Thu Apr 23 2026

Logo

અજબ ગજબની દુનિયા

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

હેન્રી શાસ્ત્રી

યશોમતિ મૈયાસે બોલે નંદલાલા...

સંઘર્યો સાપ પણ કામ આવે કે ચપટી ધૂળ પણ કામ લાગે અને જૂનું એટલું સોનું તેમ જ હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો જેવી કહેવતોથી ‘મુંબઈ સમાચાર’ના વાચકો વાકેફ છે જ. કોઈ વસ્તુ ક્યારે કેટલી ઉપયોગી સાબિત થાય કે લાંબા સમય પછી વસ્તુનું મૂલ્ય આંખો પહોળી થઈ જાય એટલું વધી જાય એ એનો ભાવાર્થ છે. આપણા વિશ્વવિખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના ઓગણીસમી સદીના પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’ના તાજેતરમાં થયેલા લિલામમાં 167 કરોડ રૂપિયા ઉપજ્યા. ભારતીય પેન્ટિંગના ઉપજેલા દામનો આ રેકોર્ડ છે.

આ સાથે ગયા વર્ષે પેન્ટર એમ.એફ. હુસેનના ગ્રામ યાત્રા પેન્ટિંગનો લિલામીનો રેકોર્ડ (13.7 મિલિયન ડૉલર - આશરે 117 કરોડ રૂપિયા) તૂટી ગયો છે. રવિ વર્માના ચિત્રમાં યશોદા મૈયા ગાયને દોહી રહ્યાં છે અને બાલકૃષ્ણ હાથમાં પવાલો લઈ રાહ જોઈ રહેલા દેખાય છે. લાલાની આંખોમાં રમતિયાળ ભાવ આબાદ ઊપસી આવ્યા છે.

પાંચ વર્ષ પહેલાં વીસમી સદીના મહાન સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસોની 140મી જન્મજયંતી વખતે તેમની માસ્ટરપીસ કળાકૃતિઓના લાસ વેગસની પ્રખ્યાત હોટેલ અને કસીનોમાં લિલામી વેચાણ થયું ત્યારે અધધ અહીં શકાય એવા 10 કરોડ 89 લાખ ડૉલર ઉપજ્યા હતા. અચરજની વાત એ છે કે એક યુવતીના રેડ - ઑરેન્જ કેપના પોર્ટ્રેટના જ ચાર કરોડ ડૉલર આવ્યા. કલાકૃતિના શોખીનોના ખિસ્સા એટલા પહોળા અને એટલા ઊંડા હોય છે કે એની બોલી છાપરું ફાડીને આસમાનમાં વિહરવા લાગે છે.

પંખીડા તું ઊડી જાજે કતાર દેશ રે...

યુએસ-ઈઝરાયલ - ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે કેટલાક લોકો નવાણિયા કૂટાઈ ગયા છે એમાં આરબ દેશ કતારનો પણ સમાવેશ છે. કતારની રાજધાની દોહામાં અદ્યતન સગવડ ધરાવતી હોસ્પિટલમાં મોડર્ન સર્જરીમાં ઉપયોગમાં લેવાતા હાઈ ટેક સાધનો સાથે નર્સ, ડોક્ટર, વોર્ડબોય વગેરેની સતત ચહલપહલ જોવા મળે છે, પણ આ હોસ્પિટલમાં માનવ દરદી નથી, અહીં બાજ કે શકરા (ફાલ્કન) તરીકે ઓળખાતું શિકારી પક્ષી ચારેકોર જોવા મળે છે.

ર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ પક્ષીની ચાકરીમાં કોઈ બાંધછોડ નથી કરવામાં આવી. તાજેતરનાં વર્ષોમાં આ પક્ષીની ડિમાન્ડ વધી છે અને એને માટે યોજાતી રેસ અને બ્યુટી કોન્ટેસ્ટના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ફાલ્કન માંદું પડે કે એને કોઈ શારીરિક ઈજા થાય તો એને હોસ્પિટલમાં લાવવામાં આવે છે, જ્યાં એનું ચેકઅપ, મેડિકલ ટેસ્ટ, પીંછાં બદલવા, ઓર્થોપેડિક સર્જરી કરવી વગેરે ચીવટપૂર્વક કરવામાં આવે છે.

