હેમંત વાળા
મૃત્યુનો ડર બધાને છે. મૃત્યુની વાસ્તવિકતાની જાણકારી ન હોવાથી મૃત્યુથી બધાં બચવા માંગે છે. મૃત્યુથી ત્યારે જ બચી શકાય જ્યારે માનવી કાં તો ચિરંજીવી હોય કાં તો અમર. ચિરંજીવી અને અમર વચ્ચે એક ભેદ છે.
સરળ ભાષામાં કહીએ તો શરીરમાં રહેલો પ્રાણ જ્યારે શરીરનો ત્યાગ કરે, શરીરની જીવનશક્તિ શરીરથી મુક્ત થઈ જાય અને તેને કારણે શરીર જડ બની રહે ત્યારે મૃત્યુ થયું છે તેમ કહેવાય. શારીરિક દ્રષ્ટિકોણથી મૃત્યુ સમયે શરીર નિષ્ક્રિય થઈ રહે, જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોની ક્ષમતા નાશ પામે, હૃદયની ધડકન અને શ્વાસોચ્છવાસ સાથે મગજની ક્રિયાઓ પણ બંધ થઈ જાય. મૃત્યુ સમયે મન, બુદ્ધિ, ચિત્ત બધું જ જાણે શૂન્યતામાં પ્રવેશી જાય. તે સમયે માત્ર નિશ્ર્ચેતન દેહ પડ્યો રહે.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવાં જઈએ તો એમ કહેવાય કે મૃત્યુ માત્ર શરીરનું થાય છે, આત્માનું નહીં. નાશવંત તો શરીર છે, તેમાં રહેલી ચેતના નહીં. મૃત્યુ સમયે આત્મા એક દેહનો ત્યાગ કરી બીજો દેહ ધારણ કરે છે. ગીતામાં કહેવાયું છે કે ‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ:’ અર્થાત્ જે જન્મ ધારણ કરે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ અને મૃત્યુ તો આત્માનાં બે પડાવ માત્ર છે. દાર્શનિક દ્રષ્ટિકોણથી પણ મૃત્યુને એક પરિવર્તન તરીકે દર્શાવવામાં આવે છે. અહીં મૃત્યુને ચક્રના એક સ્થાન તરીકે સ્થાપિત કરાય છે.
કહેવાય છે કે મૃત્યુ એ અંત પણ છે અને નવી શરૂઆત પણ. આ બધી સમજ સ્થાપિત હોવા છતાં પણ માનવી મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરતાં રહે છે. એમ જણાય છે કે મૃત્યુનો માનવીને ડર છે અને તેથી જ શક્ય તેટલાં લાંબાં આયુષ્ય માટે પ્રયત્ન થતાં હોય છે. આ પ્રયત્ન એટલે, લગભગ, ચિરંજીવી કે અમર થવાનાં પ્રયત્ન.
ચિરંજીવી શબ્દ ‘ચિર+જીવી’થી બનેલો છે. ચિર એટલે દીર્ઘ અને જીવી એટલે જીવન. જે માનવી લાંબા સમય સુધી જીવિત રહે તેને ચિરંજીવી કહેવાય. પરંતુ કોઈ કાળાંતરે તો તે મૃત્યુ પામે. ‘કલ્પ’ના અંત સુધી તેઓ જીવિત રહી શકે પરંતુ ‘કલ્પ’ના અંત વખતે તો તેમનો લય નિશ્ર્ચિત હોય છે. અમર શબ્દનો અર્થ અ-મર થાય અર્થાત્ તે માનવી ક્યારેય મૃત્યુ ન પામે. જે માનવી અવિનાશી હોય અને જેને કાળ સ્પર્શી ન શકે તે માનવી અમર કહેવાય. હવે જ્યારે ગીતામાં એમ જણાવ્યું હોય કે જે માનવી જન્મ પામે છે તેનું મૃત્યુ નક્કી હોય છે, તો પછી એમ કહી શકાય કે દરેક માનવી એક સમયે તો મૃત્યુ પામે જ.
પ્રશ્ન એ થાય કે જન્મ કોનો નથી થતો. જવાબ છે ‘આત્મા’; અને તેથી જ કહેવાય છે કે માત્ર આત્મા- પરમાત્મા અમર છે. એક ધારણા પ્રમાણે દેવતાઓ પણ અમર છે. સમુદ્રમાંથી નીકળેલું અમૃત પીને તેઓ અમરત્વને પામ્યાં છે. પરંતુ એક પણ માનવી, એક પણ શરીર અમર ન હોઈ શકે. પૌરાણિક કથામાં પણ જ્યારે ‘વરદાન’ની વાત આવે ત્યારે ક્યારેય અમરત્વ નથી અપાતું. માનવી માટે ચિરંજીવી બનવું શક્ય છે અમર નહીં.
