Sun Apr 19 2026

Logo

આ ગ્રીનમેને પંખીઓ માટે બનાવ્યા છે અ-નોખા માળા

2 hours ago
Author: Nidhi Bhatt
Article Image

ફોકસ -નિધિ ભટ્ટ

ગરમીની શરૂઆત થતાં જ આપણે સૌ અકળાઈ જઈએ છીએ. બપોરે કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળીએ છીએ. એવામાં બિચારા પંખીઓનું શું થતું હશે? તેમની આ પીડાને સમજે છે રાજસ્થાનમાં રહેતાં નરપતસિંહ રાજપુરોહિત, જે ગ્રીનમેન તરીકે પ્રખ્યાત છે. તેમણે એક સુંદર પહેલ શરૂ કરી છે. એને કારણે સોશ્યલ મીડિયામાં તેમની ખૂબ વાહ વાહી થઈ રહી છે. તેઓ પર્યાવરણને લઈને પણ ખૂબ સજાગ છે. 

ઉનાળો શરૂ થઈ ગયો છે અને રાજસ્થાનના બાડમેરમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. એવામાં ગરમી અને તરસને કારણે હજારો મૂંગા પંખીઓ જીવ ગુમાવે છે. 

જોકે આ ગ્રીનમેન તેમની વહારે આવ્યો છે. તેણે વેસ્ટમાંથી બેસ્ટ અને ઉપયોગી વસ્તુ બનાવી છે. 

કચરામાં પડેલા નાળિયેરનો ઉપયોગ તેમણે પંખીના માળા બનાવવામાં કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ મંદિર અને રસ્તામાં પડેલા નાળિયેરને જમા કરે છે. ત્યારબાદ તેમાં કાણા કરીને રસ્સી પરોવે છે અને ઝાડ પર લટકાવી દે છે. 

જોતજોતામાં તો આ નાળિયેર પંખીનો ટકાઉ અને સલામત માળો બની જાય છે. 

નરપતસિંહનો આ પ્રયાસ લોકોના દિલ જીતી રહ્યો છે. 

ગ્રીનમેનનો આ પ્રયાસ એક જુગાડ નથી, પરંતુ એક પ્યોર સાયન્સ છે. પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ અથવા લોખંડના વાસણ ગરમીમાં વધુ તપી જાય છે. એવામાં નાળિયેરનું બહારનું આવરણ ગરમીને અંદર પ્રવેશવા નથી દેતું. માળાને ઠંડક આપે છે. તોફાન આવે તો પણ આ માળા તૂટતા નથી. 

નરપતસિંહની આ નિસ્વાર્થ સેવા લોકો માટે પ્રેરણા સમાન છે. 

પર્યાવરણની પણ લે છે ખૂબ કાળજી

નરપતસિંહ રાજપુરોહિતને જેમ અબોલા પશુ-પંખીઓની ચિંતા છે, ઠીક એવી જ રીતે તેમને આપણા પર્યાવરણની પણ પરવા છે. તેઓ લોકોને પર્યાવરણ વિશે સજાગ કરવાનું કામ પણ કરે છે. એના માટે તેમણે 400 દિવસો સુધી સાઇકલ પર 15 રાજ્યોની યાત્રા કરી હતી. એ દરમિયાન તેમણે 22000 કિલોમીટરનું અંતર ખેડ્યુ હતું. સાથે જ પોતાના સામાનમાં તેમણે છોડ રાખ્યા હતાં અને રસ્તામાં લોકોને જાગૃત કરતાં છોડ પણ વાવતા હતા. આ પ્રવાસ તેમના માટે સરળ નહોતો, ઠંડી, ગરમી, વરસાદ અને તોફાનનો સામનો કરતાં કરતાં નરપતસિંહે મુસીબતોને મ્હાત આપી હતી. 

જમ્મુ-કાશ્મીરથી યાત્રા શરૂ કરીને તેમણે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, તમિળનાડુ અને દિવ-દમણ સુધી લોકોમાં પર્યાવરણ પ્રત્યે સજાગતા ફેલાવી છે. આ ગ્રીનમેન કહે છે કે ‘ દરેક વ્યક્તિએ જીવનમાં બે છોડ તો જરૂર વાવવા જોઈએ. એક ઝાડ આપણે શ્ર્વાસ લઈએ છીએ તેનાં માટે અને બીજું અંતિમ શ્ર્વાસ માટે.’ પોતાની યાત્રા દરમિયાન તેઓ છોડ ખરીદે છે અને તેને સ્કૂલ કે પછી સરકારી ઓફિસમાં રોપે છે. 

નરપતસિંહ રાજપુરોહિતનું કહેવું છે કે જો કોઈ સંજોગોવશાત ઝાડ કરમાઈ જાય તો એનાં સ્થાને ફરીથી નવું ઝાડ ઊગાડવું જોઈએ.

આજે પ્રદૂષણમાં ખૂબ વધારો થયો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓનું ચક્ર પણ ડગમગી ગયું છે. ગરમીમાં સતત વધારો થાય છે. કમોસમી વરસાદ વરસે છે. એને કારણે ખેતરોમાં પાકને પારાવાર નુકસાન થાય છે. આ જ કારણ છે કે નરપતસિંહે લોકોને સાઇકલનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. તેમની આ પહેલ ખરેખર વંદનિય છે.