Mon May 25 2026

Logo

સંગમતીર્થ સંતઃ હું શાંતિ ને સત્યનો ઉપદેશક છું

1 hour ago
Author: Harish Vatavwala
Article Image

હરીશ વટાવવાળા

સંત શ્રી ગૌરીશંકર પણ એમની પરાવાણીથી સૌનાં મન અને હૃદયને જીતી લેતા હતા.

તેઓ માનતા કે: ‘ઈશ્ર્વરે મને કોઈક નિશ્ર્ચિત કાર્ય કરવા માટે પેદા કર્યો છે. ઈશ્ર્વરે જે કામ મને સોંપ્યું છે, તે મારે કરવાનું છે. એ જ મારું જીવનધ્યેય છે. કદાચ આ જન્મે હું તે કાર્ય પૂર્ણ ન કરી શકું અથવા તો જાણી ન શકું તો તે કાર્ય પછીના જન્મમાં પણ પૂર્ણ કરીશ. આવતા જન્મમાં મારે કરવાનાં કાર્યો ઈશ્ર્વર મને જણાવશે. હું તેના કાર્ય માટે જ છું. 

દેવ જેમ સ્વર્ગમાં કાર્ય કરે છે, તેવાં જ કાર્યો કરવા મને અહીં પૃથ્વી ઉપર મોકલ્યો છે. જો હું મને સોંપવામાં આવેલ કાર્યમાં નિષ્ફળ જાઉં તો તે ઈશ્ર્વર મારા સ્થાને બીજાને ઉત્પન્ન કરશે, પણ મારા કાર્યમાં મારે ભાગ ભજવવાનો છે. હું તો માત્ર સાંકળમાંનો અંકોડો જ છું. વ્યક્તિઓને જોડનારી માત્ર કડી જ છું. મને ઈશ્ર્વરે કશા ઉપયોગ વિનાનો પેદા કર્યો નથી. હું ભૂલ કરતાં કરતાં પણ ઈશ્ર્વર પ્રેરિત કાર્યો કરતો રહીશ. હું શાંતિ અને સત્યનો ઉપદેશક છું. હું ઈશ્ર્વરની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરીશ અને વર્તીશ.’

દૂધમાં સાકર મેળવીએ તો દૂધની મધુરતા વધી જાય છે. તેમ સંતની જ્ઞાનવાણી સાંભળવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. આપણે શબ્દનું મૂલ્ય સમજીએ છીએ. શબ્દબ્રહ્મના ‘નાદબ્રહ્મ’માં જે સંત વિચરણ કરે છે તે સતત ‘સમાધિયોગ’માં રહેતા હોય છે. જેને નાદનું અનુસંધાન થાય છે તે પરમ દિવ્યપદના અધિકારી બને છે. સંત રવિદાસજીએ એક પદમાં કહ્યું છે:

ઝળહળ જ્યોત અખંડિત ઝળકે,
અનહદ નાદ બજાયા હૈ.

સંત શ્રી ગૌરીશંકર મહારાજની રહેણીકરણી સાવ સાદી હતી અને તેઓ તે અસંગી હતા. તેમને તો સત્યનામ-પરમાત્માનું નામ અત્યંત પ્રિય હતું, જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પણ તેને પાણીનો સંગ થતો નથી. એ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી વિરક્ત હતા. ગુરુવચને કૃષ્ણસ્મરણ અને ભાગવત્ભક્તિ તેમના માટે મહત્ત્વનાં હતાં. તેમણે ક્યારેય ગુરુવચનનું ઉલ્લંઘન કર્યું નથી, જે ગુરુવચનનું ઉલ્લંઘન કરતા નથી તેવા શિષ્ય પોતે તો સંસારસાગર તરી જાય છે અને બીજાને પણ તારે છે.

નામસ્મરણનો મહિમા સમજાવતાં સંત શ્રી ગૌરીશંકર મહારાજ કહે છે: ‘આ શરીર માટી અર્થાત્ પંચભૂતોનું બનેલું છે. એક દિવસ તે પણ માટીમાં જ મળવાનું છે. પવનમાં જેમ પવન સમાઈ જાય છે તેમ તે પણ માટીમાં સમાઈ જવાનું છે, અગ્નિમાં બળીને રાખ થઈ જવાનું છે. શરીરનાં પાંચે તત્ત્વો પોતપોતાના કારણમાં સમાઈ જવાનાં છે. 

આ શરીર મિથ્યા છે, સંસારની માયા મિથ્યા છે, સંસાર મિથ્યા છે, સ્ત્રી-સંતાનો બધાં વળગણ છે. આખો સંસાર મિથ્યા ભૂતજગત પર વિશ્ર્વાસ કરી રહ્યો છે. જે મિથ્યા છે તેને આપણે સત્ય સમજી બેઠા છીએ. માટે આ બધાંથી અલિપ્ત થઈ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું, ભાગવતના શ્રોતા બનવું, વાંચવું, વંચાવવું એ જ સત્યનો માર્ગ છે, આત્મોન્નતિનો માર્ગ છે. એક વખત સ્મરણનો મહિમા સમજાશે ત્યાર પછી એનો અમલ ઊતરતો નથી, બલકે સવાયો થતો જાય છે. આ અમલ જેને ચઢે છે તે સંસાર તરી જાય છે. એટલે જ કહ્યું હશે : ‘રામ અમલમાં રાતામાતા.’ 