માનવ દરદી માટે જે હદે કાળજી લેવાય એટલી જ કદાચ એથી વધુ કાળજી આ પક્ષીની રાખવામાં આવે છે. ફાલ્કનના નહોરને આકાર આપવા (નેઈલ ફાઈલિંગ) પર વિશેષ ધ્યાન અપાય છે, કારણ કે રણમાં ઉડાઉડ કરતાં આ પંખીને દોહાની ગગનચુંબી - વૈભવશાળી ઈમારતમાં પોતાના નહોર ફિટ બેસે એવી જગ્યા સહેલાઈથી નથી મળતી. માનવ દરદી માટે જેમ બ્લડ બેન્ક હોય એમ અહીં ફાલ્કન માટે ફેધર્સ બેન્ક - પીંછાની બેન્ક છે. ‘પંખીડા તું ઊડી જાજે કતાર દેશ રે...’ એવું ગીત ત્યાં ગવડાવવું જોઈએ, નહીં!

પ્રેમિકા પંત બની Girlfriend Pant

અનુવાદ આસાન કામ નથી. ભાષા પર ગજબનાક પ્રભુત્વ ધરાવતા મધુ રાયે લખ્યું છે કે ‘અનુવાદ એટલે ઇન્વર્ટેડ કારપેટ. અનુવાદ એટલે ઊંધી જાજમ. મૂળ લખાણનો અનુવાદ વાંચીએ ત્યારે વેલબુટા ભરેલી રમ્ય જાજમને ઊંધી કરીને જોતા હોઈએ એવું લાગે. સવળી બાજુનો નયનરમ્ય ભાગ ઊંધો કરતાં ભરતનો બરછટ ભાગ દેખાય, મૂળ ડિઝાઇન કેવી હશે તેનો અંદાજ આવે, પરંતુ મૂળનું સૌંદર્ય ન દેખાય.’ જોકે, અનેકવાર એવા અનુવાદ જોવા મળે છે કે કપાળ કૂટવાનું મન થાય. અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે Lost in translation- મતલબ ભાષાંતર કરતી વખતે ગેરસમજ થવી કે મૂળ વાતનો અર્થ કે ભાવ ગોટે ચડી જવો.

 મધ્ય પ્રદેશના ગુના શહેરમાં આનો એક અજાયબ કિસ્સો જાહેરમાં આવ્યો છે. અનુવાદમાં લાપરવાહીને કારણે નગરપાલિકા હાંસીને પાત્ર બની છે. થયું એવું કે જનગણના માટે નગરપાલિકા દ્વારા 36 કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17થી 19 એપ્રિલ દરમિયાન એક કોલેજમાં તૈયાર કરવામાં આવેલી એક યાદી પર કેટલાક લોકોની નજર પડી તો કેટલાક લોકો સ્તબ્ધ થઈ ગયા, અમુક ખડખડાટ હસવા માંડ્યા તો ‘યે ક્યા હો રહા હૈ’ જેવો ભાવ પણ નજરે પડ્યો.

એક યુઝર આઈડીમાં Girlfriend Pant લખવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયામાં આ ઉદાહરણ વાયરલ થઈ ગયું અને સાબદા થયેલા તંત્રએ તપાસનો આદેશ આપતા ખબર પડી કે વ્યક્તિનું અસલી નામ ‘પ્રેમિકા પંત’ છે જેનો અંગ્રેજી અનુવાદ કોઈ ભેજાગેપ વ્યક્તિએ પ્રેમિકાનું ગર્લફ્રેન્ડ કરી નાખ્યો. લખનારે તો લખી નાખ્યું, પણ વરિષ્ઠ અધિકારીએ યાદી ચકાસ્યા વિના જ ઓકેની સાઈન પણ કરી દીધી. અર્થનો અનર્થ થઈ ગયો. પશ્ર્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સુનીલ કર્માકર નામની વ્યક્તિને વોટર કાર્ડ મળ્યું એમાં એમની તસવીરને બદલે શ્વાનનો ચહેરો નજરે પડ્યો. જોકે, ચૂંટણી પંચે માફી માગી ભૂલ સુધારી લીધી છે.

