ફરિયાદી અને અન્યોનાં નામે 32 બૅન્ક ખાતાં ખોલાવી નાણાંકીય લેવડદેવડ કરી
નાશિક: મહિલાઓ સાથે કથિત દુષ્કર્મના આરોપસર ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાત વિરુદ્ધ હવે સિન્નર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો વધુ એક કેસ નોંધાયો હતો. આ કેસમાં ફરિયાદી અને અન્યોનાં નામે 32 બૅન્ક ખાતાં ખોલાવીને તેમની જાણબહાર નાણાંકીય લેવડદેવડ કરવામાં આવી હતી.
છેલ્લાં ત્રણ વર્ષથી વારંવાર દુષ્કર્મ કરવાની મહિલાની ફરિયાદને આધારે અશોક ખરાતની ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી. પછી તો ખરાત વિરુદ્ધ નાશિક અને અહિલ્યાનગર જિલ્લામાં ડઝન જેટલા ગુના નોંધાયા હતા, જેમાંથી સૌથી વધુ મહિલાઓના જાતીય શોષણના હોવાનું પોલીસનું કહેવું છે.
સિન્નર પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદ અનુસાર ખરાત અને તેના સાથીઓએ ફરિયાદી નારાયણ રામચંદ્ર ઘોટેકર અને અન્યોનાં નામે શ્રી જગદંબા માતા ગ્રામીણ બિગરશેતી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, કુંદેવાડીમાં 32 ખાતાં ખોલાવ્યાં હતાં. ખાતાં ખોલાવતી વખતે આધાર કાર્ડ અને પૅન કાર્ડ જેવા દસ્તાવેજોની ચકાસણી સહિતની જરૂરી પ્રક્રિયાઓ કરાઈ નહોતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ખરાત અને ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓએ 10 ઑગસ્ટ, 2016થી 31 ઑક્ટોબર, 2023 દરમિયાન ઘોટેકરનાં ખાતાંમાં તેની જાણબહાર 57.90 લાખ રૂપિયાના આર્થિક વ્યવહાર કર્યા હતા. આ પ્રકરણે અન્ય કેસોમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી અશોક ખરાત અને તેના સાથીઓ વિરુદ્ધ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)