સદ્ગુરુની પ્રાપ્તિ થતાં જેમ અગ્નિમાં સોનું નાખીએ તો તે ઓગળે તો ખરું પણ શુદ્ધ ન થાય. શુદ્ધ તો ત્યારે જ થાય તેમાં ‘સુહાગો’ મેળવીએ તો જ શુદ્ધ થાય છે. તે રીતે સિદ્ધવસ્થાને પામેલા સદ્ગુરુની પ્રાપ્તિ થતાં આત્માને પરમાત્મા તરફ જવાનો રસ્તો પ્રાપ્ત થાય છે. આત્મા-પરમાત્મામાં ભળી જાય છે, જીવમાંથી શિવ થઈ જવાય છે અને આત્મા શુદ્ધ થઈ જાય છે.

સદ્ગુરુ કબીરજીએ એમના એક દોહરામાં કહ્યું છે:

રામ ઝરોખે બૈઠ કે, સબકા મુજરા લેય,
જૈસી જિસકી ચાકરી, તૈસા તિસકો દેય.

અર્થાત્:

‘પરમાત્મા સ્વમહિમારૂપી ઝરૂખામાં બેસીને બધાંનાં લેખાં-જોખાં લેતા રહે છે. જેવી જેની ચાકરી અર્થાત્ જેવું જેનું મન, જેવું જેનું કર્મ તેવું જ તેને ફળ મળે છે.’

નામસ્મરણનો મહિમા તો જે સિદ્ધાવસ્થાને પામ્યા છે એ ગુરુ જ સમજાવી શકે. એ મહિમા સમજાયા પછી તૃપ્તિ અને સંતોષનો ઓડકાર આવી જાય છે.

એક દિવસ રાત્રિના સમયે સંત શ્રી ગૌરીશંકર મહારાજ નિદ્રાગ્રસ્ત સૂઈ રહ્યા હતા. ભર ઊંઘમાં એક સંત તેમના સ્વપ્નમાં હાજર થયા. તેમના આગમનથી ચારે તરફ પ્રકાશપુંજ ફેલાઈ ગયો. તેમની આંખો અંજાઈ ગઈ. તેમણે આશીર્વાદ આપતાં કહ્યું: ‘બેટા, તું બડા ભાગ્યવાન હૈ, ભગવાન શ્રીકૃષ્ણ તેરે દ્વારા અનેક કલ્યાણકારી કામ કરાયેંગે. તેરા નામ સંસાર મેં અમર હો જાયેગા...’ આ ધ્વનિ સાંભળતાં જ તેઓ જાગી ગયા અને જોયું તો એક પ્રકાશપુંજ ઘરના મંદિર તરફ જઈ રહ્યો હતો. અહીં ભક્ત અને ભગવાનનું મિલન થયું અને એમણે આ પદ ગાયું:

રૂપ તમારું સોહામણું શામળિયા રે,
સુંદર મુખડું સોહે રૂપાળું શામળિયા રે,

સંત શ્રી ગૌરીશંકર મહારાજ રૂઢિગત કે રૂઢિજડ સંત નહોતા તેમના તો રોહિત, હરિજન, બ્રાહ્મણ, મુસ્લિમ એમ સર્વે વર્ણોના શિષ્યો હતા, જેને કારણે રૂઢિચુસ્ત સામે ઉહાપોહ પણ કરતા હતા. તેમનો ચહેરો તેજસ્વી અને સૌમ્ય હતો. સતત કાર્યશીલ, જ્ઞાનપિપાસુ અને જ્ઞાનરસિક સાધુ હતા. તેમની વાણી, વર્તન અને કાર્યમાં સતત સાધુત્વ પ્રકટતું હતું. સરળ પ્રકૃતિ, વિશાળ હૃદય, માયાળુ સ્વભાવ, પરોપકારવૃત્તિ અને હસમુખ છતાં ગંભીર વદન, માયાળુ છતાં સ્વભાવે તીખા અને પોતાનું જ ધાર્યું થાય તેવી વૃત્તિવાળા, દુશ્મન સાથે પણ સમભાવ રાખતા. 

કોઈના પ્રત્યે દ્વેષ, વેરવૃત્તિ, દુર્ભાવ કે કઠોર વચન પણ ઉચ્ચારતા નહોતા. શ્રી ગૌરીશંકરના ત્રીજા પુત્ર શ્રી લાભશંકર ત્રિવેદી તેમનું સ્મરણ કરતાં કહે છે: ‘મારા સદ્ગુરુ અને જન્મદાતા એવા પિતાશ્રીનું સ્મરણ કરતાં હું ધન્ય ધન્ય થઈ જાઉં છું. તેઓ તો પરોપકારની મૂર્તિ સમા, દુશ્મન ઉપર પણ આશીર્વાદ વરસાવી ઉપકાર કરતા એવા સરળ, નિષ્કપટ સ્વભાવ, મહેનતુ અને પરગજુ સ્વભાવના હતા. નરસિંહ મહેતાની કાવ્યપંક્તિ: ‘પર દુ:ખે ઉપકાર કરે તો’યે મન અભિમાન ન લાવે રે’ એવા વૈષ્ણવી સ્વભાવના હતા. ઘરની સ્થિતિને અનુકૂળ થઈને સંતુષ્ટ રહેવાની કળા તેમણે સ્વભાવગત કરી હતી.’

(ક્રમશ:)