મોજની ખોજઃ
સુભાષ ઠાકર
ભગવાન જાણે અમારી સાથે શું દુશ્મની હશે કે કાલે કોઈ ચંબુ સોસાયટીની ટોઇલેટની ટાંકીમાં બરફના ટુકડા નાખી ગયો ત્યારે ખબર પડી કે હવે ઓફિશિયલ શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. તમે નહીં માનો પણ પછી તો એવી સોલીડ ઠંડી પડી કે લેપટોપમાં હું `પાણી' લખું તો સ્ક્રીન પર `બરફ' છપાય. અરે, ભેશને દોહીએ તો દૂધના બદલે ગુલ્ફી નીકળે એવી કાતિલ ઠંડીમાં આજે સવારે હજી તો ટુવાલ પહેરી બાથરૂમમાં ન્હાવા માટે જઉ એ પહેલાં ટીવી પર સમાચાર જોયા કે `અમેરિકામાં કરા પડ્યા ને કાતિલ ઠંડીને કારણે ચારનાં મોત' આ સાંભળી મારું બોડી વાઈબ્રેટર મોડ પર આવી ગયું.
જીવ કોને વ્હાલો ન હોય.? મેં તો તુર્તજ ન્હાવાનું માંડી વાળી ટુવાલ કાઢી પાછા કપડા પહેરી લીધા. જીવતા હોઈશું તો ઉનાળામાં નાઈ લેશું. બસ આટલું વિચારી ન્હાયા વગર જ બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપની પિકનિકમાં પહોંચ્યો ત્યાં પ્રમુખ રમણીકભાઈ ઉપાધ્યાયે મારો પરિચય આપ્યો `પ્રિય સભ્યો, સુભાષ ઠાકર ઉર્ફે `બદનામ'. આપણા ગ્રુપના શાયર ને `મૈ શાયર બદનામ' ને `કાયર બન્યો શાયર' પુસ્તકના લેખક પોતાની શાયરી રજૂ કરશે'
`આભાર, એક્ચ્યુઅલી મારી શાયર તરીકે કેરિયરની શરૂઆત નાનપણમાં સોસાયટીના નાનકડા ફંક્શનથી થયેલી ને મેં શાયરી લલકારેલી.`મારી છલોછલ કણાની મૂર્તિ જેવી કરુણ શાયરીમાં પણ મારા ચાહકોને ખડખડાટ હસાવ્યા છે ને ઈશ્વર કૃપાથી આ જ રીતે લોકોને ફસાવ્યા છે... મિત્રો, મારી આ શાયરી `અશક્તિનું અખબાર' નામના નવા છાપામાં છપાયા પછી છાપું બંધ થઇ ગયું ને મને જવાબદાર ઠેરવ્યો તો મેં કીધુ `સોરી માફ કરો હું હમણાં હમણાં નવો નવો શાયર બન્યો છું, હવેથી ધ્યાન રાખીશ. આટલી વખત ચલાવી લો.'
`અરે અખબાર જ નઈ ચાલે તો તને તંબુરામાંથી ચલાવીએ. તે અખબારની વાટ લગાડી નથી, વાટ સળગાવી પણ છે' પ્રમુખ ભડક્યા. પણ યુ નો કે દરેક નિષ્ફળતા એક સફળતાનું પગથિયું છે. પછી તો મને કવિ પણ બનવાની જોરદાર ખુજલી ઊપડી. એટલે કવિ વાયા શાયર. મિત્રો મારા જીવનમાં આ ગ્રુપે મને શું આપ્યું એ નથી વિચાર્યું પણ ગ્રુપને હું વાર્ષિક લાવાજમ પણ ન આપી શકું તો બીજુ શું આપી શકું એવા ઉમદા હેતુથી એક ઉમદા શાયરી રજૂ કરુ છું જેની પાછળ એક ઈતિહાસ છુપાયેલો છે.'
`અરે ઈતિહાસ છુપાયો હોય કે ભૂગોળ તું શાયરી બોલને...' પ્રેક્ષકોમાંથી દિનેશ જોશી બોલ્યો.
`ઓકે. કાલે પડેલી ભયંકર ઠંડીથી મારા અંતરમાંથી નીકળેલી અદ્ભુત ચાર લાઈન આપ સૌની સેવામાં. `નિત નાય એ નરકમાં જાય, માસે નાય એ મહાપદ થાય, વર્ષે નાય એ વૈકુંઠ જાય ને કદી ન નાય એના ઘેર જમ ન જાય' ને મિત્રો, આમ પણ જીવનનું પહેલું સ્નાન બીજો કોઈ કરાવે ને છેલ્લું સ્નાન પણ બીજો જ કરાવે તો આપણે વળી કઈ વાડીના મૂળા કે જીવનભર જાતે નાવાની જીદ કરીએ ને આમ પણ જીવનમાં મને ઘણા લોકોએ પાણી વગર પણ નવડાવ્યો છે.' આટલું સાંભળી સભ્યોના ચહેરા કોઈના બેસણામાં બેઠા હોય એવા થઈ ગયા.
