Thu Apr 23 2026

Logo

ભાયંદરમાં ઝોમ્બી ડ્રગ્સનો કેસ નથી: દવાના ઑવરડોઝને કારણે યુવકને ચક્કર આવ્યાં

1 day ago
Author: યોગેશ સી પટેલ
Article Image

વાયરલ વીડિયોમાં દેખાતા યુવકને પોલીસને શોધી કાઢ્યા પછી સ્પષ્ટતા થઈ: દવાની દુકાનવાળા પર કાર્યવાહીની લટકતી તલવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભાયંદરમાં ઝોમ્બી ડ્રગ્સનું સેવન કરીને એક યુવાન વિચિત્ર રીતે રસ્તા પર ઊભો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા પછી આ બાબતે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જોકે પોલીસે તપાસ કરી વીડિયોમાં દેખાતા યુવકને શોધી કાઢ્યો હતો અને તેણે ઝોમ્બી ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો દાવો નકાર્યો હતો. યુવક નશા માટે જે દવાનો ઉપયોગ કરતો હતો તેના ઑવરડોઝને કારણે તેને ચક્કર આવ્યાં હતાં.

ભાયંદરમાં એક યુવકે ઝોમ્બી ડ્રગ્સનું સેવન કર્યું હોવાથી આ ડ્રગ્સ મીરા-ભાયંદરમાં પણ વેચાતું હોવાની અફવા ફેલાઈ હતી. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે ગેરસમજ થઈ હતી. વીડિયોમાં રસ્તા પરથી પસાર થનારો યુવક એકાએક એક જ જગ્યાએ વિચિત્ર અવસ્થામાં ઊભો હોવાનું વીડિયોમાં નજરે પડતું હતું. આ વીડિયોની સત્યતા તપાસીને ખુલાસો કરવા સંબંધેનો આદેશ મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ઉપરી અધિકારીએ આપ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર સુશીલકુમાર શિંદેની ટીમે તાત્કાલિક વીડિયોની તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વીડિયો રેકોર્ડિંગ 13 એપ્રિલની રાતે 10 વાગ્યાની આસપાસ ભાયંદર પશ્ર્ચિમમાં 90 ફૂટ રોડ પર કરાયું હતું. પરિણામે પોલીસે આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે યુવકની શોધ હાથ ધરી હતી.
દાદર, બોરીવલી, મીરા રોડ અને ભાયંદરમાં તપાસ ચલાવીને બે દિવસ પછી પોલીસે યુવકને શોધી કાઢ્યો હતો. મજૂરીકામ કરતો સમીર રાજેન્દ્ર રાવલ (22) બોરીવલી રેલવે સ્ટેશન નજીક રહેતો હતો. માર્ચ, 2026માં તે નોકરીની શોધમાં નેપાળથી ભાયંદર આવ્યો હતો. શરૂઆતમાં તે ભાયંદર પૂર્વના નવઘર નાકા પર રહેતો હતો અને પછી બોરીવલી રહેવા લાગ્યો હતો.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રાવલ નેપાળનો વતની છે. છેલ્લાં બે વર્ષથી તેને નશા માટે પ્રેગાબાલિન નામની દવાનું સેવન કરવાની આદત હતી. આ દવાનો ઉપયોગ જ્ઞાનતંતુઓની પીડામાંથી રાહત મેળવવા થાય છે. ભાયંદરમાં આવ્યા પછી તે આ દવાની શોધમાં હતો, પરંતુ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈ દવાની દુકાનવાળો તેને આ દવા આપતો નહોતો.દરમિયાન નવઘર નાકા ખાતેની એક દવાની દુકાનમાંથી તેને પ્રિસ્ક્રિપ્શન વિના 10 ટેબ્લેટ્સની એક સ્ટ્રિપ મળી હતી. ત્યારથી તે આ જ દુકાનમાંથી ટેબ્લેટ્સ ખરીદતો હતો. 13 એપ્રિલની રાતે તે દવા ખરીદ્યા પછી પાંચ ટેબ્લેટ્સ એકસાથે લીધી હતી. દવાના ઑવરડોઝને કારણે તેને ચક્કર આવવા લાગ્યાં હતાં. પરિણામે રસ્તા પર ચાલતાં ચાલતાં તે એક જગ્યા પર ઊભો રહી ગયો હતો, જેનો કોઈએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

યુવકે આપેલી માહિતીને આધારે પોલીસની એક ટીમ ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે સંબંધિત દવાની દુકાને પહોંચી હતી, પરંતુ દુકાન બંધ હોવાનું નજરે પડ્યું હતું. આસપાસ તપાસ કરતાં વીડિયો વાયરલ થયા પછી ડરી ગયેલો દુકાનદાર દુકાન બંધ કરીને તેના વતન ગુજરાત જતો રહ્યો હતો. બે દિવસથી દુકાન બંધ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.