પ્રેમનો માર્ગ છે રોજગારનો, છે બેકારનું કામ જો ને

‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ ભક્તકવિ પ્રીતમદાસની આ પંક્તિમાં ભક્તિ માટે સાહસની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, ચીનના નોકરી વાંછુકોમાં આ પંક્તિ અલગ ભાવ સાથે પ્રચલિત થઈ હોય એવું લાગે છે. દેશનો યુવાવર્ગ નોકરી મેળવવા ઓફિસના આંટાફેરા મારવાને બદલે ડેટિંગ ઍપ્સ (પ્રેમીપાત્ર મેળવવાની સુવિધા) પર આંગળીઓને નર્તન કરાવી રહ્યો છે. તેમની આ પ્રવૃત્તિ જોઈ પ્રીતમદાસની પંક્તિ ‘પ્રેમનો માર્ગ છે રોજગારનો, છે બેકારનું કામ જો ને’ સ્વરૂપમાં કહેવી જોઈએ એવું નથી લાગતું? 

ચીનની સરકારી નીતિઓને કારણે લિંક્ડઇન અને ઈન - કરિયર જેવા પ્રોફેશનલ પ્લેટફોર્મ્સ દૂર કરી દેવામાં આવતા લોકોમાં નેટવર્કિંગની વિમાસણ ઊભી થઈ છે. આ વાતાવરણમાં ટિંડર, બમ્બલ અને ફેસબુક જેવા દિલસે મિલે દિલ માટેના ડેટિંગ પ્લેટફોર્મ્સ રોજગારના નવા અડ્ડા બની ગયા છે. 

‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારના અહેવાલ અનુસાર આ પ્લેટફોર્મ પર યુવતીઓ ડેટ્સ પર જવાને બદલે ‘કંપનીમાં મારી નોકરીનું કંઈક ગોઠવી આપો ને’ જેવી વિનવણીઓ કરી રહી છે. વાત એ હદે આગળ વધી કે નવા ઉમેદવારને શોધી રહેલી એક કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટે ડેટિંગ ઍપ પરથી જ ઉમેદવારની નોકરીનું પાકું કરી નાખ્યું. હવે તો અનેક યંગસ્ટર્સ ડેટિંગ ઍપને રોજગાર શોધવાના સાધન તરીકે વાપરી રહ્યા છે અને કંપનીઓ પણ ચાંપતી નજર રાખી રહી છે. કહે છે ને કે બધા દરવાજા બંધ થયા પછી એક અણધાર્યો નવો દરવાજો ખૂલી જતો હોય છે. રોમેન્સને બદલે રેઝ્યુમે (પ્રેમને બદલે નોકરીની અરજી)ને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.

લ્યો કરો વાત 

એકવીસમી સદીમાં વિજ્ઞાનનો પ્રભાવ પોલીસ - ગુનેગારની દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારના અહેવાલ મુજબ પોલીસ મચ્છરની મળેલી મદદને કારણે ગુનેગારનું પગેરું શોધી એને પકડવામાં સફળ રહી હતી. 

બન્યું એવું કે ઘરફોડી કરી ચોર કિંમતી માલ સામાન ઉઠાવી પલાયન થઈ ગયો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે હાથ સફાઈકરી લીધા પછી ભૂખ્યા - થાક્યા ચોરે નુડલ્સ બનાવી ખાધા અને મચ્છરથી રક્ષણ મેળવવા મોસ્કિટો કોઈલ સળગાવી બ્લેન્કેટ ઓઢી ઊંઘી ગયો હતો. પોલીસને બે મચ્છર મરેલા અને રૂમની ભીંત પર લોહીના ડાઘ નજરે પડ્યા.

ડાઘ તાજા હોવાથી એ લોહી ચોરનું હોવાનું અનુમાન બાંધી પોલીસે એને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે એ લોહી નામચીન ગુનેગારનું હતું અને પોલીસે એની ધરપકડ કરી. પૂછતાછમાં ગુનેગારે એ અને અન્ય ચાર ઘરફોડીની કબૂલાત કરી. આમ મચ્છરે પાંચ ઘરફોડીનો ભેદ ઉકેલી નાખ્યો.