Mon May 25 2026

Logo

ચિંતનઃ એકાંતે સુખમાસ્યતામ- એકાંતમાં સુખ છે...

52 minutes ago
Author: Hemu Bhikhu
Article Image

હેમુ ભીખુ

એકાંતમાં જ સુખ છે. એકાંતમાં જ શાંતિ છે. એકાંતમાં ભક્તિ, ચિંતન, યોગ, ધ્યાન, આત્મમંથન, મનન, પ્રાર્થના, જપ, તપ, સ્મરણ, જ્ઞાન પ્રાપ્તિ માટે અભ્યાસ - બધું જ કોઈપણ પ્રકારની ખલેલ વગર સરળતાથી થવાની સંભાવના વધુ હોય. આ બધી પ્રક્રિયા જ્યારે સફળતાથી પાર પડે ત્યારે આપમેળે સુખ અને શાંતિની પ્રતીતિ થાય.

હું કોણ છું, મારા જીવનનું ધ્યેય કયું, મારું જીવન અસ્તિત્વ કયા કારણસર અને કયાં પરિબળો હેઠળ અસ્તિત્વમાં આવ્યું, મારી શરૂઆતની સ્થિતિ કઈ હતી અને અંતિમ સ્થિતિ કઈ હશે, આ સમગ્ર પ્રપંચ કયાં કારણે અસ્તિત્વમાં આવ્યો અને શેના આધારે ટકી રહે છે - આ પ્રકારના પ્રશ્નોનો જવાબ અંતરાત્મામાંથી પ્રગટ થઈ શકે તે માટે એકાંતની આવશ્યકતા પર દરેક સંસ્કૃતિમાં ભાર અપાયું છે. એમ કહી શકાય કે સમાજના કોલાહલથી દૂર, સામાજિક ભાગદોડથી મુક્ત બની, દરેક પ્રકારનાં બંધનનો ત્યાગ કરી, વ્યક્તિ ભૌતિક એકાંત પ્રાપ્ત કરી શકે. સમાજથી દૂર થતાં જે તે ઇન્દ્રિયલક્ષી પ્રલોભનો પણ દૂર થતાં જાય. 

એકાંતને કારણે કોઈપણ પ્રકારની ઈત્તર પ્રવૃત્તિ ન રહેતી હોવાથી ધ્યેય સિદ્ધ કરવા વધુ સમય મળી શકે. અહીં કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી અહંકાર જેવો દોષ પણ દૂર રહે. એકાંતમાં સંપર્કમાં આવતી પરિસ્થિતિ પણ સીમિત અને મર્યાદિત હોવાથી ચોક્કસ પ્રકારનો રાગદ્વેષ ઉદ્ ઉદ્ભવવાની સંભાવના પણ ઓછી રહે. અન્ય વ્યક્તિની ગેરહાજરી હોવાથી અહીં કોઈપણ પ્રકારનો સંવાદ પણ શક્ય ન બને. બહારની દુનિયા સાથેનો સંપર્ક ઓછો થવાથી અંદરની યાત્રા શરૂ થાય- અસ્તિત્વ અંતર્મુખ થાય અને આ સમગ્ર પ્રક્રિયામાં દુન્યવી કે ભૌતિક કુતૂહલ ઓછું થાય. એકાંત એ બાહ્ય દુનિયા સાથે સાથે અંદરનાં ઘોંઘાટ ભરેલાં અજ્ઞાનથી મુક્ત થવાનો પણ માર્ગ છે.

આધુનિક જીવનમાં ચારે તરફ જે શોર-બકોર વર્તાય છે તેને કારણે માનવી શાંતિ ગુમાવી બેસે છે. એક પછી એક ક્રમમાં ઊભાં થતાં કામ, સંબંધોને જે તે સ્વરૂપે ટકાવી રાખવાની જવાબદારી, ઉત્તરદાયિત્વ સમાન સ્થાપિત થયેલ ધર્મની જટિલ નિભાવણી, સાંસારિક સમીકરણોને પરિણામે ઉદ્ભવતી નવી નવી આશા અને અપેક્ષા, સરખામણીને કારણે અનુભવાતી અછત, જાતજાતના પ્રલોભનોથી દૂર રહેવાની આવશ્યકતા, અર્થહીન કહી શકાય તે પ્રકારની પ્રવૃત્તિ માટે લગાવ સ્થાપિત થાય તે પ્રમાણેનાં ચોક્કસ માનવ સમૂહ દ્વારા કરાતાં પ્રયત્ન- આ અને આવી બાબતો મનને સતત વિચલિત કરી શકે, વિક્ષેપિત રાખી શકે. 

