Wed Apr 22 2026

Logo

‘ગૉડમૅન’ અશોક ખરાતનું થાણે કનેક્શન

3 hours ago
Author: યોગેશ સી પટેલ
Article Image

પાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ મહિલા કર્મચારી સાથે દુષ્કર્મનો ગુનો

થાણે: મહિલાઓના જાતીય શોષણના આરોપસર ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતનું હવે થાણે કનેક્શન સામે આવ્યું છે. થાણે મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ પદનો દુરુપયોગ કરીને છેલ્લાં ત્રણ વર્ષથી મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પાલિકાનો આ નિવૃત્ત અધિકારી મહિલા કર્મચારીને અશોક ખરાત પાસે તેનું ભવિષ્ય જાણવા લઈ ગયો હતો, એવું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસ ફરિયાદ અનુસાર મહિલા થાણે મહાપાલિકા મુખ્યાલયમાં ડેટા એન્ટ્રી ઑપરેટર તરીકે કામ કરતી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આરોપી મહેશ આહેર તેને પોતાના ભાડાના ફ્લૅટમાં લઈ ગયો હતો, જ્યાં ઘેનયુક્ત ઠંડું પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે કથિત દુષ્કર્મનું આરોપીએ વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. પછી એ વીડિયોની મદદથી બ્લૅકમેઈલ કરીને મહિલાનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ કથિત ગુનો 2020થી 2023 દરમિયાન થયો હોવાનું એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું.

એફઆઈઆર અનુસાર આરોપી આહેર મહિલાને ભવિષ્ય જોવડાવવાને બહાને નાશિકમાં અશોક ખરાત પાસે લઈ ગયો હતો. ત્યાં મહિલા પાસે કથિત વિધિ કરાવવામાં આવી હતી અને પછી એક વિશિષ્ટ પ્રકારનું રત્ન પહેરવા દબાણ કરાયું હતું.આ પ્રકરણે કાસારવડવલી પોલીસે પાલિકાના ભૂતપૂર્વ અધિકારી અને અન્યો વિરુદ્ધ 20 એપ્રિલે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કથિત ગુનો થાણે મહાપાલિકા મુખ્યાલય, હાઈ પ્રોફાઈલ સોસાયટીના ભાડેના ફ્લૅટમાં અને થાણે સ્ટેશન નજીકના એક મકાન સહિત વિવિધ સ્થળે બન્યો હતો. આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.