`મિત્રો, આપની દાદ મળશે તો મને આગળ આવવાની પ્રેરણા મળશે. સાંભળો...આ મારું લેટેસ્ટ કાવ્ય :
`તું કહે તો આકાશના બધા તારા, તારા માટે તોડી લાવું, પણ તું જો સવારે આવે તો હું શું કરું? તું કહે તો આ ચંદ્રની શીતળતા હમણાં ધરતી પર ઢાળી દઉ, પણ તું જો સૂરજની હાજરીમાં માગે તો હું શું કરું? અરે આ ધોમધખતો સૂરજ તારા ચરણમાં ઢાળી દઉં પણ તું જો રાત્રે આવે તો હું શું કરું?'
પ્રેક્ષકોમાંથી `ઈર્શાદ-ઈર્શાદ'ના નારા લાગ્યા.
`હું ઈર્શાદ નથી સુભાષ ઠાકર છું.... ઈર્શાદને ફરી ક્યારેક સાંભળજો અત્યારે હું તો તમને કાનથી હૃદય સુધી પહોંચે એવી કવિતાનો ખજાનો લઈને આવું પણ મને કોઈ સાંભળનાર જ ન મળે તો હું શું કરું?'
`સોરી બકા, હવે તારે કશું જ કરવાનું નથી જે કરશું એ અમે કરશું ને હવે તું બોલ તારી આવી ઘટિયા શાયરી અમારા માથા પર ફટકારે તો અમે ભડકીએ નઈ તો શું કરીએ?' ઓડિયન્સ તો ભડકયું.
`અરે, પણ આ શાયરી નથી આ અદ્ભુત કાવ્ય છે. જરા સમજો.'
`તું જ સમજ ને હવે બંધ થા. અમારે સમજીને શું કાંદા કાઢવા છે' જીજ્ઞા પંડ્યા વચ્ચે જ ભડકી.
`મિત્રો, આ હજી ઠાકરની શરૂઆત છે. આપણે તો પ્રોત્સાહન આપવાનું હોય' પ્રમુખે મારી ફેવર કરી.
`તંબુરો પ્રોત્સાહન? જે વાર્ષિક લવાજમ નથી આપી શકતો એને વળી શું પ્રોત્સાહન આપવાનું?'
`અરે સ્ટોપ ઇટ નાઉ ... ધીસ ઈઝ બીગ ઈન્સલ્ટ ઓફ મી એન્ડ માય શાયરી' મારી પણ છટકી.
`અરે શાંત થાઓ. અરે ગ્રુપ ચલાવવું હશે તો આવા ઘટિયા શાયર ને એની ભંગારના પેટની શાયરી ચલાવવી પડશે. એની શાયરીઓ સાંભળવાની શરતે આજના આખા ફંક્શનનો ખર્ચો ઠાકરે આપ્યો છે' પ્રમુખે ભેદ ખોલ્યો.
`અરે, પણ આટલી ઘટિયા શાયરી સાંભળી ગ્રુપમાં કોઈને આઘાત લાગે ને લકવાનો હુમલો આવે તો જવાબદાર કોણ? ગ્રુપે કેટલું ને શું કામ સહન કરવાનું?. અરે બોલો બધા.' ચંદ્રકાંત ઉવાચ
`અરે મને એમ કે ગ્રુપ મને તક આપે તો મારું તકદીર બદલાઈ જાય એટલે.'
`હા પણ તારું તકદીર બદલવામાં અમને કેટલી તકલીફ પડી એ જોઈ? જો તારે ઘર ચલાવવાનું છે પણ મારે ગ્રુપ ચલાવવાનું છે. સમજ્યો? પછી પ્રમુખ મને એક બાજુ લઇ જઈ બોલ્યા `તારાથી ન ભડકાય એકદમ શાંત થઇ જા. સાંભળ પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે. સમજ્યો? આપણને ગમે એ નઈ પણ સામેવાળાને જે ભાવે એ પીરસાય' પ્રમુખે સમજાવ્યો.
`સોરી સમજી ગયો.. હવેથી પૂરી તૈયારી સાથે મેદાનમાં ઊતરીશ. બસ?'
શું કહો છો?