ગત અંકમાં સ્વભાવ-નિયત કર્મને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ સદોષ સહજ કર્મ ઉપર પ્રકાશ પાથરે છે.
સારંગપ્રીત
ગત સપ્તાહે એક મિત્ર મળવા આવેલા. તેમણે તેમના પાડોશી રઘુભાઈની વાત ઉપાડી. રઘુભાઈ વ્યવસાયે ગણિતના પ્રાધ્યાપક, સ્વભાવથી અત્યંત ચોકસાઈપ્રિય. જીવન તેમના માટે કોઈ ખુલ્લું આકાશ નહોતું; તે તો માપેલી રેખાઓનું કોષ્ટક હતું. ઘર હોય કે વર્ગખંડ, દરેક વસ્તુમાં પરફેક્શન જોઈએ. પછી તે સમય હોય, વ્યવસ્થા હોય, કે સંબંધો હોય!
રઘુભાઈના ઘરે સવાર ઘડિયાળથી નહીં, પરંતુ તેમની પરફેક્શનવાળી નજરથી શરૂ થતી. પત્ની સરસ્વતીબહેન ચા બનાવે ત્યારે દૂધનું પ્રમાણ થોડું વધારે કે ઓછું થઈ જાય તો ચહેરા પર અસંતોષની લકીર તરત દેખાઈ જાય. દીકરી પરીક્ષામાં 95 ટકા લાવે ત્યારે પણ પ્રશ્ન ઊભો થાય, બાકી પાંચ ટકા ક્યાં ગયા? પ્રશંસા તો ક્યારેય કરે જ નહિ; પણ ખામી હંમેશાં સ્પષ્ટ દેખાતી.
શરૂઆતમાં પરિવારજનોએ આ બધું સહન કર્યું. એ તો એવા જ છે, કહીને વાત ટાળી દીધી, પરંતુ સમય જતાં પરફેક્શનનો આ આગ્રહ ઘરમાં ડર, દબાણ અને અલગાવમાં પરિણમ્યો. એક દિવસ દીકરીએ ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો. ચિત્રમાં ભાવ હતો, રંગોમાં સંવેદના હતી. પરિણામ આવ્યું, બીજો ક્રમ. દીકરી ખુશ હતી; આંખોમાં આત્મવિશ્વાસ ચમકતો હતો. રઘુભાઈએ ચિત્ર જોયું, થોડું મૌન રાખ્યું અને કહ્યું, રેખાઓ હજી પરફેક્ટ નથી, એટલે પહેલો નંબર ગયો. એ એક વાક્યે દીકરીની ખુશી મૌનમાં ફેરવી દીધી. તે દિવસે તેણે પોતાના રંગો બંધ કરી દીધા.
પત્નીએ પણ હવે ફક્ત કામ પૂરતું જ બોલવાનું રાખ્યું. દીકરીએ પોતાની વાત શેર કરવી બંધ કરી દીધી. ઘર હોવા છતાં ત્યાં ઉષ્મા નહોતી; બધું ગોઠવાયેલું હતું, પણ જીવંત નહોતું. હા, સંબંધો તૂટ્યા નહોતા, સુકાઈ ગયા હતા.
એક સાંજે રઘુભાઈ એકલા બેઠા હતા. ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી. એવી શાંતિ જે ચુભે. તેમાં તેમને જૂના ઉષ્મા ભર્યા સંબંધો યાદ આવ્યા. અત્યારે કંઇક ખૂટે છે એવો એહસાસ થવા લાગ્યો. ત્યારે અચાનક સમજાયું કે તેમણે જીવનમાં બધું પરફેક્ટ રાખવાનો પ્રયત્ન કર્યો, પણ સંબંધોને જીવવા દીધા નહીં. સંબંધો માપથી નહીં, માનવતાથી ટકતા હોય છે, આ સત્ય સમજાય ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.
એટલે જ તો ગીતા કહે છે કે પોતાનું સહજ કાર્ય, સહજ શૈલી દોષયુક્ત હોય પણ તેને તજીને બીજાની શૈલીને પરફેક્ટ જાણીને એ રીત અપનાવાનો કે બીજા પર થોપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હા, પોતાના કાર્યમાં દોષ ટાળવાનો પ્રયત્ન અવશ્ય કરવો. દોષો ટાળીને પ્રગતિ કરવી આપણી ફરજ છે. પરંતુ તેમાં 100 ટકા પરફેક્શનનો આગ્રહ ઘણી વાર માણસને નિર્જીવ બનાવી દે છે.
માનવ મનની એક વિશેષ નબળાઈ છે. તે સંપૂર્ણતાની કલ્પનામાં અટવાઈ જાય છે. સંપૂર્ણ થઈશ ત્યાર પછી શરૂ કરીશ એવો વિચાર ઘણી વાર જીવનને આગળ વધતા અટકાવી દે છે. પરફેક્શન એક આદર્શ છે, એક કલ્પિત શિખર છે; જ્યારે પ્રગતિ જીવંત યાત્રા છે, સતત ચાલતી, શ્વાસ લેતી હકીકત. જીવન પરફેક્શનથી નથી ચાલતું, તે તો નાની-નાની પ્રગતિના પગથિયાં પર આગળ વધે છે.
પરફેક્શનનો મોહ માણસને નિષ્ક્રિય બનાવી દે છે. તે કહે છે, હજુ તૈયાર નથી, હજુ ખામી છે, હજુ વધુ સુધારું જોઈએ. પરિણામે શરૂઆત જ થતી નથી. જ્યારે પ્રગતિ કહે છે, આજે જેટલું બની શકે તેટલું કર, બાકી કાલે સુધરશે. જીવનમાં જે કંઈ સિદ્ધ થયું છે તે પૂર્ણતાથી નહીં, પરંતુ સતત પ્રયત્નથી થયું છે. ખેડૂત બીજ વાવતાં પહેલાં જમીન સંપૂર્ણ છે કે નહીં તે તપાસતો નથી; તે તો વિશ્વાસપૂર્વક બીજ વાવે છે. પછી વરસાદ, સૂર્ય અને સમય સાથે પાક ધીમે ધીમે પક્વ થાય છે.
બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે તે વારંવાર પડે છે. જો તે હું પરફેક્ટ ચાલું ત્યાર પછી જ ઊભો રહીશ એમ વિચારે, તો કદાચ ક્યારેય ચાલે જ નહીં. પડવું, ઊભું થવું અને ફરી પ્રયત્ન કરવો આ જ પ્રગતિનું સાચું સ્વરૂપ છે.
મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે સમાજ, સોશ્યલ મીડિયા, સરખામણીઓ, બધું જ આપણને કહે છે કે શ્રેષ્ઠ બન, સંપૂર્ણ બન. પરંતુ આ દોડમાં માણસ પોતાનો સ્વાભાવિક ગતિપથ ભૂલી જાય છે. પ્રગતિ વ્યક્તિગત છે; તે બીજાની સાથે તુલના માગતી નથી. આજે હું ગઈકાલ કરતાં થોડો સારું કરું, એટલું જ પૂરતું છે. હા, પૂર્ણતાનો લક્ષ્ય જરૂર રાખવો પણ નાની પ્રગતિને માણતા પણ આવડવું જોઈએ.