કોઈપણ પ્રકારનાં અધ્યાત્મિક વિકાસ માટે આ એક જોખમી પરિસ્થિતિ કહેવાય. ભૌતિક કે સામાજિક એકાંત પ્રાપ્ત થતાં માનસિક એકાંત પણ ઉદભવી શકે. એકાંત માનસિક હોય તે વધુ જરૂરી છે. માનસિક એકાંત એટલે એવી સ્થિતિ કે જ્યાં મન લગભગ શૂન્યતામાં પ્રવેશી જાય. માનસિક એકાંત એટલે શાસ્ત્રીય સાધના તરફ જવાનું અગત્યનું સોપાન. એકાંતમાં જ્યારે મન પરત ફરે ત્યારે ઇન્દ્રિયો નિયંત્રણમાં આવે તેવી શક્યતા વધી જાય. અહીંનો સંવાદ અંતરાત્મા સાથેનો હોય. 

એકાંતમાં મન સરળતાથી સ્થિર થઈ શકે, વિચારો પોતાનો વેગ અને વ્યાપ ગુમાવવાની શરૂઆત કરે અને આ પ્રક્રિયાથી કેટલીક બાબતોમાં સ્પષ્ટતા મળતી જાય, શરીરની પ્રત્યેક ક્રિયા સૌમ્ય બનતી જાય. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ પછી જે પ્રત્યાહાર, ધારણાં, ધ્યાન અને સમાધિના તબક્કા આવે તેમાં મનનું નિયંત્રણ અર્થાત માનસિક એકાંતનું મહત્ત્વ ઘણું રહે. સનાતનની પરંપરા પ્રમાણે શ્વાસ પર ધ્યાન એકત્રિત કરવાથી માનસિક એકાંત સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એકાંતમાં કાળક્રમે બધી ઈતર બાબતોની બાદબાકી થતી જાય અને અંતે જે બાકી રહે તે પરમેશ્વર, તે તે તત્ત્વ.

જ્યાં એકાંત હોય ત્યાં સામાન્ય રીતે અન્ય માનવીની હાજરી ન હોય. પરિણામે ત્યાં કુદરતી માહોલ પોતાની જ રીતે વિકસ્યો હોય. કુદરતી માહોલમાં ઈશ્વરની સ્વાભાવિક અને વાસ્તવિક રચનાઓ પ્રત્યે વધુ ધ્યાન જઈ શકે, જેનાથી ઈશ્વરની સૃષ્ટિ તથા ઈશ્વર માટેનું કુતૂહલ દૃઢ બની શકે. 

શરૂઆતમાં એકાંત ડરાવી પણ જાય, પરંતુ એકાંત જ્યારે સકારાત્મક પરિણામ આપવા લાગે ત્યારે તે ડર પણ આશીર્વાદ સમાન જણાય. સમજવાનું એ છે કે એકાંત એ એકલતા નથી. એકલતા કદાચ ખટકે પરંતુ એકાંતમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ન હોય. એકલતા સમાજે આપેલી ઘટના સમાન હોઈ શકે જ્યારે એકાંત એ વ્યક્તિગત પસંદગી છે. એકલતામાં વ્યક્તિ એકલો પડી જાય જ્યારે એકાંતમાં જાત સાથે જોડાતો જાય.

પ્રાચીન ઋષિ-મુનિઓએ જંગલમાં એકાંત પાળીને તપસ્યા કરી હતી. તેમણે એકાંતમાં કરેલી સાધનાને પરિણામે અંતિમ જ્ઞાન તેમજ અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેમની આ સિદ્ધિમાં એકાંતનો ફાળો નોંધપાત્ર રહ્યો હશે. અહીં જ તેમને સાક્ષાત્કાર થયો હશે. સનાતનની સંસ્કૃતિની વેદ-પુરાણ જેવી મહાન રચનાઓની વિભાવના પણ એકાંતમાં જ સ્થાપિત થઈ હશે. 

સનાતનની સંસ્કૃતિનાં અન્ય મહાન સાધકોની જેમ બુદ્ધ અને મહાવીરે પણ જીવનના એક તબક્કે એકાંત સ્વીકાર્યું હતું. આમ પણ સનાતની સંસ્કૃતિમાં ઘણાં સ્થાને એકાંતનું મહત્ત્વ સ્થાપિત કરાયું છે. લોકગીત સમાન બની ગયેલી ભક્ત કવિઓની ઘણી રચનામાં એકાંતનું મહત્વ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. પોતાના એક પદમાં જ્યારે ગંગા સતી એમ કહે કે ‘એકાંતે બેસીને અલખને આરાધે’, ત્યારે તેમાં ઘણું કહેવાઇ જાય છે. એકાંતમાં અલખની આરાધનાની વાત છે. એકાંતમાં મન એકાગ્ર થતાં તે શાંતિ પણ અનુભવે અને તે અલખ ભણી વધુ એક ડગલું પણ ભરી શકે.

મનને એકાગ્ર કરવા માટે એકાંતની શાંતિનું મહત્ત્વ છે. એમ કહી શકાય કે મૌન એ વાણીનું, ઉપવાસ એ ઉદરનું, અંધારું એ પ્રકાશનું, નિર્લેપતા એ સંબંધનું, તટસ્થતા એ લગાવનું જ્યારે ધ્યાન એ મનનું એકાંત છે.