શાસ્ત્રમાં સાત, અને ક્યારેક આઠ ચિરંજીવીની વાત થાય છે. દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા એક અભિશાપને કારણે ચિરંજીવી બનેલ છે. વિરોચનના પુત્ર દૈત્યરાજ બલિ, વિષ્ણુની કૃપાથી ચિરંજીવીપણું પામ્યા. આજે પણ પાતાળ લોકમાં તેઓ સ્થિત છે. પરાશર ઋષિના પુત્ર, મહાભારતના રચયિતા, વેદને સંકલિત કરનાર મહર્ષિ વ્યાસને કલિયુગમાં માનવ જાતને ધર્મનું જ્ઞાન આપી શકે તે માટે ચિરંજીવીપણું મળ્યું છે. શ્રીરામના અનન્ય ભક્ત, અંજના અને કેસરીના પુત્ર હનુમાનજી શ્રીરામના આશીર્વાદથી ચિરંજીવ બન્યાં છે.
સૃષ્ટિમાં જ્યાં પણ રામકથા હશે ત્યાં હનુમાનજી સાક્ષાત હાજર હશે. શ્રીરામના જ અન્ય એક ભક્ત અને રાવણના ભાઈ વિભીષણ પણ શ્રીરામના આશીર્વાદથી સત્ય, ધર્મ, ન્યાય અને ભક્તિના પ્રસાર માટે ચિરંજીવપણું પામ્યાં. જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામ વિષ્ણુના દસમા અવતાર શ્રી કલકીને શસ્ત્રવિદ્યાની દીક્ષા આપવા જીવંત છે. શરદ્વાન ઋષિના પુત્ર અને કુરુવંશના કુલગુરુ કૃપાચાર્ય યુગો સુધી ધર્મની ભાવનાને સ્થાપિત કરી શકે તે માટે શ્રીકૃષ્ણ તરફથી ચિરંજીવી રહેવાનું વરદાન પ્રાપ્ત થયું છે. માર્કંડેય મુનિ મહાદેવની કૃપાથી કાળદેવને હરાવીને ચિરંજીવી બન્યાં છે.
સમજવાની વાત એ છે કે આમાંથી એક પણ માનવીએ પોતે ચિરંજીવી બનવાનો પ્રયત્ન ન હતો કર્યો. તેમનું ચિરંજીવીપણું તેમનાં કર્મફળને આધારિત છે. વળી, અશ્વત્થામાને બાદ કરીએ તો બધાં જ ચિરંજીવી પોતાની સાત્ત્વિકતા, ધર્મનું અનુસરણ, કર્તવ્ય પરાયણતા, સત્યનિષ્ઠા, સાધુતા, સામાજિક કૃતનિશ્ર્ચયતા, ઉચ્ચ નૈતિકતા તથા પરમ આધ્યાત્મિકતાને કારણે ચિરંજીવીપણું પામ્યા. આમાંથી એક પણ માનવીએ ભોગવિલાસ માટે વધારાના આયુષ્યની માગણી નહોતી કરી. પોતાની પવિત્રતા અને શુદ્ધતાને કારણે તેમને ‘સીમા’ સુધીનું લાંબું આયુષ્ય પ્રાપ્ત થયું.
પૌરાણિક ઇતિહાસમાં ક્યારેક જોવાં મળશે કે કેટલાક અસુરોને તપ કરવાથી વરદાન પ્રાપ્ત થયું હતું તેમણે અમરત્વ માંગેલું, પણ તે તેમને આપવામાં નહોતું આવ્યું. માત્ર તેમનાં મૃત્યુનું નિર્ધારણ કઠિન બનાવાયેલું. મૃત્યુ તો નક્કી હતું. મૃત્યુ તો નક્કી છે. છતાં પણ પ્રયત્ન એ દિશાના હોય છે કે મૃત્યુ ટળી જાય. મૃત્યુનો વિરોધ હાસ્યાસ્પદ ઘટના છે. સમજવાની વાત એ છે કે લાંબું આયુષ્ય એ હેતુ નથી પરંતુ પરિણામ છે. લાંબું આયુષ્ય માંગવાનું ન હોય તે પ્રાપ્ત થઈ જાય. ચિરંજીવીપણું એ કરેલાં કર્મથી પ્રાપ્ત થયેલી ફળ સમાન ઘટના છે. યોગ્ય રીતે કર્મ કરવામાં આવે તો અકલ્પનીય આયુષ્ય પણ પ્રાપ્ત થઈ શકે.