Mon May 25 2026

Logo

વિશેષઃ ધર્મ ને વિજ્ઞાન વચ્ચે સંતુલન છે મલમાસ...

49 minutes ago
Author: આર.સી.શર્મા
Article Image

મલમાસ, જેને અધિક માસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ પંચાંગમાં આ એક એવો વધારાનો મહિનો છે, જે આશરે દર 32 મહિના અને 16 દિવસ પછી પંચાંગમાં ઉમેરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય ચંદ્ર વર્ષ અને સૌર વર્ષ વચ્ચેના તફાવતને સંતુલિત કરવાનો છે. કારણ કે હિન્દુ પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત છે, જ્યારે ઋતુઓ અને હવામાન સૂર્યની ગતિથી નક્કી થાય છે. ચંદ્ર વર્ષ આશરે 354 દિવસનું હોય છે અને સૌર વર્ષ 365 દિવસનું. આથી દર વર્ષે 11 દિવસનો તફાવત આવી જાય છે. જ્યારે આ તફાવત લગભગ એક મહિના બરાબર થઈ જાય છે, ત્યારે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરી દેવામાં આવે છે, તેને જ મલમાસ કે અધિક માસ કહેવામાં આવે છે.

ભારતીય પરંપરામાં અધિકમાસ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ ધર્મની સાથે વિજ્ઞાનના અદભુત સંતુલનનું એક જીવંત ઉદાહરણ છે. હજારો વર્ષો પહેલાં જ્યારે આધુનિક ખગોળ વિજ્ઞાનનાં સાધનો નહોતાં, ત્યારે ભારતીય જ્યોતિષીઓએ સમજી લીધું હતું કે ચંદ્રના આધારે ચાલતું વર્ષ અને સૂર્ય આધારિત ઋતુ ચક્ર એકબીજા સાથે સંપૂર્ણપણે મેળ ખાતા નથી. તેમ છતાં જો સૂર્ય અને ચંદ્ર વર્ષને એક જ માની લેવામાં આવ્યા હોત, તો બંનેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ ન રહ્યો હોત. આ બંનેના મેળને વૈજ્ઞાનિક પ્રક્રિયા બનાવતાં આપણા પ્રાચીન જ્યોતિષોએ એક વૈજ્ઞાનિક ઉકેલ શોધ્યો અને એક ચોક્કસ સમયગાળા પછી પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવાનો નિયમ બનાવી દીધો. આનાથી માત્ર બંને પ્રકારનાં વર્ષો એકબીજા સાથે મેળ ખાવા લાગ્યા એટલું જ નહીં, પરંતુ પ્રકૃતિ, ઋતુ અને ધાર્મિક તહેવારો વચ્ચે પણ વૈજ્ઞાનિક તાલમેલ સ્થાપિત થઈ શક્યું. ભારતીય સંસ્કૃતિએ આને માત્ર એક ગાણિતિક સૂત્ર બનાવીને છોડી ન દીધું,

તેને આધ્યાત્મિક અભ્યાસ, આત્મનિરીક્ષણ અને ભક્તિ માટેનો એક ખાસ સમય પણ બનાવ્યો. આ જ કારણ છે કે, એક તરફ જ્યાં અધિકમાસ મોટા માંગલિક કાર્યોની મનાઈ કરે છે, તો બીજી તરફ દાન, તપ, કથા અને ધ્યાનનું મહત્ત્વ વધારે છે. આ રીતે અધિકમાસ ભારતીય સભ્યતાની એ દૂરગામી વિચારસરણીનું પ્રતીક છે. 

આ વર્ષે એટલે કે વર્ષ 2026માં અધિક માસની શરૂઆત 17 મે 2026થી થઇ છે અને 15 જૂન 2026ના રોજ તે પૂરો થાય છે. આ વખતે તે જેઠ મહિનાની સાથે આવી રહ્યો હોવાથી બે જેઠ મહિના થઈ રહ્યા છે અને હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષ 12 મહિનાનું નહીં પરંતુ 13 મહિનાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એટલે કે 17 મેથી 15 જૂન 2026 સુધી લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન-છેદન જેવા કોઈ પણ માંગલિક કાર્યો થશે નહીં. આ મહિના વિશે એક પૌરાણિક માન્યતા પણ છે, જે મુજબ ભગવાન વિષ્ણુએ પોતે આ મહિનાને પોતાનું નામ આપ્યું હતું અને તે ‘પુરુષોત્તમ માસ’ બની ગયો. આથી આ મહિનો આત્મશુદ્ધિ, ભક્તિ અને તપ માટે વિશેષ માનવામાં આવે છે.