Thu Apr 23 2026

Logo

`કમિન્સ કમબૅક કરે તો પણ કૅપ્ટન્સી કિશન પાસે જ રહેવી જોઈએ': ભૂતપૂર્વ ક્રિકેટર કેમ આવું કહે છે?

1 day ago
Author: Ajay Motiwala
Article Image

હૈદરાબાદઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગડે વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશન (Ishan Kishan)ની તરફેણમાં મંતવ્ય આપતા કહ્યું છે કે `પૅટ કમિન્સ ઈજામુક્ત થઈને પાછો રમવા આવે તો પણ સનરાઇઝર્સ હૈદરાબાદની કૅપ્ટન્સી કિશન પાસે જ રહેવી જોઈએ.'

બાંગડ (Bangar)નું માનવું છે કે કિશનમાં ટીમનું નેતૃત્વ સંભાળવાની બહુ સારી વ્યૂહાત્મક સમજબૂઝ છે અને બાંગડના મતે કમિન્સ એક વર્ષ સુધી ઈજાગ્રસ્ત રહ્યા બાદ ફિટ થઈને પાછો ભલે રમવા આવી જશે, પણ આખી ટૂર્નામેન્ટ રમી શકશે કે કેમ એમાં શંકા છે.

કમિન્સે પીઠના નીચલા ભાગમાં દુખાવો હતો. તે તાજેતરનો ટી-20 વર્લ્ડ કપ નહોતો રમ્યો તેમ જ આ વખતની આઇપીએલની શરૂઆતથી નથી રમ્યો. તે શનિવારે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચથી પાછો રમવા આવવાનો છે.

ભારતના ભૂતપૂર્વ બૅટિંગ-કોચ બાંગડે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને કહ્યું, `લીડર તરીકે કિશનમાં સારી સમજબૂઝ છે. કયા બૅટ્સમૅન સામે કયા બોલરને મોરચા પર મૂકવો એની તેનામાં સારી સમજદારી છે. એ રીતે તે મૅચ પર અંકુશ જમાવતો હોય છે. તે ઉતાવળે નિર્ણય નથી લેતો. મેં જોયું છે કે તે યોગ્ય નિર્ણયો લેતો હોય છે. દિલ્હી કૅપિટલ્સ સામે તેણે સ્પિનર્સનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. કમિન્સ કમબૅક કરે તો પણ કિશનને જ કૅપ્ટન બનાવી રાખવો જોઈએ. કૅપ્ટનપદે ભારતીય હોવાથી ખેલાડીઓ સાથે સારી એકરૂપતા અને સાતત્યતા રહેતી હોય છે.'

કિશને ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?

ઇશાન કિશનનો મંત્ર છે, `હું નિષ્ફળતાના ભયમાંથી બહાર આવવામાં માનું છું. નિષ્ફળતા તો આવે, એકાગ્રતા જાળવવી જોઈએ તેમ જ સારું પર્ફોર્મ કરવાની ઇચ્છાશક્તિ રાખવી જોઈએ. નિષ્ફળતામાં સકારાત્મક વલણ અપનાવીને આગળ વધવું જોઈએ. અનુભવ પરથી જે કંઈ નવું શીખવા મળે એ શીખી લેવું જોઈએ અને ભૂલનું પુનરાવર્તન ન થાય એની તકેદારી રાખવી જોઈએ. બોલર્સ સાથે મારી બહુ સારી મૈત્રી છે અને એ હું એન્જૉય કરી રહ્યો છું. હું મારા બોલર્સને (ખાસ કરીને સાકિબ હુસૈનને) કહેતો હોઉં છું કે કોઈ ઓવર ખરાબ જાય તો નિરુત્સાહ નહીં થવાનું. મગજ શાંત રાખીને રમતા રહેવાનું અને તક મળે એટલે ગેમમાં કમબૅક કરીને બાજી સુધારી લેવાની. પોતાના પર વધારાનું પ્રેશર મૂકવાનો કોઈ અર્થ નથી. પોતાની યોજનાઓ પર ભરોસો રાખો અને એનો સરખી રીતે અમલ કરો.'