક વિકેટ લીધી. હાર્દિકને 38 રનમાં અને ક્રિશ ભગતને 31 રનમાં વિકેટ નહોતી મળી.

બ્રેવિસ અપેક્ષા જેવું ન રમ્યો

જોકે ડેવાલ્ડ બ્રેવિસ (21 રન, 11 બૉલ, બે સિક્સર, એક ફોર) જીવતદાનનો લાભ નહોતો લઈ શક્યો. અશ્વની કુમારની જે ઓવરમાં નમન ધીરે તેનો મિસ જજમેન્ટ બાદ કૅચ છોડ્યો એ જ ઓવરમાં બ્રેવિસ ડીપ થર્ડ મૅન પર બુમરાહને કૅચ આપી બેઠો હતો.

ઓપનર સૅમસન છેક સુધી અડીખમ

એ પહેલાં, મુંબઈએ બૅટિંગ આપ્યા બાદ ચેન્નઈએ શરૂઆત સારી કરી, પરંતુ પાવરપ્લેની છ ઓવરમાં આ ટીમે મુંબઈના સ્પિનર્સને 83 રનમાં બે વિકેટ આપી દીધી હતી. ગઝનફરે કેપ્ટન ગાયકવાડ (બાવીસ રન)ને તિલકના હાથમાં કૅચઆઉટ કરાવ્યા બાદ સેન્ટનરે પણ પોતાની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી હતી. તેણે સરફરાઝ ખાન (14 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. જોકે ઓપનર સંજુ સૅમસન  અડીખમ હતો અને છેક સુધી નોટઆઉટ રહ્યો હતો.