Mon Apr 27 2026

Logo

વડા પ્રધાન અને મુખ્યપ્રધાનોને હટાવવા અંગેના બિલની અભ્યાસ કરતી સંયુક્ત સમિતિએ મહારાષ્ટ્ર સરકાર સાથે ચર્ચા કરી

1 hour ago
Author: વિપુલ વૈદ્ય
Article Image

Aparajita Sarangi


મુંબઈ: ફોજદારી આરોપોનો સામનો કરી રહેલા વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનોને હટાવવા અંગેના બિલનો અભ્યાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ના વડા અપરાજિતા સારંગીએ સોમવારે જણાવ્યું હતું કે આ પેનલ શાસક અને વિપક્ષી પક્ષોના તમામ હિસ્સેદારો પાસેથી મંતવ્યો એકત્રિત કરી રહી છે.મહારાષ્ટ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી, સારંગીએ કહ્યું કે પ્રસ્તાવિત કાયદો ભારતના લોકશાહી માળખાને મજબૂત બનાવવામાં એક સીમાચિહ્નરૂપ બનશે.

બંધારણ (130મો સુધારો) બિલ, 2025, પાંચ કે તેથી વધુ વર્ષની જેલની સજાપાત્ર ગુનાઓ માટે સતત 30 દિવસથી વધુ સમય માટે ધરપકડ અને અટકાયતમાં રાખવામાં આવે તો વડા પ્રધાનો, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોને આપમેળે પદ પરથી દૂર કરવાનો હેતુ ધરાવે છે.સારંગીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં પરામર્શ દરમિયાન પેનલને ત્રણ ‘ખૂબ જ મહત્વપૂર્ણ’ સૂચનો આપ્યા હતા, જેની તપાસ કરવામાં આવશે.

‘પેનલે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકાર, અધિકારીઓ અને મહારાષ્ટ્ર માનવ અધિકાર આયોગ સાથે ચર્ચા કરી હતી. અમે બાર એસોસિએશન, ન્યાયિક એકેડેમી મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી મુંબઈને પણ મળીશું,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.સારંગીએ જણાવ્યું હતું કે જેપીસી શાસક પક્ષ અથવા વિપક્ષના તમામ હિસ્સેદારોના મંતવ્યો પર વિચાર કરી રહી છે અને તમામ ઇનપુટ્સનું વિશ્ર્લેષણ કર્યા પછી, સમિતિ તેનો અહેવાલ તૈયાર કરશે અને તેને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સુપરત કરશે.

‘અમે બધા મંતવ્યોનું વિશ્લેષણ કરીશું અને અમારો અહેવાલ તૈયાર કરતી વખતે તેમને સમાવીશું,’ એમ સારંગીએ કહ્યું હતું. સારંગીએ કહ્યું કે સમિતિ બંધારણ (130મો સુધારો) બિલ, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારા) બિલ, 2025 નો અભ્યાસ કરી રહી છે.તેમણે ઉમેર્યું કે સમિતિ આગામી સમયમાં ઓડિશા સરકાર અને અન્ય હિસ્સેદારો સાથે સલાહ લેવા માટે ભુવનેશ્ર્વર જશે.

‘આ બિલ પાછળનો હેતુ રાજકારણમાં અપરાધીકરણને દૂર કરવાનો અને શાસનમાં જવાબદારી સુનિશ્ર્ચિત કરવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે આ ભારતના લોકશાહી માળખાને મજબૂત બનાવવામાં એક સીમાચિહ્નરૂપ બને,’ એમ સારંગીએ ઉમેર્યું હતું.