Mon Apr 27 2026

Logo

ઘાટકોપરમાં રોષે ભરાયેલા ટોળાનો આરોપી સાથે પોલીસ પર હુમલો

1 hour ago
Author: Yogesh C Patel
Article Image

બે બાળકી સાથે કુકર્મ કરનારા શકમંદને પકડવા ગયેલા એક કોન્સ્ટેબલનું માથું ફૂટ્યું તો બીજાના હાથમાં ફ્રેક્ચર થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ઘાટકોપરમાં બનેલી ઘટનામાં બે બાળકી સાથે કથિત કુકર્મ કરનારા શકમંદને ફટકારવાની સાથે રહેવાસીઓના ટોળાએ પોલીસ ટીમ પર પણ હુમલો કર્યો હતો. મારપીટ અને હેલ્મેટથી કરાયેલા હુમલામાં એક કોન્સ્ટેબલનું માથું ફૂટ્યું હતું તો બીજાના હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ પ્રકરણે પોલીસે 35થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ શનિવારની રાતે બનેલી ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ કોળી અને ઋષભ ઉત્તમ ખંદારે જખમી થયા હતા. સારવાર માટે બન્નેને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસ ટીમ પર હુમલો કરનારા ચારની ઓળખ થઈ હતી, જ્યારે બાકીનાની ઓળખ મેળવવા પોલીસ ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.

ફરિયાદમાં જણાવાયું હતું કે શનિવારની રાતે 10 વાગ્યાની આસપાસ ક્ધટ્રોલ રૂમને માહિતી મળી હતી કે ઘાટકોપરના નિત્યાનંદ નગરની હાજી મુલ્લા ચાલમાં એક શખસને મારવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ થઈ છે. એ શખસને બચાવવા પોલીસ મદદની જરૂર છે. આ અંગેનો મેસેજ મળતાં જ પેટ્રોલિંગ પર હાજર ઘાટકોપર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ચાલમાં હોબાળો મચાવનારા લોકોએ એક ઘર તરફ આંગળી ચીંધીને તેમાં ફિરોઝ ઉર્ફે સની ઈકબાલ શેખ (38) સંતાયો હોવાનું પોલીસને કહ્યું હતું. બે બાળકી સાથે શરમનજક કૃત્ય કરીને રહેવાસીઓના ડરથી તે ઘરમાં સંતાયો હતો. પોલીસે તપાસ કરતાં શકમંદે ઘરના દરવાજાને અંદરથી કડી લગાવી હોવાનું જણાયું હતું.

પોલીસે ટોળાને ઘરથી દૂર જવાનું કહીને સમજાવટ પછી શકમંદને તાબામાં લીધો હતો. શકમંદને પોલીસ સ્ટેશને લઈ જવા માટે પોલીસની ટીમ વૅન તરફ જઈ રહી હતી ત્યારે 30થી 35 જણનું ટોળું નજીક ધસી આવ્યું હતું અને શકમંદની મારપીટ શરૂ કરી હતી. અમને કાયદેસરની કાર્યવાહી કરવા દો, એવી વિનંતી કરીને પોલીસે શકમંદને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઉશ્કેરાયેલા લોકો પોલીસ પર તૂટી પડ્યા હતા.

કહેવાય છે કે મારઝૂડની સાથે હેલ્મેટથી પોલીસને ફટકારવામાં આવ્યા હતા. જેમતેમ પોલીસ શકમંદને લઈ વૅન સુધી પહોંચી ત્યારે ટોળાએ વૅનને ઘેરી લીધી હતી. પોલીસને વૅનનો દરવાજો બંધ કરતા રોકવામાં આવ્યા હતા. અમુક લોકોએ હેલ્મેટ વૅન પર મારવા માંડી હતી. ટોળાથી બચાવી પોલીસ શકમંદને લઈ પોલીસ સ્ટેશને પહોંચી હતી.

જોકે હેલ્મેટ વાગવાને કારણે કોળીના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. ખંદારેના જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હતી. સારવાર દરમિયાન હાથમાં ફ્રેક્ચર હોવાનું તબીબે કહ્યું હતું. આ પ્રકરણે ગોપાલ યાદવ, નિખિલ માજિરે, રવિ સાહુ, અનુજ સાહુ અને અન્ય 30થી 40 જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.