Mon May 25 2026

Logo

પુણેની સ્કૂલની પ્રિન્સિપાલે નાણાકીય લાભ માટે નીટ સંબંધી પ્રશ્નો શૅર કર્યા: સીબીઆઇ

53 minutes ago
Author: Yogesh D Patel
Article Image

પુણે: નીટ-યુજી પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલી પુણેની સ્કૂલની પ્રિન્સિપાલે નાણાકીય લાભ માટે પરીક્ષા સંબંધી પ્રશ્નો અને સામગ્રી કેટલાક વિદ્યાર્થીઓને શૅર કર્યા હતા, એમ સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું. સ્કૂલની પ્રિન્સિપાલ મનીષા સંજય હવાલદારના રિમાન્ડ વધારી આપવાની કોર્ટમાં માગણી કરતી વખતે સીબીઆઇએ આ રજૂઆત કરી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) શુક્રવારે મનીષા હવાલદારની ધરપકડ કરી હતી અને તેને કથિત પેપર લીકનો બીજો ‘સ્રોત’ ગણાવ્યો હતો. શેઠ હીરાલાલ સરાફ પ્રશાલાની પ્રિન્સિપાલ હવાલદારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (એનઇઇટી-યુજી)-2026 માટે ફિઝિક્સ માટે પેનલ પરની ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું હતું. ધરપકડ બાદ હવાલદારને પુણેની કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને તે હાલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર છે. તેને સોમવારે દિલ્હીની કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.

સીબીઆઇએ પુણેની કોર્ટને જણાવ્યું હતું કે આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે હવાલદારે બોટનીની શિક્ષિકા મનીષા માંધારે (જે હાલ કસ્ટડીમાં છે) સાથે મળીને નાણાકીય લાભના બદલામાં માટે નીટ સંબંધી પ્રશ્નો અને સામગ્રી કેટલાક વિદ્યાર્થીને શૅર કર્યાં હતાં. સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે નીટ સંબંધી પ્રશ્નો ધરાવતી હસ્તલિખિત નોંધો હવાલદારે તેના એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) અસાઇનમેન્ટ દરમિયાન તૈયાર કરી હતી અને જાળવી રાખી હતી. 

ગોપનીય સામગ્રીનો ઉપયોગ નીટ યુજી-2026 પરીક્ષા પહેલા કેટલાક વિદ્યાર્થીઓને વૉટ્સઍપ અને પ્રિન્ટઆઉટ દ્વારા પરીક્ષા સંબંધી પ્રશ્નો પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. નીટ યુજી-2026ના ફિઝિક્સના પ્રશ્નો એક વિદ્યાર્થી તથા મોડર્ન કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સની બોટનીની શિક્ષિકા મનીષા માંધારેને શૅર કર્યા હોવાનું હવાલદારે કબૂલ્યું હતું, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે હવાલદારે એક વિદ્યાર્થી પાસેથી 20 હજાર અને બીજી વ્યક્તિ પાસેથી પચીસ હજાર રૂપિયા લીધા હતા, એમ સીબીઆઇએ કોર્ટને કહ્યું હતું.

(પીટીઆઇ)