ગૌરવ મશરૂવાળા
પૈસા અને ભૌતિકવાદ બાહ્ય બાબતો છે પણ તેનો દોરીસંચાર મનમાં જાગતી લાગણીઓ દ્વારા થાય છે. આપણામાં આંતરિક સમૃદ્ધિ નહીં હોય ત્યાં સુધી બાહ્ય સમૃદ્ધિ કે ભૌતિક સુખસુવિધાઓ આનંદ નહીં આપી શકે.
અંદરથી સમૃદ્ધ હોઈશું તો બાહ્ય સમૃદ્ધિ આપોઆપ આવશે. અંદરની અમીરી ગેરહાજર હશે તો બાહ્ય સમૃદ્ધિ આવી હશે તોય ઝાઝી ટકશે નહીં. આપણાં ચારિત્ર્ય, ઉછેર અને નીતિમૂલ્યોથી આંતરિક સમૃદ્ધિનું પોત ઘડાય છે. લાગણીઓ જેટલી શાંત અને સ્થિર, આંતરિક સમૃદ્ધિ એટલી મજબૂત, કૃતજ્ઞતા, ધીરજ અને આદરભાવ માણસમાં માનસિક શાંતિ પેદા કરે છે. પોતાનાં મન-હૃદયમાં જાગતી લાગણીઓ પ્રત્યેની જાગરૂકતા કરતાં મોટી કોઈ આંતરિક સમૃદ્ધિ નથી.
કોઈ પણ પ્રકારનો યોગાભ્યાસ આપણને ભીતર જોતાં શીખવે છે. ધ્યાનમાં બેસવાનો મતલબ એ નથી કે આ પ્રક્રિયા આખરે આપણને વૈરાગ્ય તરફ દોરી જશે. આમાં સંસારનો ત્યાગ કરવાની કોઈ વાત જ નથી. મામલો સંસારને માણવાનો છે. જેટલા વધારે શાંત હોઈશું, વર્તમાન એટલો વધારે માણી શકાશે. આંતરિક સ્તરે જેટલા વધારે મજબૂત હોઈશું, ધનસંપત્તિ એટલો વધારે આનંદ આપશે.
જો અંદરથી મજબૂત નહીં હોઈએ તો આપણે કાં તો અતીતમાં જીવતા હોઈશું અથવા તો ભવિષ્યના વિચારોમાં રમમાણ રહીશું. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને યાદ કરવાથી ક્રોધ, હતાશા, ચીડ, અસ્વસ્થતા જેવી લાગણીઓ પરેશાન કરતી રહે છે. એ જ પ્રમાણે ભવિષ્યની ચિંતા બેચેની, ભય અને અસલામતીનો અહેસાસ કરાવે છે. આ બેમાંથી એક પણ સ્થિતિ આપણને વર્તમાનમાં જીવવા નહીં દે. પૈસા બનાવવાના, પ્રખ્યાત થઈ જવાના કે કોઈની સાથે સ્પર્ધા કરવાના ઉદ્દેશ વગર કરવામાં આવતી શોખની પ્રવૃત્તિ પણ એક પ્રકારનું મેડિટેશન જ છે.
આપણે શું પસંદ કરીશું-કોઈ પણ જાતના માનસિક ઉદ્વેગ અને અસલામતીની લાગણી વગર પ્રિયજન સાથે બગીચામાં ધીમે ધીમે ટહેલવા જવું કે પાર વગરની ચિંતા, ચીડ અને માનસિક તાણ વચ્ચે વૈભવી ક્રૂઝની સફર કરવી?
બાહ્ય સંપત્તિનો સારી રીતે ઉપભોગ કરવા માટે આંતરિક સમૃદ્ધિ ખૂબ મહત્ત્વની છે તે વિશે આપણાં શાસ્ત્રોમાં વારંવાર ઉલ્લેખો કરવામાં આવ્યા છે. આપણે ખરેખર ભાગ્યવાળી છીએ કે આપણાં શાસ્ત્રોમાં સંપત્તિ વિશેના ડહાપણનાં અમૂલ્ય રત્નો ઠેરઠેર વેરાયેલાં છે. આપણે ઈચ્છીએ ત્યારે આ ખજાનો લૂંટી શકીએ છીએ.
સંપત્તિને લક્ષ્મીદેવીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે, કેમ કે સમૃદ્ધિની ઉપાસના અને લક્ષ્મીદેવીની ભક્તિ એકસમાન છે. દેવદેવીની ઉપાસના મન-હૃદયમાં શાંતિ પેદા કરે છે. ધાર્મિક સ્થળે ભીડભાડ અને ઘોંઘાટ હોવા છતાં આપણને ત્યાં આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ ક્ષણજીવી પણ હોઈ શકે ને પ્રલંબ પણ હોઈ શકે. આ લાગણીઓનું સાક્ષીભાવે નિરીક્ષણ કરજો. આ લાગણીઓને પૂરેપૂરી અનુભવજો. જેટલા વધારે શાંત હોઈશું એટલી આ લાગણીઓને વધારે તીવ્રતાથી માણી શકીશું.
શાંત મનમાં પેદા થતા વિચારો અને લાગણીઓથી આપણને ખલેલ પહોંચતી નથી. કૃતજ્ઞભાવ અને આદરભાવ ખલેલ પેદા કરતા નથી. આંતરિક સમૃદ્ધિ વગરની બ્રાહ્ય સંપત્તિ અહંકાર, લાલચ, અસલામતી, ઈર્ષ્યા અને બીજી કેટલીય જટિલ લાગણીઓ જન્માવે છે. દોમ દોમ સાહ્યબી હશે તો પણ આ લાગણીઓને કારણે આપણે તે માણી નહીં શકીએ. જો અદાલતમાં કેસ હારી જવાની ચિંતા હશે, ધનદોલત આગલી પેઢીના હાથમાં સોંપવાને કારણે અસલામતીની ભાવના જાગી હશે, નાણું બમણું કરી નાખવાની લાલચ હશે કે અપેક્ષાઓ અહંકારથી દોરવાયેલી હશે તો આપણી પાસે પાંચ કરોડ હોય કે પચાસ કરોડ, એનાથી કશોય અર્થ સરશે ખરો? આ બધી લાગણીઓથી મન સતત ઉચ્ચક રહેશે.
બાહ્ય કે ભૌતિક સંપત્તિની ઈચ્છા જરૂર રાખો અને તેને આંતરિક સમૃદ્ધિનો સંગાથ મળે એવી કામના કરો. ભૌતિક સંપત્તિનો આનંદ માણવાની ચાવી આંતરિક સમૃદ્ધિમાં રહેલી છે.
યોગિક વેલ્થ
કારને ચલાવવા માટે ચાર પૈડાંની જરૂર પડે. આર્થિક જીવનને ચલાવવા આ ચાર પૈડાં જોઈએ- કમાણી, ખર્ચ, અસ્ક્યામતો અને જવાબદારી. એ જ પ્રમાણે સમગ્ર જીવન ચલાવવા માટે આ ચાર સંપત્તિઓનાં પૈડાંની જરૂર પડે - સામાજિક, આર્થિક, શારીરિક તેમ જ માનસિક.