Thu Apr 23 2026

Logo

દિલ્હી બન્યું ક્રાઈમ સિટી! મહિન્દ્રા પાર્કમાં 17 વર્ષીય સગીરની છરીના ઘા ઝીંકી હત્યા

1 day ago
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા એક જ મહિનામાં ત્રણથી ચાર હત્યાની ઘટનાઓ પ્રકાશમા આવી છે. દિલ્હીના મહિન્દ્રા પાર્ક વિસ્તારમાં સોમવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક 17 વર્ષની સગીર યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે રાત્રે 8 વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. પોલીસે વધારે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

દિલ્હીના મહિન્દ્રા પાર્ક વિસ્તારમાં બની હત્યાની ઘટના

વિગતે વાત કરવામાં આવે તો, આ યુવક રાત્રે પિતાની બાઈક લઈને મિત્ર સાથે બહાર ફરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કેટલાક લોકો તેની રાહ જોઈને બેઠા હતા. યુવક ત્યાંથી પસાર થયો ત્યારે આ લોકોનું ટોળુ તેના પર તૂટી પડ્યું હતું. આરોપીઓએ યુવક પર છરીના અનેક ઘા માર્યાં હતા. યુવકે બચીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપીઓએ તેનો પીછો કર્યો અને હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. 

હુમલો કરીને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર

આ દરમિયાન વધારે ઘા વાગ્યા હોવાથી યુવક ત્યાં ઢળી પડ્યો હતો. હુમલો કરીને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં હતા. યુવકને સ્થાનિકોએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, અહીં સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. હવે આ મામલે પોલીસે વિગતે તપાસ શરૂ કરી છે કે, આખરે શા માટે તેના પર હુમલો કરવામાં આવ્યો?

પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ પ્રમાણે આ કોઈ વ્યક્તિગત દુશ્મનીમાં થયું હોઈ શકે છે. કારણ કે, આરોપીઓએ આ હુમલો આયોજનબદ્ધ રીતે કર્યો હતો. અત્યારે પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓ અત્યારે ફરાર છે, તેમની શોધ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.