ધારાશિવ: મહારાષ્ટ્રમાં એકબાજુ ભયંકર ગરમી પડી રહી છે, જેમાં ઉત્તર મહારાષ્ટ્રમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખાસ તો ખેડૂતો પરેશાન છે. રાજ્યમાં બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે રાતના ધારાશિવ જિલ્લાને ફરી એકવાર તોફાની પવન સાથે કરાના વરસાદે ધમરોળ્યું હતું. મંગળવારે રાતે જિલ્લાના અનેક વિસ્તારોમાં કુદરતનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું.
ધારાશિવ તાલુકાના ધારૂર, કેશેગાવ અને બામણી વિસ્તારોમાં ભીષણ કરા પડ્યા હતા, આ દ્રશ્ય જોઈને ખેડૂતોના હૃદયના ધબકારા વધી ગયા હતા. રસ્તાઓ પર કરાના ઢગલા થઈ જવાથી આખો રસ્તો સફેદચટ્ટ થઈ ગયો હતો. એટલું જ નહીં, ખેતરની કાળી જમીન કરાથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ હતી, જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
આ કરા પડવાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે અને આ વિસ્તારમાં કેરી, કેળા અને દ્રાક્ષના બગીચાઓને ભારે નુકસાન થયું છે. ઉપરાંત, કાપણીના સમયે જુવાર અને ડુંગળીના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
વરસાદ સાથે આવેલા આ ભારે પવનને કારણે ગામમાં ઘણી જગ્યાએ વીજળીના થાંભલા તૂટી ગયા હતા, જેના કારણે ઘણા ગામડાઓમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. "એક વર્ષની મહેનત પછી લણાયેલો પાક રાતોરાત નાશ પામ્યો છે," ખેડૂતો પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું.